• મંગળવાર, 17 સપ્ટેમ્બર, 2024

રાપરની યુવતીનાં અપહરણ મામલે કાર્યવાહી ન થતાં આક્રોશભરી રેલી

રાપર, તા. 4 : તાલુકાનાં સરહદી ધબડા ગામની પરિણીત યુવતીને ફતેહગઢનો શખ્સ ત્રણ મહિના પહેલાં ભગાડી ગયો હતો, જેનો હજુ સુધી કોઈ અતોપત્તો ન મળતાં હિન્દુ યુવા સંગઠન દ્વારા રાપરનાં દેનાબેંક ચોકમાં સભા અને રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તંત્રને આ ઘટના અંગે ઉદાસીનતા દાખવવા બદલ આડેહાથ લઈ આગામી દિવસોમાં જો પરિણામ ન આવે, તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપવામાં આવી હતી. પ્રાંથળ વિસ્તારમાં આવેલા ધબડા ગામની પરિણીત યુવતીને ત્રણ મહિના પહેલાં આયોજનપૂર્વક ભગાડી જનારા યુવાને કેનાલમાં પડવાનું તરકટ રચીને ફોન બંધ કરીને નાસી ગયો હતો, જેને ત્રણ મહિના જેટલો સમય વિતવા છતાં આ યુવતી કે તેને ભગાડી જનારો વિધર્મી યુવક હાથ નહીં આવતાં હિન્દુ યુવા સંગઠન દ્વારા આક્રોશસભા અને રેલી યોજવામાં આવી હતી, જેને અધ્યક્ષ રઘુવીરાસિંહ જાડેજા, સંત રામગિરિ બાપુ, પૂર્વ કચ્છ પ્રમુખ રામાભાઈ આહીર, ખેતશીભાઈ રબારી, રાપર તાલુકાના હિન્દુ યુવા સંગઠન પ્રમુખ ભીમાસિંહ ગોહિલ, થરાદ કોંગ્રેસ પ્રમુખ ઠાકરશી રબારી, નખત્રાણાનાં મમુભાઈ રબારી, વાગડ રબારી સમાજનાં પ્રમુખ કરસનભાઈ રબારી, રાપર શહેર હિન્દુ યુવા સંગઠન પ્રમુખ અજય સોની સહિતનાં આગેવાનોએ સંબોધી આ ઘટનાને વખોડી હતી. ત્યારબાદ મોટી સંખ્યામાં ઉપસ્થિત લોકોએ રેલી યોજી રાપર મામલતદારને આવેદનપત્ર આપી આ યુવતીને વહેલી તકે શોધવા અન્યથા ઉગ્ર આંદોલન કરવાની ચેતવણી આપી હતી. આ પ્રસંગે તાલુકાભરમાંથી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang