ભુજ, તા. 19 : શહેરના કોડકી રોડ પર પ્રભુનગર
પાસે રહેતો પરિવાર પખવાડિયા પૂર્વે ધણીમાતંગ જયંતીએ જમણવારમાં ગયો હતો ત્યારે પાછળથી
ઘરનું તાળું તોડી રોકડા રૂા. 55 હજાર તથા
સોનાંની ત્રણ વીંટી અને મોબાઈલ એમ કુલ્લે રૂા. 1,05,000ના મુદ્દામાલની ચોરી થયાની ફરિયાદ નોંધાવાઈ છે. આ ચોરી અંગે
ગઈકાલે એ-ડિવિઝન પોલીસ મથકે, કોડકી
રોડ પરના પ્રભુનગરની બાજુમાં રહેતા રાણાભાઈ મગાભાઈ મહેશ્વરીએ નોંધાવેલી ફરિયાદ મુજબ
ગત તા. 5/2ના સવારે ધણીમાતંગ દેવની જયંતીના
અનુસંધાને તે તેના પરિવાર સાથે ઘરને તાળું મારી સમાજના જમણવારમાં ગયા હતા અને સાંજે
4.30 વાગ્યે પરત આવતાં ઘરનું તાળું
તૂટેલું હતું તથા સામાન વેરવિખેર પડયો હતો. ઘરમાં થેલામાં રાખેલા રોકડા રૂપિયા તથા
દાગીના તપાસતાં રોકડા રૂા. 55,000, ત્રણ
સોનાની વીંટી કિં. રૂા. 45,000 અને
એક મોબાઈલ ફોન કિં. રૂા. 5000 એમ કુલ્લે
રૂા. 1,05,000ની ચોરી થઈ હતી. આ બનાવ અંગે
ફરિયાદીએ પરિવાર તથા આસપાસ પૂછતાછ કરતાં રોકડ તથા નાણાં ન મળતાં અજાણ્યા ઈસમ સામે ફરિયાદ
નોંધાવી છે. ફરિયાદીના ઘર બાજુ પ્રભુનગરમાં રહેતો હાર્દિક બારોટ આંટાફેરા કરતો હોવાનું
એક શખ્સે જોયું હોવાથી તેના પર શક વહેમ હોવાનું ફરિયાદમાં લખાવાયું છે. પોલીસે ફરિયાદ
નોંધી તપાસ હાથ ધરી છે.