• બુધવાર, 22 મે, 2024

કણઝરા પાસે બે નવયુવાનને મોતના મુખમાં ધકેલનાર વાહનચાલક પોલીસ પકડથી દૂર

ભુજ, તા. 25 : ગત તા. 21મીના રાત્રે વાંકીથી કણઝરા પગે જતાં વાંકીના બે યુવાન મિત્રો સાગર મહેશ્વરી અને કાદર રાયશીપોત્રાને અજાણ્યો વાહનચાલક અડફેટે લઇ ગંભીર રીતે ઘાયલ કરી નાસી છૂટયો હતો. સારવાર દરમ્યાન બંને યુવાનનાં મોત થયાં છે. આ ઘટનાને ચાર દિવસ થવા આવ્યા છતાં યુવાનોનો ભોગ લેનાર વાહનચાલકના હજુ સુધી કોઇ સગડ ન મળતાં આજે ગ્રામજનો પ્રાગપર પોલીસનાં દ્વારે પહોંચ્યા હતા. ગત તા. 21/5ના રાત્રે બનેલી આ દુર્ઘટના અંગે 22/5ના વાંકીના ખમીરશા ચળાભાઇ રાયશીપોત્રાએ અજાણ્યા વાહનચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી, જેમાં જણાવાયું હતું કે, તેમનો પુત્ર કાદર તથા સાગર મહેશ્વરી પગે જઇ રહ્યા હતા ત્યારે બંને યુવાનને અજાણ્યા વાહને અડફેટે લેતાં સાગરનું મૃત્યુ થયું છે, જ્યારે કાદરનું લિવર ફાટી જવાના નિદાન સાથે હાલ ભુજની ખાનગી હોસ્પિટલમાં સારવાર તળે છે, પરંતુ આ ફરિયાદ નોંધાયા બાદ કાદરનું પણ મૃત્યુ થયાના અહેવાલ સાંપડયા છે. આમ, આ અકસ્માતમાં વાંકીના બે નવયુવાનનાં મોત થયાં છે. ગામના બે-બે નવયુવાનને મોતના મુખમાં ધકેલનાર અજાણ્યા વાહનચાલકના હજુ સુધી કોઇ સગડ ન મળતાં આજે વાંકીના ગ્રામજનો પ્રાગપર પોલીસનાં દ્વારે પહોંચ્યા હતા. આ અકસ્માત કરનાર વાહનચાલકને સત્વરે પકડવા ગ્રામજનો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. નોંધનીય છે કે, ઘણા લાંબા સમયથી પ્રાગપર પોલીસ મથક પોલીસ ઇન્સ્પેક્ટરવિહોણું છે જેને લઇને અરજદારોને મુશ્કેલી પડતી હોવાનો અહેવાલ પણ `કચ્છમિત્ર' છાપી ચૂક્યું છે. આમ, કાયદો-વ્યવસ્થાને સુચારુ કરવા ખાલી જગ્યાઓમાં પૂરતી કરવી જરૂરી હોવાનું જાગૃતો જણાવી રહ્યા છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang