• શનિવાર, 20 એપ્રિલ, 2024

ગુંદાલા પાસે બાઈક અને કાર વચ્ચે અકસ્માત સર્જાતાં મહિલાનું મોત

ભુજ, તા. 22 : મુંદરા તાલુકાનાં ગુંદાલા પાસેની ગ્રેવિટી કંપની પાસે બાઈક અને કાર વચ્ચે અકસ્માત સર્જાતાં ગ્રેવિટી કંપનીની કર્મચારી મહિલા લક્ષ્મીબેન હરદાસભાઈ દાફડા (.. 36, રહે. ગુંદાલા)નું કમકમાટીભર્યું મોત થયું હતું, જ્યારે અકસ્માતમાં બાઈકચાલક સસરા કાનજીભાઈ દાફડા અને પુત્ર રણજિત ઘાયલ થતાં સારવાર તળે ખસેડાયા છે. કરુણ અકસ્માતને લઈને પ્રાગપર પોલીસ તથા સંબંધિત સૂત્રો પાસેથી મળેલી વિગતો મુજબ ગુંદાલાની હતભાગી મહિલા લક્ષ્મીબેન ગ્રેવિટી કંપનીમાં કામ કરી રહ્યાં છે. નોકરી પૂરી થયા બાદ તે ઘર જવા છકડામાં બેસી રહ્યાં હતાં ત્યાં જાણે કાળ બોલાવતો હોય તેમ સસરા અને પુત્ર બાઈકથી ત્યાં આવી પહોંચતાં લક્ષ્મીબેન છકડામાં જવાના બદલે ઘરની બાઈક પર બેઠા અને ત્યારે બાઈકની ટક્કર કિઆ કાર સાથે થતાં લક્ષ્મીબેનનું કમકમાટીભર્યું મોત થયું હતું. વડીલ એવા સસરા કાનજીભાઈ તથા પુત્ર રણજિત પણ ગમખ્વાર અકસ્માતમાં ઘાયલ થયા હતા. અકસ્માતના પગલે ઘટના સ્થળે લોકો એકત્ર થયા હતા. સામાજિક-રાજકીય અગ્રણી કિશોર પિંગોળ પણ ઘાયલોને મદદરૂપ બની હોસ્પિટલ ખસેડવામાં જોડાયા હતા. લખાય છે ત્યારે પ્રાગપર પોલીસ રાત્રે હોસ્પિટલ પહોંચીને બનાવની વિગતો જાણી ફરિયાદ દાખલ કરવાની તજવીજ આદરી રહી છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang