• શનિવાર, 02 ઑગસ્ટ, 2025

મેઘપર (બો.)ના યુવાનને ટાસ્ક આપી 2.41 લાખ ઉસેડી લેવાયા

ગાંધીધામ, તા. 1 : અંજાર તાલુકાના મેઘપર બોરીચીની સોસાયટીમાં રહેનાર એક યુવાનને ટાસ્ક પૂરા કરવાનું કહી તેની પાસેથી રૂા. 2,41,000 ઠગબાજોએ ધૂતી લીધા હતા. મેઘપર બોરીચીની સ્કાયવન સેસાયટીમાં રહી ભીમાસરની રત્નમણિ કંપનીમાં નોકરી કરનાર વિનિત જિતેન્દ્ર માલવી (લુહાર) નામનો યુવાન આ બનાવનો ભોગ બન્યો હતો. આ ફરિયાદી ગત તા. 16-5ના કંપનીમાં હતો ત્યારે અજાણ્યા નંબરથી વોટ્સ-એપમાં મેસેજ આવ્યો હતો. જેમાં સુનીલા શન્મા સિગ્મા ઇન્ડિયા પ્રા. લિ. કંપનીમાં એચ.આર. હોવાનું અને પાર્ટ ટાઇમ જોબ કરવી છે, તેવું પૂછતાં ફરિયાદીએ હા પાડી હતી. બાદમાં તેને લિન્ક મોકલતાં તેણે લિન્ક ખોલતાં તે ટેલિગ્રામના એક ગ્રુપમાં જોડાઇ ગયો હતો. જેમાં ગૂગલ મેપમાં જઇને ફાઇવ સ્ટાર રિવ્યૂ આપવાનું જણાવાયું હતું. યુવાને તેવું કરતાં થોડા દિવસ તેના ખાતમાં પૈસા મોકલવામાં આવ્યા હતા. બાદમાં અઘરા ટાસ્ક આપી પૈસાની માગણી કરાઇ હતી, જેથી ફરિયાદી પાસે પૈસા ન હોવાથી  પોતાની બહેનના, પિતાના તથા પિતાના મિત્રના ખાતામાંથી રૂપિયા આ ઠગબાજોના ખાતામાં જમા કરાવ્યા હતા. બાદમાં પૈસા કઢાવવા જતાં નીકળ્યા ન હતા, તેની સાથે ઠગ ટોળકીએ રૂા. 2,41,000ની છેતરપિંડી આચરી હતી. પોલીસે બનાવ અંગે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. 

Panchang

dd