ભુજ, તા. 3 : ગાંધીધામના કિડાણાનો 27 વર્ષીય યુવાન રોહિત નરશીભાઈ સીરોખા એક્સેસ મોપેડ લઈ આજે ગાંધીધામથી
માનકૂવા જતો હતો, ત્યારે બપોરે
માધાપરમાં પાછળથી પૂરપાટ આવતી એસ.ટી. બસે હડફેટે લેતાં રોહિતનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું
મોત નીપજ્યું હતું. આ કરુણ દુર્ઘટના અંગે સંબંધિત સૂત્રો તેમજ જી. કે. જનરલ હોસ્પિટલની
પોલીસ ચોકીમાં નોંધાયેલી વિગતો પરથી મળેલી જાણકારી મુજબ રોહિત તેના કબજાની એક્સેસ મોપેડ
નં. જી. જે.-12-ઈએમ-6575વાળું લઈને ગાંધીધામથી માનકૂવા
જવા નીકળ્યો હતો અને બપોરે 1.30 વાગ્યાના
અરસામાં માધાપરની ક્ષત્રિય રાજપૂત સમાજવાડી પાસે પહોંચ્યો હતો, ત્યારે ગોંડલથી ભુજ આવતી એસ.ટી. બસ નં. જી.
જે.-18-ઝેડ- 8778વાળીએ પાછળથી જોરદાર ટક્કર
મારતાં રોહિતનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. આ કરુણ દુર્ઘટનાને
લઈને રાહદારીઓ એકત્ર થઈ ગયા હતા અને રોહિતને ભુજની જી. કે. જનરલ હોસ્પિટલમાં લઈ અવાયો
હતો, જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો.
માનકૂવા ગામે રહેતો રોહિતનો મામાઈ ભાઈ રાહુલ વેલજીભાઈ મહેશ્વરીએ હોસ્પિટલ દોડી આવી
બનાવની વિગતો જાહેર કરી હતી. બીજી તરફ માધાપર પોલીસ મથકે મૃતકના ભાઈ ભરતભાઈએ એસ.ટી.
બસના ચાલક નરેન્દ્રસિંહ ઘનશ્યામસિંહ જાડેજા (રહે. ગોંડલ) વિરુદ્ધ ગુનો દાખલ કરાવતાં
પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.