• ગુરુવાર, 05 ડિસેમ્બર, 2024

હવે માધાપરનાં ચાર મકાન તસ્કરોનાં નિશાન બન્યાં

ભુજ, તા. 22 : કચ્છમાં થોડા દિવસથી ચોર ઇસમોએ રીતસરના ઉધામા મચાવ્યા છે.ચોફેર ઉપરાછાપરી ચોરીના બનાવો સામે આવી રહ્યા છે. સમ ખાવા પૂરતા માંડવી ચોરીના ભેદ સિવાય કોઇ ચોરીના બનાવનું પગેરું દબાવવામાં પોલીસને સફળતા મળી નથી. આમ, પોલીસની નીરસતાના કારણે ચોર ઇસમો બેખોફ બની ચોરીના બનાવોને અંજામ આપી રહ્યા છે ત્યારે માધાપરની ભવાની હોટલ પાછળ શ્રીરામ કોલોનીમાં એકીસાથે ચાર ઘરને નિશાન બનાવી ત્રણ બુકાનીધારી ચોરે કુલે રૂા. 1,76,500નો હાથ મારી અંધારામાં ઓઝલ થઇ ગયાનો વધુ એક બનાવ સામે આવ્યો છે. ગત તા. 18/2ના રાતના નવ વાગ્યાથી ત્રણ વાગ્યા સુધીમાં થયેલી ચોરી અંગે આજે માધાપર પોલીસ મથકે શ્રીરામ કોલોનીમાં રહેતા મહેશભાઇ લખુભાઇ રબારીએ નોંધાવેલી ફરિયાદ મુજબ તેમના તથા ત્રણ સાહેદોના મકાનના તાળાં તોડી તેમાંથી અજાણ્યા ચોર ઇસમોએ કુલ રૂા. 1,76,500ના મુદ્દામાલની ચોરી કરી ગયા છે. ફરિયાદી મહેશભાઇના ઘરમાંથી સોનાની બુટી જોડી એક કિં. રૂા. 45000, કાનના ટોડિયા કિં. રૂા. 10000, વીંટી કિં. રૂા. 10000, ત્રણ ડોડી કિં. રૂા. 2000 અને બાજુના સાહેદોમાં નટવર રાયશી પરમારના મકાનમાંથી ચાંદીના સાંકળા એક જોડી રૂા. 2000 અને સંજય ભવાનજી?શાહના ઘરમાંથી રોકડા રૂા. 25000 અને ફુગ્ગાના 50 પેકેટ કિં.?રૂા. 2500 તેમજ પ્રેમિલાબેન નંદલાલ મહેશ્વરીના મકાનમાંથી રોકડા રૂા. 10000, સોનાની બુટી જોડી એક કિં. રૂા. 20000, સોનાની ચેન એક કિં. રૂા. 20000 તથા સોનાનું મંગળસૂત્ર એક કિં. રૂા. 30000 એમ કુલે રૂા. 1,76,500ના મુદ્દામાલની ચોરી થઇ હતી. ફરિયાદમાં લખાવ્યા મુજબ ચોરીના બનાવની રાત્રે કોલોનીના પડોશી જાગી જતાં ચોરોને પડકારતાં ત્રણ બુકાનીધારી ચોર માલ તફડાવી અંધારાંમાં નાસી છૂટયા હતા. બનાવની તપાસ માધાપરના પી.એસ.આઇ. બી. . ડાભીએ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ભુજની સાગરસિટીમાં એકીસાથે ત્રણ મકાનને નિશાન બનાવ્યાની જેમ માધાપરની શ્રીરામ કોલોની પણ આવી રીતે નિશાન બની છે. ધોરડોના બે ટેન્ટમાંની ચોરી તેમજ અન્ય નાની-મોટી ચોરીના બનાવો થોડા દિવસો દરમ્યાન ખૂબ વધ્યા છે. માંડવીની 4.83 લાખની ચોરીનો ભેદ ઉકેલાયા સિવાય કોઇ ચોરીના બનાવના સગડ મેળવવા પોલીસને સફળતા મળી નથી. આમ, પોલીસની નીરસતાને લીધે ચોર ઇસમોના ઉધામા રીતસરના વધ્યા હોવાનું જાગૃતો જણાવી રહ્યા છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang