• બુધવાર, 22 જાન્યુઆરી, 2025

આંતર જિલ્લા અંડર-14 ટેસ્ટ સ્પર્ધામાં કચ્છ ક્રિકેટ એસો. ટીમનો વિજયી આરંભ

ભુજ, તા. 3 : સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશન આયોજિત આંતર જિલ્લા અંડર-14 ટેસ્ટ મેચ ક્રિકેટ ટૂર્નામેન્ટની રાજકોટના રેલવે ગ્રાઉન્ડ ખાતે રમાયેલી પ્રથમ લીગ મેચમાં કચ્છ ક્રિકેટ એસો. (કેસીએ) ભુજ ટીમએ પ્રથમ મેચમાં પોરબંદર ટીમ સામે જીત નોંધાવી હતી. ટોસ જીતીને પોરબંદરે કચ્છની ટીમને બાટિંગ આપતાં કેસીએ ભુજની ટીમે પ્રથમ દાવમાં 62.3 ઓવરમાં 132 રન કર્યા હતા જેમાં પ્રિયાંશુ શુક્લા 27 અને મિહિર શાહના 21 રન મુખ્ય હતા. પોરબંદર વતીથી દ્વિજ દેવાણીએ પાંચ વિકેટ લીધી હતી. જવાબમાં પોરબંદરની ટીમ પ્રથમ દાવમાં 38.1 ઓવરમાં માત્ર 72 રન બનાવીને ઓલાઆઉટ થઈ ગઈ હતી. ભુજ તરફથી કપ્તાન વેદ જોશીએ 11 ઓવરમાં 23 રન આપીને છ વિકેટ અને સુનીલ પિંડોરિયાએ 20 રનમાં બે વિકેટ લીધી હતી. કચ્છ ટીમને પ્રથમ દાવમાં 60 રનની લીડ મળી હતી. બીજા દાવમાં કચ્છની ટીમે વીર ગોરના ઝડપી 70 રન અને કીર્તન કોટકના સમજદારીપૂર્વકના 51 રનની મદદથી 196 રન નવ વિકેટે ડિકલેર કરીને પોરબંદર સામે 257 રનનું વિશાળ લક્ષ્ય મૂક્યું હતું, જેના જવાબમાં દિવસના અંત સુધીમાં પોરબંદરની ટીમ નવ વિકેટના ભોગે 148 રન સુધી સીમિત રહી હતી. કચ્છ તરફથી બીજી ઇનિંગ્સમાં હર્ષિલ ભુડિયાએ ચાર વિકેટ અને વેદ જોશીએ બે વિકેટ લીધી હતી. મેચમાં કુલ આઠ વિકેટ સાથે વેદ જોશી મેન ઓફ ધ મેચ રહ્યા હતા. સમગ્ર ટીમને કચ્છ ક્રિકેટ એસોસિયેશનના પ્રમુખ બહાદુરાસિંહ જાડેજા, ઉપપ્રમુખ ભરતભાઈ ધોળકિયા, મંત્રી અતુલભાઈ મહેતા અને સહમંત્રી પ્રવીણભાઈ હીરાણી તેમજ પસંદગીકારો અશોકભાઈ મહેતા, ગિરીશભાઇ ઝવેરી, મહિપતિસંહ રાઠોડ, નવલસિંહ જાડેજા તેમજ મહેશભાઈ પંડ્યા અને કુલદીપસિંહ જાડેજાએ જીત બદલ અભિનંદન પાઠવી આગળની મેચ માટે શુભેચ્છા પાઠવી હતી. ટીમ સાથે મેનેજર તરીકે અમિત રાઠોડ અને કોચ તરીકે યુવરાજસિંહ જાડેજા સાથે રહ્યા હતા. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd