• રવિવાર, 21 એપ્રિલ, 2024

નર્મદા લાઈનમાંથી પાણીની ચોરીના મામલે સાત હાઈવે હોટલ ઢાબા વિરુદ્ધ ફોજદારી

ગાંધીધામ, તા. 26 : ભચાઉ તાલુકાના લાકડિયા નજીક સામખિયાળીથી રાધનપુર ધોરીમાર્ગ પાસે આવેલી સાત હોટલ, ઢાબાના સંચાલકોએ નર્મદા પાઈપલાઈનમાંથી પાણીની ચોરી કરતા આ સાત શખ્સ વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. લાકડિયા નજીક 16 કિ.મી.ના અંતરે આવેલી આ સાત હોટેલ, ઢાબાના સંચાલકોએ ગત તા. 25/1થી 25/5 દરમ્યાન પાણી ચોરીના આ બનાવને અંજામ આપ્યો હતો. સામખિયાળીથી રાધનપુર તરફ જતા ધોરીમાર્ગ પાસે આવેલી આ લાઈન અંગે સુરક્ષા એજન્સીની નિમણૂક કરવામાં આવી છે. છતાં ચાર મહિના સુધી અહીં પાણીની ચોરી થઈ રહી હતી. હોટેલ આઈ માતા ચલાવનાર ચેતન મારવાડી, હોટેલ ઝીલાવાડ ચલાવનાર અર્જુનસિંહ ભલુસિંહ, હોટેલ ન્યૂ ભારત ચલાવનાર શંભુદાસ નારાણદાસ, હોટેલ શ્રી દેવી નારાયણ ચલાવનાર નાથુલાલ હીરાલાલ બૈરવા, યુ.પી. બિહાર ઢાબા ચલાવનાર રાજુ નાખુરભાઈ, હોટેલ આશિષ ચલાવનાર સની સરદાર, હોટેલ માલાણી મહાદેવ ચલાવનાર હેમતરામ પુનારામ જાટ નામના શખ્સો વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. થોડા સમય અગાઉ અંજાર તાલુકાના વરસાણા નજીક અધિકારીઓએ આશ્ચર્યજનક તપાસ હાથ ધરતા હોટેલના સંચાલકો દ્વારા કરાતી પાણીચોરી બહાર આવી હતી. ભચાઉથી ગાંધીધામ, વરસાણાથી અંજાર અને અંજારથી મુંદરા પટ્ટામાં આવેલી અનેક હોટેલોના સંચાલકો દ્વારા આવી રીતે પાણીચોરીના કૌભાંડને અંજામ આપવામાં આવી રહ્યો છે. ત્યારે અચાનક તપાસ હાથ ધરવામાં આવે તો અનેકના પગ નીચે રેલો આવે તેમ હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, સામખિયાળીથી બાદરગઢ જતી પાઈપલાઈનમાં ચોરીના કારણે સમગ્ર રાપર તાલુકાને જરૂરિયાત કરતા ઓછો જથ્થો મળતો હોવાની રાવ લાંબા સમયથી છે. પાણી પુરવઠા મંત્રી સમક્ષ પણ અગાઉ પાણીચોરીના મુદ્દે રજૂઆતો કરવામાં આવી હતી. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang