કાઠડા (તા. માંડવી), તા. 30 : ગામના એક
સામાન્ય પરિવારના ખેડૂતના ખાતામાંથી 4900 લેખે પાંચ ટ્રાન્જેક્શનથી રૂા. 24,500 ઉપડી ગયા... આઠ દિવસમાં આવો
બીજો બનાવ બન્યો છે. જ્યારે માંડવીના એક ખાતેદારના ખાતામાંથી પણ ત્રણ લાખ ઉપડયા હતા.
આમાં ફિંગર પ્રિન્ટથી બારોબાર નાણાં સેરવવાના વધતા કિસ્સાઓથી સામાન્ય લોકો પરેશાન બન્યા
છે. કાઠડા ગામના સામાન્ય પરિવારના એક ખેડૂતના ખાતામાંથી 4900 લેખે પાંચ વખત મળીને કુલ 24500/-ની રકમ ઉપડી જતાં તેમને મેસેજ
પણ ન આવ્યા અને આજે ઘરવખરી માટે બેંકમાં રૂપિયા ઉપાડવા ગયો તો તેને જાણ થઇ કે તેમના
ખાતામાંથી 24500/- ઉપડી ગયા છે. જેથી હું સામાન્ય
માણસ છું, હવે શું કરવું ? બેંકે
તો જણાવી દીધું કે સાયબર ક્રાઇમ ફરિયાદ દાખલ કરો એવું કહીને હાથ ઊંચા કરી દીધા. ત્યારે
હવે અમારે શું કરવું ? તો તંત્ર જાગૃત બને તે જરૂરી છે. આ અંગે
ગુજરાત બરોડા ગ્રામીણ બેંક-શિરવા શાખાના આસિસ્ટન્ટ બ્રાન્ચ મેનેજર વેદભાઇ ધોળકિયાનો
સંપર્ક કરતાં જણાવ્યું હતું કે, હા, અમારી
જ બેંકમાં આ અઠવાડિયામાં બીજો કેસ નોંધાયો છે અને રકમ ઉપડી ગઇ છે અને જે અંગે ઓનલાઇન
1930 ઉપર ફરિયાદ દાખલ કરી દીધી છે
અને ઉચ્ચ કક્ષાએ પણ તાત્કાલિક પગલાં લેવા કહી દેવાયું છે ત્યારે બે-ત્રણ દિવસ અગાઉ
જ માંડવી ખાતે ત્રણ લાખ જેટલી રકમ સેરવી લેવાઇ હોવાનું એક પાટીદારે ફરિયાદ દાખલ કરી
હોવાનું જણાવ્યું હતું. ખેડૂતો અને આમઆદમી કહી રહ્યા છે કે કોઇ કૃષિ સહાય કે ખાતર મેળવવા, દૂધ ડેરી કે વિવિધ સરકારી સહાય મેળવવા ફિંગર
પ્રિન્ટની જરૂરત રહે છે અને આવી જ રીતે રકમ સેરવી લેવાશે તો ફિંગર આપવા કે શું અને
પૈસા બેંકમાં રાખ્યા બાદ પૈસા સુરક્ષિતની જવાબદારી બેંકની છે પણ બેંકો જ સુરક્ષિત નથી
તો હવે શું કરવું અને જો ફિંગર પ્રિન્ટથી પૈસા ઉપડી શકતા હોય તો બેંકોએ આવી રીતે ફિંગરથી
પૈસા ઉપાડી શકવાની પ્રથા જ બંધ કરી દેવી જોઇએ જેથી લોકોના રૂપિયા તો સુરક્ષિત રહી શકે.