• રવિવાર, 01 માર્ચ, 2026

ગાંધીધામ સંકુલમાંથી લીધેલા ખાદ્યપદાર્થોના બે નમૂના ફેલ

ગાંધીધામ, તા. 28 : ગાંધીધામ આદિપુર જોડિયા શહેરો અને મહાનગરપાલિકા વિસ્તારમાંથી 11 મહિના દરમિયાન ખાદ્ય પદાર્થોના 99 નમૂના લેવામાં આવ્યા હતા, જે પૈકી બે નમૂના ફેલ આવતા  દુકાનદારો સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. સંકુલમાંથી વારંવાર ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરીને વેચવામાં આવતા હોવાની અને અખાદ્ય પદાર્થો વેચાતા હોવાની ફરિયાદો ઊઠી છે, તે વચ્ચે આ કામગીરી થઈ છે અને તેમાં નમૂનાઓ ફેલ આવતા હવે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. એક એપ્રિલ 2025થી લઈને 20 ફેબ્રુઆરી 2026 દરમિયાન મહાનગરપાલિકા વિસ્તારમાં અલગ અલગ દુકાન, રેસ્ટોરાં અને હોટેલમાંથી તૈયાર ખોરાક, દૂધ, બેસન કચોરી, સમોસા, ભાજી પુલાવ આઇસક્રીમ, હળદર, દાળ, ગોળ, ઘી, કાજુકતરી, ખજૂર બરફી અડદિયા હલવો ચવાણું, પાપડ, ગુલાબ પાક, પીઝા, બ્રેડ બિસ્કીટ, વેજ, ખારી, નાનખટાઈ, સિંગાપાક, ઠંડા પીણા, પનીર, દાળ-શાક, પેંડા, વેજફ્રેટ સહિત કુલ 99 નમૂના લેવામાં આવ્યા હતા અને તેને પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા એ દરમિયાન કેસર પેંડા અને વેજફ્રેટ આ બે નમૂના ફેલ આવ્યા છે તેને આરોગી શકાય તેમ નથી.  રિપોર્ટ આવ્યા પછી ફૂડ ઇન્સ્પેક્ટર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે દુકાનદારો સામે દંડાત્મક અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તે માટેની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી છે. વહીવટી તંત્ર દ્વારા 11 મહિનામાં લેવાયેલા 99 નમૂના પૈકી હજુ સુધી લગભગ 60 નમૂનાઓનો રિપોર્ટ આવ્યા નથી જાન્યુઆરીમાં 17 અને ફેબ્રુઆરીમાં 15 નમૂના લેવામાં આવ્યા હતા, પરંતુ હજુ સુધી રિપોર્ટ આવ્યા નથી. ઝડપથી રિપોર્ટ ન આવતા હોવાથી અખાદ્ય પદાર્થો પણ સંકુલના લોકો આરોગી જાય છે. અહીં વહીવટી તંત્ર દ્વારા સમયાંતરે તેમજ તહેવારો ઉપર નમૂનાઓ લેવામાં આવે છે, પરંતુ તેના રિપોર્ટ મોડા આવતા હોવાથી સમસ્યાઓ સર્જાઈ રહી છે. - લેવાયેલા નમૂના પાછળ 65,000 ખર્ચાયા : ફૂડ વિભાગ દ્વારા નવ મહિના દરમિયાન લેવાયેલા નમૂનાઓ પાછળ સેમ્પલ ફી પેટે 65,416 રૂપિયાનો ખર્ચ આવ્યો છે, નમૂનાઓ લીધા પછી તેને જે તે લેબોરેટરીમાં મોકલવા માટે પરિવહન ભાડું તેમજ અન્ય સામગ્રી પાછળ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા છે. એક નમૂના પાછળ ઘણો ખર્ચ આવે છે, આ ઉપરાંત લેબોરેટરીમાં પૃથ્થકરણ થાય છે, ત્યારે પણ વ્યાપક ખર્ચ આવે છે, જે સરકાર દ્વારા કરવામાં આવે છે, પરંતુ અહીંથી સેમ્પલ મોકલવા સહિતનો ખર્ચ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવે છે. - ગાંધીધામમાં ફૂડ લેબોરેટરી સ્થાપિત કરવી જરૂરી : મહાનગરપાલિકામાં ગાંધીધામ આદિપુર જોડિયા શહેરો ઉપરાંત 11 ગામનો સમાવેશ કરવામાં આવ્યો છે અને 188 ચોરસ કિલોમીટરના આ વિસ્તારમાં સેંકડો ખાણીપીણીની દુકાનો તેમજ હોટેલો અને રેસ્ટોરાં છે. પંચરંગી શહેરમાં દેશના લગભગ રાજ્યોની વાનગીઓ તથા નાસ્તાઓ મળે છે. અહીંથી ખાદ્ય પદાર્થોના નમૂના લઈને લેબોરેટરીમાં મોકલવામાં આવે છે અને તેના રિપોર્ટ ઝડપથી આવતા નથી ગાંધીધામ મહાનગરપાલિકા બની ગઈ છેત્યારે અહીં ફૂડ ટેસ્ટિગ લેબોરેટરી અત્યંત જરૂરી અને આવશ્યક છે. રાજ્યમાં લગભગ પાંચથી છ લેબોરેટરી જ છે બાકી રિપોર્ટ ખાનગી લેબોરેટરીમાં કરાવવા પડે છે તેવામાં જો ગાંધીધામમાં ફૂડ ટેસ્ટિંગ લેબોરેટરી સ્થાપિત કરવામાં આવે, તો કચ્છ ઉપરાંત અન્ય જિલ્લાઓમાંથી પણ અહીં ફૂડના નમૂનાઓ નું પૃથ્થકરણ થઈ શકે તેમ છે. - નમકીન, પનીર અને ખજૂરમાં  1.60 લાખનો દંડ ફટકાર્યો : ફૂડ વિભાગ દ્વારા ચાકિંગ દરમિયાન મોટી નમકીન કંપનીને લેબલ ફોલ્ટ બદલ 50,000, તથા કંપની નોમિનીમાં ક્ષતિ બદલ 30,000 તેમજ વિક્રેતાને 20,000 અને ગાંઠિયામાં પાકિંગ ઉપર લખાણ બરોબર ન હોવાથી 20,000 એમ કુલ એક લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે, ત્યારે પનીરમાં વેજીટેબલ ઓઇલની હાજરી મળતા 30,000નો દંડ ફટકારવામાં આવ્યો છે. ખજૂરના મામલામાં કુલ 30 હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે, જેમાં ખજૂરવાળાને 20,000 અને વેપારીને 10,000નો દંડ ફટકાર્યો છે લખાણ બરોબર ન હતું અને લેબલ ફોલ્ટ આવતાં આ દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી.  

Panchang

dd