ગાંધીધામ, તા. 8 : શહેરમાં રહેતા કોંગ્રેસી તથા
મુસ્લિમ અગ્રણી પાસેથી બળજબરીપૂર્વક રૂપિયા કઢાવવા કાવતરું ઘડી તેમની પ્રતિષ્ઠાને હાનિ
પહોંચાડવા ખોટા વીડિયો બનાવી યુ-ટયુબ ચેનલમાં
અપલોડ કરી, અશ્લીલ વીડિયોની
ધમકી આપી, ધાર્મિક લાગણી દુભાવવાના પ્રકરણમાં મહિલા સહિત 14 લોકો સામે ગુનો દર્જ થયો હતો.
આ પૈકી બે શખ્સોને પોલીસે પકડી પાડયા હતા. શહેરમાં રહેતા જુમા ઈબ્રાહીમ રાયમાએ આ બનાવ
અંગે ફરિયાદ નોંધાવી હતી. ગત તા.11/11/2025ના
સમાજના ધર્મગુરુ શેખ સૈયદ હાસિમ અલ ગીલાની અહીં આવ્યા હતા. જે અંગે ફરિયાદીએ અખબારોમાં
સ્વાગતની જાહેરાતો આપી હતી. તે દિવસે સાંજે ફરિયાદીનાં ઘરે ધર્મગુરુનું પ્રવચન હતું
ત્યારે આમંત્રિત મહેમાનો આવ્યા હતા ત્યારે કે.પી. ન્યૂઝ નામે યુ-ટયુબ ચેનલ ચલાવતો ઈરફાન
ઈબ્રાહિમ હાલેપોત્રા વગર આમંત્રણે ત્યાં પહોંચ્યો હતો અને હું પ્રોગ્રામ કવર કરવા આવ્યો
છું. મને રૂા. 20,000 આપો તેવી માંગ કરી હતી, જેની ફરિયાદીએ ના પાડી હતી બાદમાં વીડી (બગીચા)
ખાતેના કાર્યક્રમમમાં પણ આ શખ્સ ઈરફાન હાલેપોત્રા આવી જાહેરાત આપી નથી, હું તને જોઈ લઈશ તેવી ધમકી આપી હતી. તા.14/11/2025ના ધર્મગુરુને ભુજ એરપોર્ટ
પર મૂકવા ફરિયાદી અને અન્યો ગયા હતા ત્યારે પણ આ ચેનલવળાએ રૂા.20,000 આપ્યા નથી તમને 20 લાખમાં પડશે તેવી ધમકી આપી
હતી. તા. 28/2/2026ના સલમાબેન ગંઢના ઘરે પારિવારિક
માથાકૂટ થતાં તેમના દીકરાના ફોન પછી ફરિયાદીએ ત્યાં જઈ ઠપકો આપ્યો હતો. બીજા દિવસે
સલમાબેન કે.પી. ન્યૂઝમાં જુમાભાઈએ મને ઝાપટ મારી હોવાનું કહ્યું હતું. બાદમાં આ મહિલાએ
ખુલાસો કરતો વીડિયો બનાવ્યો હતો અને સમજાવવાની દૃષ્ટિએ ટાપલી મારી હોવાનું કહ્યું હતું.
જે વીડિયો પણ આ ચેનલમાં ચલાવાયો હતો. બાદમાં તા. 2/3ના આ ચેનલ પર અંજારના દીપ્તિ મહેશ ઠક્કરે ઈન્ટરવ્યૂ આપી જુમાભાઈએ
સલમાબેન સાથે અત્યાચાર કર્યો છે. 17 વર્ષ પહેલાં મુંબઈની જમીનના સોદાની દલાલીના 20 લાખ ખાઈ ગયા હોવાનો આક્ષેપ
પણ કરાયો હતો. દરમ્યાન આ મહિલા પાસે ફરિયાદીના મિત્ર હુસેનભાઈ તાલિબ હુસેન જતાં મહિલાએ
20 લાખ અપાવી દો તો હું ચેનલમાંથી
વીડિયો કઢાવી નાખીશ, મારું મોઢું
બંધ રાખીશ, નહીં તો દરરોજ
નવા વીડિયો આવશે. મહિલા પાસે 20 લાખ અંગેના પુરાવા મગાતાં તે પૂરા પડાયા નહોતા અને પાંચ લાખની માંગ કરી હતી તથા
હું એકલી નથી, મુસ્લિમ સમાજના અન્ય માણસો
પણ હોવાનું દીપ્તિ ઠક્કરે કહ્યું હતું. બાદમાં સલમાબેન આ મહિલા પાસે જતાં અને મારા
કહ્યા વગર મારા સપોર્ટમાં વીડિયો બનાવ્યો છે, મારી મેટર પૂરી
થઈ ગઈ છે, દરમ્યાન આ
મહિલા દીપ્તિ ઠક્કરે 20 લાખ અપાવી
દો તો બધું બંધ કરી નાખીશ નહીં તો જુમાભાઈના અશ્લીલ વીડિયો બનાવીશ, સમાજમાં મોઢું બતાવવા લાયક નહીં રહે તેવી ધમકી
આપી હતી. બાદમાં પણ આ મહિલએ વીડિયો બનાવ્યો હતો અને ઈરફાન નામના શખ્સે પોતાની ચેનલમાં
તે વીડિયો અપલોડ કર્યો હતો. આ પ્રકરણમાં ઈસ્માઈલ સાલે બાફણ, જકરિયા
કુંભાર, સલીમ અહેમદ જત, સતાર માંજોઠી,
તાહીર ભટ્ટી, લતીફ ગગડા, સુલેમાન રાઉમા, આમીરશા સૈયદ, હનીફશા
શેખ (પ્રમુખ અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ સમાજ યુવા પાંખ) તથા આદમ પડેયાર નામના શખ્સે
પીઠબળ આપી યેનકેન પ્રકારે ફરિયાદીના વીડિયો બનાવવવાનું કહ્યું હોવાનું ફરિયાદીને વાતોથી,
વોઈસ રેકોર્ડિંગ, ક્રીનશોટથી જાણવા મળ્યું હતું.
દરમ્યાન જકરિયા કુંભારે સલમાબેનને હું સલીમ અહેમદ જત (અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ સમિતિ)ની
ઓફિસે બેઠો છું, જુમાભાઈ વિરુદ્ધ બીજા વધારે ખોટા પુરાવા ઊભા
કરી રમજાન પછી મોટું પ્લાનિંગ કરી તેની કારકિર્દી ખતમ કરી દઈએ. બાદમાં સલીમ જત,
ઈકબાલ મંધરા, ઈશાક જુમા જતની વોટ્સએપ ચેટ વાયરલ
થઈ હતી. પોલીસે બનાવ અંગે ગુનો નોંધી યુ-ટયુબ ચેનલના ઈરફાન હાલેપોત્રા, મહમદ હનીફ હાજી સુમારશા શેખને પકડી પાડયા હતા. મુસ્લિમ અગ્રણી અને જૂના કોંગ્રેસી અગ્રણી પાસેથી
બળજબરીથી રૂપિયા પડાવવા, તેમની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવા,
ધાર્મિક લાગણી દુભાવવાના આ બનાવથી ભારે ચકચાર પ્રસરી હતી.