• રવિવાર, 21 એપ્રિલ, 2024

ગાંધીધામમાં ભત્રીજાએ છરીના ઘા ઝીંકી મોટાબાપાને મોતને ઘાટ ઉતારી નાખ્યા

ગાંધીધામ, તા. 25 : અહીંના ભારતનગર નજીક આવેલા વોર્ડ 9એ વિસ્તારમાં રહેતા વૃધ્ધ મોટાબાપાને છરીના ઉપરાછાપરી ઘા ઝીંકીને ભત્રીજાએ મોતને ઘાટ ઉતારી નાખતા ભારે ચકચાર જાગી છે. ગાંધીધામ એ ડિવિજન પોલીસના સત્તાવાર સાધનો પાસેથી મળતી વિગતો મુજબ આજે રાત્રિના 8:15 વાગ્યાના અરસામાં હત્યાનો હિચકારો બનાવ બન્યો હતો. મુળ રાપર તાલુકાના પલાંસવા ગામે, હાલે અહીંના વોર્ડ 9એમાં રહેતા ભીમજીભાઈ જેસીંગભાઈ પ્રજાપતિ (ઉ.વ.66) ઘરે હાજર હતા. તેમનો ભત્રીજો વિકાસ મોહન પ્રજાપતિ તેમના ઘરે ગયો હતો. ત્યારબાદ છરી ધારણ કરી મોટા બાપા પર પ્રહારો કર્યા હતા. જીવલેણ હુમલામાં વૃધ્ધને શરીરે ગંભીર પ્રકારની ઈજાઓ થતા ઘટનાસ્થળે જ મોત આંબી ગયું હતુ. હત્યાના બનાવને પગલે એ ડિવિજન પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને લાશને પી.એમ. માટે આદિપુરની રામબાગ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. આ અંગે એ ડિવિજન પોલીસ મથકના પોલીસ ઈન્સ્પેક્ટર સી.ટી.દેસાઈનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું હતુ કે, રાપર તાલુકાના પલાંસવા ગામમાં મૃતકનું ખેતર આવેલું છે. જેમાં તહોમતદાર વાવણી કરતો હતો, પરંતુ આ વખતે વૃધ્ધે વાવવાની ના પાડી દીધી હતી. જેથી બન્ને વચ્ચે મામલો બિચક્યો હતો અને ભત્રીજાએ મોટાબાપાનું કાસળ કાઢી નાખ્યું હતુ. ઘટનાને પગલે પોલીસે ગુનો નોંધવાની તેમજ આરોપીને ઝડપી પાડવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. અત્રે ઉલ્લેખનિય છે કે, અહીંના ભારતનગરમાં હાલમાં જ પૈસાની લેતીદેતી મુદ્દે બે ભાઈઓએ યુવાન પર હુમલો કરી ઘાતકી હત્યા નિપજાવી નાખી હતી. આ દરમ્યાન આજે વોર્ડ 9એમાં ભત્રીજાએ મોટાબાપાનું કાસળ કાઢી નાખવાનો બનાવ પ્રકાશમાં આવતા ભારે ચકચાર પ્રસરી ગઈ હતી. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang