• શનિવાર, 27 જુલાઈ, 2024

દારૂના કેસમાં ઝુરાના આરોપીને જામીન

ભુજ, તા. 2 : દારૂ અંગેના કેસમાં ઝુરાના મેઘરાજજી ઉર્ફે મેઘુભા રાણાજી સોઢાએ નિયમિત જામીન મેળવવા અરજી કરી હતી. જે સેશન્સ કોર્ટે તમામ આધાર-પુરાવાને તપાસી મંજૂર કરી હતી. કિસ્સામાં આરોપી મેઘરાજજીએ પોતાના રહેણાકના મકાનમાં દારૂની 229 બોટલ રાખી હતી. કેસમાં અદાલતે આરોપીની જામીન અરજી અંગે હાથ ધરેલી સુનાવણીમાં બંને પક્ષની દલીલ સાંભળી તથા પુરાવા તપાસી આરોપીના નિયમિત જામીન મંજૂર કર્યા હતા. કેસમાં આરોપી તરફે ધારાશાત્રી કે.પી. ગઢવી, ભાવિકા ભાનુશાલી તથા પ્રિયા આહીરે હાજર રહી દલીલ કરી હતી. - નીચલી અદાલતનો હુકમ કાયમ : અંજારના પરષોત્તમ કાનજી સોરઠિયા (હડિયા) ભાડે આપેલી દુકાનનો કબજો મેળવવા અંજારની સિવિલ કોર્ટમાં દાવો નોંધાવ્યો હતો. નીચલી કોર્ટે આધાર-પુરાવા તપાસી અરજી મંજૂર કરી હતી, જેને પડકારતી અપીલ ઉપલી કોર્ટમાં કરાઈ હતી. ડિસ્ટ્રીક્ટ કોર્ટે નીચલી અદાલતના આદેશ સબબ દલીલોને ગ્રાહ્ય રાખી હતી અને અપીલ રદ કરી હતી. કેસમાં વાદી તરફે વકીલ પી.એમ. મહેશ્વરી હાજર રહ્યા હતા. - ફોરમનો ગ્રાહક તરફે ચુકાદો : ગાંધીધામના ફરિયાદી હિંમત એન. ડુંગરાણીએ વર્ષ 2019માં ફેડરલ બેંક મારફતે ગ્રુપ હેલ્થ ઈન્સ્યોરન્સ, મેક્સ બૂપા હેલ્થ ઇન્સ્યોરન્સ કંપની લિ.ની વીમા પોલિસી લીધી હતી. બાદમાં ફરિયાદીનો અકસ્માત થતાં સારવારમાં રૂા. 88,920નો ખર્ચ થયો હતો. જેના વળતર માટે વીમા કંપનીમાં અરજી કરાઈ હતી, જે કંપનીએ જૂની બીમારી હોવાનું કારણ આપી રદ કરી હતી. કિસ્સામાં ગ્રાહક સુરક્ષા ફોરમમાં ધા નખાઈ હતી. ફોરમે તમામ આધાર-પુરાવા તથા દલીલોને ધ્યાને રાખી ગ્રાહક તરફે ચુકાદો આપ્યો હતો અને વીમા કંપનીને રૂા. 88,920 નવ ટકા વ્યાજ સહિત ચૂકવવા તથા માનસિક ત્રાસના રૂા. 5,000 તથા ફરિયાદ ખર્ચના રૂા. 3,000 અલગથી ચૂકવવા આદેશ કર્યો હતો. કેસમાં ફરિયાદી વકીલ હિંમત એન. ડુંગરાણી, વાય.એસ. દુધાણી, હરસિદ્ધિ એસ. ગોસ્વામી અને  કલ્પેશ વી. આહીર હાજર રહ્યા હતા. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang