ભુજ, તા. 4 : હાલમાં જ પૂર્ણ થયેલા જૂન માસ
દરમિયાન કચ્છમાં વિવિધ ગુનાખોરીની પ્રવૃત્તિને ડામવા માટે પશ્ચિમ કચ્છ પોલીસની સ્થાનિક
ગુનાશોધક શાખાએ જૂન માસમાં હાથ ધરેલી કાર્યવાહીમાં પશુ પ્રત્યે ઘાતકીપણું, અસામાજિક પ્રવૃત્તિ, ચોરી,
લૂંટ, ખૂન, સસ્તા સોનાની
લાલચ આપી છેતરપીંડી, ખનિજચોરી, ગેરકાયદે
દારૂ, જુગાર સહિત જુદા-જુદા કુલ 20 ગુના અંગે હાથ ધરાઈ કાર્યવાહી.
એલસીબી દ્વારા હાથ ધરાયેલી કાર્યવાહીમાં અલૈયાવાંઢ (ખાવડા)ની સીમમાંથી કતલખાનું ઝડપી
પડાયું હતું, જ્યારે માંડવી પોલીસ મથક
વિસ્તારમાંથી આધાર-પુરાવા વિનાના રૂા. 22,66,300ના 25 કિલો 900 ગ્રામ ઘરેણાં સાથે ત્રણ ઈસમને
પકડી પડાયા હતા, તો માંડવીમાં થયેલી ઘરફોડ
ચોરીના ગુનામાં સંડોવાયેલા આરોપીઓને શોધી રોકડા રૂા. 4,70,000 સહિતનો મુદ્દામાલ કબજે લેવાયો
હતો. કોડાય પોલીસ મથકમાં નોંધાયેલા ખૂનના કેસમાં સંડોવાયેલા બે આરોપીને ગણતરીના કલાકોમાં
જ પકડી લેવાયા હતા. વાયર ચોરી-ઘરફોડ ચોરી સહિતના જુદા-જુદા બનાવોમાં અબડાસા તાલુકાના
નલિયા વિસ્તારમાંથી ચાર આરોપીને હસ્તગત કરાયા હતા. ઈન્સ્ટાગ્રામમાં ખોટી આઈડી બનાવી
લોકોને છેતરામણી લાલચ આપી ઠગાઈ કરવાના ઈરાદે રિલ્સ બનાવનારા ઈસમો વિરુદ્ધ કાર્યવાહી
હાથ ધરાઈ હતી. આ ઉપરાંત પશુ હેરફેર, દારૂ સંબંધી ગુના, ઠગાઈના વણશોધાયેલા ગુના, ઓઈલ ચોરી, વાહન ચોરી, ખનિજ ચોરી
સહિતના ગુનાઓ અંગે કાયદાકીય કાર્યવાહી કરાઈ હતી, તો જિલ્લામાં
જુદા-જુદા ગુનામાં નાસતા-ફરતા 12 આરોપીને ઝડપી લેવાયા હતા. આ કાર્યવાહીમાં પોલીસવડા શ્રી સુંડાના
માર્ગદર્શન હેઠળ એલસીબીના ઈન્ચાર્જ પીઆઈ એચ. આર. જેઠીની રાહબરીમાં પીએસઆઈ જે.બી. જાદવ
તથા એલસીબીનો સમગ્ર સ્ટાફ જોડાયો હતો.