• શુક્રવાર, 26 એપ્રિલ, 2024

પૂર્વ કચ્છ સાયબર ક્રાઈમ પોલીસે રૂા. 19.66 લાખ પરત અપાવ્યા

ગાંધીધામ, તા. 26 : પૂર્વ કચ્છ સાયબર ક્રાઈમ પોલીસે ઓનલાઈન છેતરપિંડીના કિસ્સામાં રૂા. 19.66 લાખ પરત અપાવ્યા હતા. આદિપુરના ચિરાગભાઈ જગદીશભાઈ અગ્ર્રવાલે ફેસબુકનાં માધ્યમથી સંપર્કમાં આવેલા મહેન્દ્રભાઈ પાસેથી મિકસ હાઈડ્રોકાર્બન ઓઈલ ખરીદવા માટે  તૈયારી દર્શાવી હતી. ત્યારબાદ ગત તા. 28/4ના ફરિયાદીએ મુંદરા સી.એફ.એસ. કંપનીમાં ઓઈલ ભરવા માટે ગાડી મોકલી હતી. અહીં ઓઈલ ભરાયા બાદ આરોપીએ વજનકાંટાની સ્લીપ મોકલતાં ફરિયાદી બેન્ક ખાતાંમાં નક્કી કરેલી રકમ મહેન્દ્રના ખાતામાં જમા કરાવી હતી. એકમમાંથી ઓઈલ ભરેલી ગાડી બહાર લઈ જવા માટે કંપનીએ આ વાહન રોકાવ્યુ હતું. તપાસ કરતાં પૈસા ન મળ્યા હોવાનું જાણવા મળ્યું હતું. દરમ્યાન નાણા સ્વીકારનાર આરોપીનો સંપર્ક શકય બન્યો ન હતો. આ પ્રકરણમાં પોલીસે ગયેલી સંપૂર્ણ રકમ પરત અપાવી સફળતા હાંસલ કરી હતી.  

ભુજ સીમમાં વાડી પરથી 75 હજારના વાયરની તસ્કરી 

ગાંધીધામ, તા. 26 : ભુજની પાંજરાપોળ સામે નાગોર ફાટક પાસે એસ.આર.પી. કંપની પાછળ આવેલી વાડી પર કોઈ અજાણ્યા ઈસમો ત્રાટકી 75 હજારના વાયરની ચોરી કરી ગયા હતા. ભુજ શહેર બી-ડિવિઝન પોલીસના સત્તાવાર સાધનો પાસેથી મળતી વિગતો મુજબ આજે રાત્રિના 3થી 5 વાગ્યા દરમ્યાન આ બનાવ બન્યો હતો. અહીંના મુંદરા રોડ પર પ્રમુખ સ્વામી નગરમાં રહેતા જયેન્દ્ર વિશનજી ભાટિયા (ધમાણી)ની વાડી પર તસ્કરો ત્રાટક્યા હતા. ત્યારબાદ મોટર સાથે લગાડેલા આશરે 175 મીટર વાયર કાપી ચોરી કરી લઈ જવાયો હતો. આ અંગે પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang