ગાંધીધામ, તા. 12 : શહેરના ગુરુકુળ વિસ્તારમાં રહેનાર એક યુવતીનાં ઘરમાં ઘૂસી એકલતાનો લાભ લઇ બળાત્કાર ગુજારાતા શખ્સ વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી. શહેરના ગુરુકુળ વિસ્તારમાં ગત તા. 1-5-2023થી તા. 19-1-2024 દરમ્યાન આ બનાવ બન્યો હતો. આ વિસ્તારમાં રહેનાર એક યુવતી પોતાના ઘરે એકલી હતી ત્યારે લાલજી રત્ના રાવળ નામનો શખ્સ તેની એકલતાનો લાભ લઇ ઘરમાં ઘૂસી ગયો હતો અને યુવતી સાથે અડપલા કરી બાદમાં બળજબરીપૂર્વક શરીર સંબંધ બાંધી પછી કોઇને જાણ કરીશ તો બદનામ કરવાની ધમકી આપી હતી.બાદમાં ભોગ બનનાર યુવતીને વારંવાર જુદી જુદી જગ્યાએ લઇ જઇ મરજી વિરુદ્ધ સંબંધ બાંધતા યુવતી ગર્ભવતી બની હતી. યુવતીને વારંવાર બદનામ કરવાની ધમકી અપાતાં તે કોઇને કહ્યા વગર અહીંથી જતી રહી હતી. બાદમાં ભોગ બનનાર પરત આવતા આ બનાવ અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાતાં પોલીસે આરોપીની ધરપકડ કરી હતી.