• બુધવાર, 23 ઑક્ટોબર, 2024

સેક્યુલર કાયદો જ ચાલશે

સુપ્રીમ કોર્ટે એક મહત્ત્વનો ચુકાદો આપતાં જણાવ્યું છે કે, સીઆરપીસીની કલમ 125 અંતર્ગત મુસ્લિમ તલાકશુદા મહિલાઓ પણ પતિ પાસેથી ગુજરાન ભથ્થું માગી શકે છે. કોર્ટે વધુમાં જણાવ્યું છે કે, આ કાયદો દરેક ધર્મની મહિલાઓ માટે લાગુ થાય છે. જસ્ટિસ બીવી નાગરત્ના અને જસ્ટિસ ઓગસ્ટીન જ્યોર્જ મસીહની બેન્ચે આ પ્રકરણની સુનાવણી કરી હતી. બન્ને જજોએ અલગ અલગ ચુકાદા આપ્યા છે. ન્યાયમૂર્તિ નાગરત્નાએ ચુકાદો આપતાં કહ્યું છે કે, કલમ 125 તમામ ધર્મોની મહિલાઓને લાગુ થાય છે, નહીં કે ફક્ત વિવાહિત મહિલાઓ પર. બેન્ચે એમ પણ કહ્યું કે, ભરણપોષણ `દાન' નહીં, વિવાહિત મહિલાઓનો અધિકાર છે અને આ બધી વિવાહિત મહિલાઓને લાગુ થશે, પછી ભલે તે ગમે તે ધર્મની હોય. તેલંગાણા હાઈકોર્ટે મોહમ્મદ અબ્દુલ સમદને તેની તલાકશુદા પત્નીને દર મહિને 10 હજાર રૂપિયા ગુજરાન ભથ્થું આપવાનો આદેશ આપ્યો હતો, જેની વિરુદ્ધ તેઓ સુપ્રીમ કોર્ટ પહોંચ્યા હતા. આ સંદર્ભમાં અરજી કરી જેના પર સુપ્રીમ કોર્ટે ચુકાદો સંભળાવ્યો છે. દેશની સર્વોત્તમ કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, દેશમાં સેક્યુલર કાયદો જ ચાલશે.અરજદારની દલીલ હતી કે, એક તલાકશુદા મુસ્લિમ મહિલા સીઆરપીસીની કલમ 125 અંતર્ગત ભરણપોષણની હકદાર નથી અને તેને મુસ્લિમ મહિલા, તલાક પર અધિકારોના સંરક્ષણ, અધિનિયમ, 1986ની જોગવાઈઓ લાગુ કરવી જોઈએ. અહીં ઉલ્લેખ કરવો ઘટે કે, સીઆરપીસીની કલમ 125માં પત્ની, સંતાન અને માતા-પિતાનાં ભરણપોષણને લગતી માહિતી આપવામાં આવી છે. આ કલમ હેઠળ પતિ, પિતા કે બાળકો પર આશ્રિત પત્ની, મા-બાપ કે બાળકો ગુજરાન ભથ્થાનો દાવો ત્યારે કરી શકે છે જ્યારે તેમની પાસે આજીવિકાનું કોઈ સાધન ન હોય. મુસ્લિમ મહિલાઓને ગુજરાન ભથ્થું નથી મળી શકતું. જો ગુજરાન ભથ્થું મળતું હોય તો ફક્ત `ઈદ્દત' સુધીનું. ઈદ્દતનો સમય ત્રણ મહિના સુધીનો રહે છે. આ પહેલાં સુપ્રીમ કોર્ટે શાહબાનો પ્રકરણમાં ઐતિહાસિક ચુકાદો આપતાં કહ્યું હતું કે, સીઆરપીસીની કલમ 125 એક ધર્મનિરપેક્ષ જોગવાઈ છે, જે મુસ્લિમ મહિલાઓને પણ લાગુ થાય છે, પણ તત્કાલીન રાજીવ ગાંધી સરકારે મુસ્લિમ મહિલા અધિનિયમ, 1986 દ્વારા ચુકાદાને નિક્રિય બનાવી દીધો હતો. હવે આ ચુકાદાને લઈ રૂઢિચુસ્ત મુસ્લિમોને ભારે આંચકો લાગે તેમ છે. આ ઉપરાંત, મુસ્લિમ મહિલાઓ જ નહીં પણ બીજા ધર્મની મહિલાઓને પણ તલાક પછી ગુજરાન માટે જે વલખાં મારવાં પડતાં હતાં તેનો આ ચુકાદો અંત લાવશે, એવી આશા રાખવી રહી. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang