• સોમવાર, 09 ડિસેમ્બર, 2024

કડુલીના દરિયાકાંઠેથી રૂા. 5.34 કરોડનું ચરસ મળ્યું

ભુજ, તા. 10 : અબડાસા તાલુકાના પિંગલેશ્વર અને કડુલી વચ્ચે દરિયાકાંઠેથી બિનવારસુ હાલતમાં ચોખાનાં બાચકાંમાંથી પ્રથમ શ્રેણીના અફઘાની ચરસનાં દસ પેકેટ જેની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત રૂા. 5,34,50,000 કોઠારા પોલીસને મળતાં ફરી કચ્છના દરિયાઈ ક્ષેત્રમાં ડ્રગ્સની હેરાફેરીનો સળવટાટ શરૂ થયાના આથી એંધાણ મળ્યાં છે. ગઈકાલે સવારે કોઠારા પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે ખાનગી રાહે બાતમી મળી કે, કડુલી અને પિંગલેશ્વર વચ્ચે કડુલી ગામ પાસે દરિયાકાંઠે એક બાચકું બિનવારસુ હાલતમાં પડયું છે. બિરિયાની રાઈસ પ્રીમિયમ ક્વોલિટી વાળા લખાણવાળા બાચકાંને ખોલીને જોતાં તેમાં `નારકો નં.1 ક્વોલિટી'ના 10 ચરસનાં પેકેટ મળ્યાં હતાં. પોલીસે સરકારી અધિકારીઓને પંચો તરીકે રાખી કાર્યવાહી આદરી હતી. કોઠારાના પીએસઆઈ જે.જે.રાણાએ ચરસ જેવી તીવ્ર વાસ ધરાવતા માદક પદાર્થની સાયન્ટિફિક પદ્ધતિથી ખરાઈ કરાવા એફએસએલના અધિકારીને પણ સ્થાનિકે બોલાવ્યા હતા, જેમાં પ્રાથમિક તારણ મુજબ માદક પદાર્થ અફઘાની ચરસ પ્રથમ શ્રેણી-કક્ષાનું હોવાનું સામે આવ્યું છે અને જેની એક કિલોની આંતરરાષ્ટ્રીય  કિં. રૂ. 50 લાખ છે. જો કે પદાર્થના નમૂના મેળવી ગાંધીનગર ખાતે પરીક્ષણ અર્થે મોકલી દેવાયા છે. બિનવારસું હાલતમાં મળેલાં માદક પદાર્થના 10 પેકેટોનું કુલ વજન 10.69 કિલોગ્રામ જેની કિં. રૂ. 5,34,50,000ની અંકારાઈ છે. અજાણ્યા ઈસમો અથવા ઈસમ વિરુદ્ધ કોઠારા પોલીસે ગુનો દાખલ કર્યો છે. કામગીરીમાં ઈન્ચાર્જ સર્કલ પીઆઈ . એમ. મકવાણા, કોઠારા પી.આઈ.  જે.જે. રાણા તથા સર્કલ પોલીસ કચેરીના એએસઆઈ અનિરુદ્ધસિંહ જાડેજા, હે.કો. ધર્મેન્દ્રસિંહ ઝાલા, કુલદીપસિંહ રાણા, રવિરાજસિંહ જાડેજા, કોન્સ. દામજીભાઈ મારવાડા, પ્રવીણભાઈ ચૌધરી, અનિલભાઈ ખટાણા, નસીબખાન ડેર જોડાયા હતા. સામાન્ય રીતે અગાઉ કચ્છના દરિયાકિનારે ટાપુઓ પરથી મળતાં ચરસનાં પેકેટ કરતાં મળેલો ચરસનો જથ્થો ઉચ્ચ ગુણવત્તાનો હોવાનું સામે આવ્યું છે. અગાઉ મળેલા ચરસનાં એક કિલોના એક પેકેટની કિં. રૂા. 1.50 લાખ છે, પરંતુ ચરસની એક કિલોની કિં. રૂા. 50 લાખ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, શુક્રવારે દ્વારકાના વરવાળા પાસેના રૂપેણ બંદરેથી સુરક્ષા એજન્સીએ ડ્રગ્સના પેકેટ કબજે કર્યા હતા અને બે દિવસ પહેલાં પણ લખપતના રોડાસર ક્રીકમાંથી પણ બીએસએફને ચરસનાં બે પેકેટ બિનવારસુ મળ્યાં હતાં. આમ અરબસાગરમાં ડ્રગ્સ માફિયાઓ ફરી સક્રિય થયા હોવાનું બાબતોથી સ્પષ્ટ થાય છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang