• મંગળવાર, 25 જૂન, 2024

નખત્રાણામાં મકાન ખાલી કરાવવા બે મહિલાને માર મરાયાની ફરિયાદ

ભુજ, તા. 25 : નખત્રાણાની ઝીલ રેસિડેન્સીમાં મકાન ખાલી કરાવવા બે મહિલા સાથે માથાકૂટ કરી માર માર્યાની ચાર નામજોગ તથા અન્ય પંદર જેટલી મહિલાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવાઇ છે. નખત્રાણા પોલીસ મથકે પદ્મિનીબેન નાનાલાલ જોશીએ નોંધાવેલી ફરિયાદ મુજબ ઝીલ રેસિડેન્સીમાં તે તેની ભત્રીજી વૈશાલીબેન જોશી સાથે રહે છે. 15.51 લાખમાં મકાનનો સોદો ભુજના મહેશભાઇ ઠક્કર સાથે થયો હતો અને તે સોદા પેટે રૂા. પાંચ લાખ આપ્યા હતા જેનું કોઇ લખાણ ન થયાનું ફરિયાદમાં પદ્મિનીબેને જણાવ્યું હતું. ચારેક દિવસ પૂર્વે આ મકાન ખાલી કરાવવા આરોપીઓ પ્રવીણભાઇ ઠક્કર, વિશાલ ઠક્કર, અમર ઠક્કર આવ્યા હતા અને ધાકધમકી કરી ચાલ્યા ગયા બાદ 24મીના બપોરે ફરી આ જ ત્રણ તથા અમર ઠક્કરની પત્ની અને અજાણી પંદર જેટલી મહિલાઓ આવીને ફરિયાદી તથા તેની ભત્રીજી વૈશાલીને લાફા મારી ઘરનો સામાન બહાર કાઢી દીધો હતો, જેમાં સોના-ચાંદીના દાગીના તથા રોકડા રૂા. 25 હજાર ન મળતા હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. આ બનાવનાં પગલે પદ્મિનીબેન અને વૈશાલીબેને ફિનાઇલ પી લેતાં તેને ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં સારવાર તળે ખસેડાયાની એમએલસી નોંધાઇ છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang