• મંગળવાર, 23 જુલાઈ, 2024

અપહરણ-દુષ્કર્મના પાંચ આરોપી પકડાયા

ભુજ, તા. 10 : છેલ્લા થોડાક સમયથી કચ્છમાં સગીરાઓના અપહરણ અને તેની સાથે દુષ્કર્મના ઘૃણાસ્પદ બનાવો વધ્યા છે, ત્યારે આ કામના આરોપીઓ સામે કોર્ટની ધાક બેસાડતી કાર્યવાહી-ચુકાદા થોડા જ દિવસો દરમ્યાન આપણી સમક્ષ આવ્યા છે. આ વચ્ચે કચ્છ પોલીસે પણ આવા આરોપીઓને ઝડપવા લાલ આંખ કરી છે અને પશ્ચિમ કચ્છના જુદા-જુદા આવા બનાવોના ચાર કેસના આરોપીને ઝડપી પાડયા છે. એક આરોપીને તો છેક બિહાર જઇ પોલીસે વેશ પલટો કરીને ઝડપી પાડયાનું સામે આવ્યું છે. સગીરાઓ-યુવતીઓ-મહિલાઓના અપહરણ અને દુષ્કર્મના બનાવની ગંભીરતા સમજીને બોર્ડર રેન્જ-ભુજના પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા તથા પશ્ચિમ કચ્છના ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક સાગર બાગમારે આવા બનાવો અટકાવવા તથા આ કામના આરોપીઓને પકડી પાડવા પોલીસ મથકના અધિકારીઓને સૂચના આપતાં થોડા જ દિવસોના અંતરાલમાં આવા જુદા-જુદા પાંચ ગુનાના આરોપીઓને  ઝડપી પાડયાનું પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષકની કચેરીની યાદીમાં જણાવાયું છે. દરેક ગુનાની વિગતવાર જાહેર થયેલી આ યાદી મુજબ ગત તા. 23/6/24ના ભુજના એ-ડિવિઝનમાં નોંધાયેલા સગીરાના અપહરણના બનાવમાં પશ્ચિમ કચ્છ પોલીસે પગેરું દબાવતાં આરોપીને ઝડપવા પ. કચ્છ પોલીસ બિહારના પંચકોકડી પહોંચી હતી, જ્યાં વેશ પલટો કરી ત્યાંના સ્થાનિકો સાથે જોડાઇ, ફોટા તથા કરિયાણા, શાકભાજી તેમજ મોબાઇલની દુકાનો પર નજર રાખીને  ત્યાંની સ્થાનિક પોલીસની મદદથી આરોપી સલીમ અબ્દુલ જુણેજા (રહે. સુખપર તા. ભુજ)ને પકડી સગીરાને મુક્ત કરાવી કાર્યવાહી કરી હતી. આ ઉપરાંત ઉપરોકત તારીખે જ માધાપર પોલીસ મથકે પણ સગીરાના અપહરણ અને દુષ્કર્મ તથા એટ્રોસિટી એક્ટ મુજબ આરોપી ઓસમાણ ગની સુલેમાન અભડા (રહે. ભખરિયા) તા. ભુજવાળા આરોપીને પણ તપાસ બાદ પાંચ દિવસમાં જ પોલીસે ઝડપી લીધો હતો. બીજી તરફ માંડવી પોલીસ મથકે ગત તા. 19/5/2024ના સગીરાને લલચાવી ફોસલાવી તેનું અપહરણ આરોપી રજાક સિધીક સુમરા (રહે. બાગ તા. માંડવી)એ કરી દુષ્કર્મ કર્યાની ફરિયાદ નોંધાતાં પોલીસે આરોપીને દબાવી સગીરાને મુકત કરાવી હતી, જ્યારે ગત તા. 31-5-24ના ભુજના એ-ડિવિઝન પોલીસ મથકે પણ આરોપી અભુભખર રમજુ સુમરા (રહે. માલધારીનગર કોડકી રોડ-ભુજ) એ સગીરાને લલચાવી ફોસલાવીને અપહરણ કરી દુષ્કર્મ આચર્યાની ફરિયાદ બાદ પાંચ દિવસમાં ઝુરા ગામના જંગલ વિસ્તારમાંથી પકડી તેની પાસેથી સગીરાને મુકત કરાવી હતી. દરમ્યાન, ગત તા. 3/7/24ના નખત્રાણા પોલીસ મથકે મહિલાએ નોંધાવેલી ફરિયાદ મુજબ તેને આરોપી અનવર મામદ નોતિયાર (રહે. ઘડાણી તા. નખત્રાણા) લલચાવી ફોસલાવી ભગાડી લઇ જઇ દુષ્કર્મ આચર્યું હતું. આ કેસમાં સહ આરોપી મહેન્દ્ર વિશ્રામ સીજુ (રહે. વાલ્કા નાના તા. નખત્રાણા)એ આરોપીને ગાડી ભાડે કરવા તથા આર્થિક મદદ કરી હતી. બંને આરોપીને પોલીસે ઝડપી કાર્યવાહી કરી હતી તેમજ ગત તા. 29/6/24ના રાજસ્થાન રાજ્યના જુરહરા પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ પ્રમાણે આરોપી સોયબ ખરશીદ મીરાશી (રહે. જુરહરા-રાજસ્થાનવાળો) મહિલાને લલચાવી-ફોસલાવીને ભગાડીને ભુજ લઇ આવ્યાની હકીકત પશ્ચિમ કચ્છ પોલીસને મળતાં આરોપીને  પકડી તેના કબજામાંથી મહિલાને મુક્ત કરાવી આરોપીને રાજસ્થાન પોલીસને સોંપાયો હોવાનું પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક કચેરીની યાદીમાં જણાવાયું છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang