• શુક્રવાર, 19 એપ્રિલ, 2024

કિડાણાના ભૂકંપનગરમાં ધોળા દિવસે બંધ મકાનનાં તાળાં તૂટયા

ગાંધીધામ, તા. 26 : તાલુકાના કિડાણામાં આવેલા ભૂકંપનગર વિસ્તારમાં ધોળા દિવસે બંધ ઘરનાં તાળાં તોડી તસ્કરોએ તેમાંથી રૂા. 16,600ની મતાનો હાથ માર્યો હતો. કિડાણાના ભૂકંપનગર વિસ્તારમાં સરકારી શાળાની પાછળ આવેલા એક બંધ મકાનમાં તસ્કરોએ ખાતર પાડયું હતું. અહીં રહેતા શ્રમિક ધનુબેન વેલજી માંગલિયા (મહેશ્વરી)એ પોલીસ મથકે ચોરીના આ બનાવ અંગે ફરિયાદ નોંધાવી હતી. ગઈકાલે આ ફરિયાદી અને તેમના પતિ પોતાના ત્રણ સંતાનને લઈને કિડાણા ગયા હતા, જ્યાં ફરિયાદીના માતાના ઘરે આ બાળકોને મૂકી દંપતી પોતાનાં કામે ગયું હતું. સવારે નીકળેલું આ દંપતી ગઈકાલે સાંજે પરત આવતા તેમનાં ઘરનાં તાળાં તૂટેલા જણાયા હતા. તેમનાં ઘરનાં તાળાં તોડી અંદર ઘૂસેલા તસ્કરોએ કબાટ ખોલી તેમાંથી રોકડ રૂા. 13,400 તથા રસોડામાંથી રાંધણ ગેસનો બાટલો, તેલનો ડબ્બો એમ કુલ રૂા. 16,600ની મતાનો હાથ મારી નાસી ગયા હતા. શ્રમિક પરિવારના ઘરમાં ધોળા દિવસે ચોરીના આ બનાવને પગલે ભારે ચકચાર પ્રસરી હતી. આ શહેર અને સંકુલમાં ચોરી, લૂંટ, ચિલઝડપના બનાવો દિવસો દિવસ વધી રહ્યાં છે. બીજી બાજુ પોલીસની શોધનની કામગીરી જોઈએ તેવી થઈ નથી રહી, ત્યારે આવા બનાવો પરથી પડદા ઉચકવા લોકોમાં માંગ ઊઠી હતી. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang