ગાંધીધામ, તા. 4 : કંડલામાં ગોદામ નજીક ઓરડી બહાર
સૂતેલા લક્ષ્મી સત્યનારાયણ માંઝી (ઉ.વ. 32) ઉપર ટ્રકના પૈડાં ફરી વળતા આ યુવાને જીવ ખોયો હતો. બીજીબાજુ
ભચાઉના આધોઇ નજીક પગપાળા જતા ગાંગજી પ્રેમજી છાડવા (ઉ.વ. 55)ને અજાણ્યા વાહનચાલકે હડફેટમાં
લેતાં તેમનું મોત થયું હતું તેમજ અંતરજાળમાં કાલાજી રાજગોર (ઉ.વ. 20) નામના યુવાને ગળેફાંસો ખાઇ
જીવ દીધો હતો. કંડલામાં સી બર્ડ ગોદામ નજીક ગત તા. 3/7ના મોડીરાત્રે આ જીવલેણ બનાવ બન્યો હતો. શ્રમિક એવો લક્ષ્મી
માંઝી ગોદામની ઓરડી બહાર સૂતો હતો દરમ્યાન, ટ્રક નંબર જી.જે. 12 ડબલ્યુ. 6734ના ચાલકે
પોતાનું વાહન બેદરકારીથી રિવર્સમાં લેતાં આ યુવાન ઉપર વાહનના પૈડાં ફરી વળતાં તેને
ગંભીર ઇજાઓ પહોંચી હતી. તેને સારવાર અર્થે લઇ જવાતાં ફરજ પરના તબીબે યુવાનને મૃત જાહેર
કર્યો હતો. ટ્રકચાલક વિરુદ્ધ મુનેશ્વર ઉર્ફે જુગેશ મહેન્દર માંઝીએ પોલીસ મથકે ફરિયાદ
નોંધાવી હતી. વધુ એક બનાવ આધોઇ નજીક બન્યો હતો. ગામમાં રહેનાર ગાંગજી છાડવા નામના આધેડ
ગત તા. 1/7ના રાત્રિના ભાગે આધોઇથી ધરાણા
બાજુ પગપાળા જઇ રહ્યા હતા. આ આધેડ બેરા પરબ પાસે પહોંચ્યા હતા તેવામાં કોઇ અજાણ્યા
વાહનના ચાલકે તેમને હડફેટમાં લેતાં પ્રથમ સ્થાનિક બાદમાં વધુ સારવાર અર્થે ભુજ જી.કે.
જનરલ હોસ્પિટલમાં લઇ જવાયા હતા જ્યાં સારવાર દરમ્યાન તેમણે છેલ્લાશ્વાસ લીધા હતા. અકસ્માત
કરી નાસી જનાર અજાણ્યા વાહનચાલક વિરુદ્ધ આધેડના દીકરા ભરત છાડવાએ પોલીસ મથકે ફરિયાદ
નોંધાવી હતી. આપઘાતનો એક બનાવ અંતરજાળમાં આવેલા ગોપાલનગર વિસ્તારમાં બન્યો હતો. અહીં
રહેનાર જેકપ નામનો યુવાન ગઇકાલે પોતાના ઘરે હતો દરમ્યાન તેણે અગમ્ય કારણોસર લાકડામાં
લાલ રંગના કપડાં વડે ગળેફાંસો ખાઇ પોતાનો જીવ દીધો હતો. બનાવ પછવાડેનું કારણ બહાર આવ્યું
નથી જેની આગળની તપાસ પોલીસે હાથ ધરી છે.