• શનિવાર, 27 જુલાઈ, 2024

મુંદરા બંદરે ઈ- વાહનોની તપાસનો મુદ્દો શંકાના દાયરામાં આવતાં ચકચાર

ભુજ, તા. 26 : મુંદરા બંદરે એક જ દિવસમાં સંખ્યાબંધ ઈલેક્ટ્રિક વાહનોની તપાસણીનો મુદ્દો શંકાના દાયરામાં આવ્યાને પગલે ચર્ચાના ચકડોળે ચડતા ચોંકી ઉઠેલી વાહનવ્યવહાર કમિશનરની કચેરી કક્ષાએથી વિગતો મગાતાં ભુજ આરટીઓ કચેરી ફરી એક વખત કામગીરીને લઈને ટોક ઓફ ધ ટાઉન બની છે અને તપાસની વિગતોની ચકાસણી બાદ મોટા કડાકા ભડાકા થાય તેવી સંભાવના સર્જાઇ છે. મળતી વિગતો મુજબ ચાલુ વર્ષે માર્ચ મહિનાના પ્રથમ બે સપ્તાહના સમયગાળા દરમિયાન કચેરીએથી એક વિશેષ તપાસ હાથ ધરીને 180થી વધુ ઈ- વાહનો પાસ કરી દેવાયાનો મુદ્દો શંકાના દાયરામાં આવ્યો હતો. એકાએક કરવામાં આવેલી આ કામગીરીએ અનેક પ્રશ્નો સર્જતાં આખો મામલો કમિશનર કચેરીના ધ્યાનમાં આવ્યો હતો અને વાહનવ્યવહાર કમિશનર કક્ષાએથી આ અંગેની વિગતો ભુજ આરટીઓ પાસેથી માગવામાં આવતાં સંબંધીતોમાં દોડધામ મચી હોવાનું જાણવા મળ્યું છે. દરમિયાન આ અંગે ઇન્ચાર્જ અધિકારી શ્રી વાઘેલાનો સંપર્ક સાધના તેમણે વાહનવ્યવહાર કમિશનર કક્ષાએથી કોઈ તપાસ નહીં પરંતુ સંબંધિત સમયગાળા દરમિયાન કેટલા ઈ -વાહનોની તપાસ કરવામાં આવી છે તેની વિગતો માંગી હોવાનું જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે કમિશનર કચેરીએથી મંગાવવામાં આવેલી વિગતો અનુસારની માહિતી મોકલવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બીજી તરફ જાણકારોએ આ મુદ્દામાં જો ઊંડાણસરની તપાસ થાય તો અનેક ચોંકાવનારી વિગતો ખુલી શકે તેવી શક્યતા જણાવી હતી. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang