ભુજ, તા. 8 : વ્યાજના વિષચક્રમાં અનેક ઘર બરબાદ થઇ ચૂકયા છે.
પોલીસ પણ આ બદીને દૂર કરવા ખાસ વ્યાજખોરીના લોકદરબાર પણ યોજી રહી છે. આ છતાં બદીમાં
હજુયે અનેક ફસાઇ રહ્યા છે. મોટા શહેરોમાં રિક્ષા કે ટેકસીમાં બેસો તો મીટર ઉપર ભાડું
વસૂલ કરે... આવી જ રીતે મીટર પર વ્યાજે પૈસા આપનારા કનૈયાબેના શખ્સ વિરુદ્ધ ભુજની મહિલાએ
ફરિયાદ નોંધાવી છે. આ અંગે એ-ડિવિઝન પોલીસ મથકે, ભુજના સંજોગનરમાં રહેતા નસીમબાનુ સુલેમાન
ભજીરે નોંધાવેલી ફરિયાદની વિગતો મુજબ તેમની માતાની બીમારી સબબ તેમણે કનૈયાબેના ગુલામ
મુસ્તફા આમદશા શેખ પાસેથી રૂપિયા એક લાખ ઉધાર લીધા હતા. બાદમાં તેમણે કહ્યું કે, જ્યાં
સુધી એક લાખ પરત નહીં આપો ત્યાં સુધી દરરોજ રૂા. 1500 આપવા પડશે અને મોડું કરશો તો
તમને પેનલ્ટીના રૂા. 500 લાગશે. હું મીટર પર પૈસા ફરાવું છું. તમને દરરોજ આપવા પડશે.
વ્યાજના આ વિષચક્રમાં ફસાયેલા નસીમબાનુએ આ બાદ પણ માતાની સારવારના ખર્ચ માટે નાણાંની
જરૂરત હોતાં ત્રણ વાહન ઉપર બે માસનું વ્યાજ કાપી ત્રણ લાખ વ્યાજે લીધા હતા અને જે મુદ્ત
અંદર પરત આપી દીધા બાદ વાહનો પરત માગતાં આરોપી ગુલામ મુસ્તફાએ કહ્યું કે, વાહનો શા
માટે પરત આપું. આ નાણાં, પણ મેં મીટર ઉપર આપ્યા હતા. હજી તમારી રકમ આવી નથી, ફક્ત વ્યાજ
આવ્યું છે. આમ ફરિયાદીએ દર-દાગીના, ટુ-વ્હીલર વાહનો પર 10 ટકા વ્યાજ લેખે રૂા.
5,60,000 વ્યાજ અને મૂળ આપી દીધા છતાં દાગીના અને વાહનો તથા પ્રોમીસરી નોટ અને ચેક
ન આપી ગુનો કર્યાની ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુજરાત નાણાંની ધીરધાર અધિનિયમ તળે ફરિયાદ
દાખલ કરી તપાસ આદરી છે.