નવી દિલ્હી, તા. 28 : ટી20 વિશ્વકપમાં ભારતીય ટીમ આવતીકાલે
વેસ્ટ ઈન્ડિઝ સામે આર યા પારના જંગમાં ઉતરશે. કોલકાતાના ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં થનારો
આ મુકાબલો નોકઆઉટ મેચથી ઓછો રહેશે નહીં કારણ કે આ મેચ જીતનારી ટીમ સેમિફાઈનલમાં પહોંચી
જશે. જ્યારે હારનારી ટીમની સફર વર્તમાન ટૂર્નામેન્ટમાં ખતમ થઈ જશે. ભારતીય ટીમનો ટી20મા વેસ્ટ ઈન્ડિઝ ઉપર દબદબો રહ્યો છે. બન્ને ટીમ્સ વચ્ચે જે 30 મુકાબલા રમાયા છે. તેમાંથી
19મા ભારતે જીત મેળવી છે જ્યારે 10 મુકાબલા વેસ્ટ ઈન્ડિઝે જીત્યા
છે અને એક મેચનું પરિણામ આવ્યું નથી. જો કે વર્લ્ડ કપમાં વેસ્ટ ઈન્ડિઝનું પલડું ભારત
સામે ભારે રહ્યું છે. બન્ને ટીમ વચ્ચે અત્યારસુધીમાં ટી20 વિશ્વકપમાં ચાર મુકાબલા રમાયા
છે. જેમાં વિન્ડિઝ 3-1થી આગળ છે.
ખાસ કરીને 2016નો સેમિફાઈનલ મુકાબલો યાદગાર
રહ્યો હતો. ભારતની ટીમ વધુ મજબૂત અને સંતુલિત
છે,ખાસ કરીને બેટિંગ હરોળ દમદાર છે. ફોર્મમાં આવી
ગયેલા અભિષેક પાસેથી વધુ એક ઝમકદાર ઈનિંગ્સની આશા છે. ઈશાન કિશન,સૂર્યકુમાર યાદવ,તિલક વર્મા પણ ધુરંધર ખેલાડી છે. આમ
તો ભારતની બોલીંગ પણ મજબૂત છે પણ હાલમાં થોડી ચિંતાઓ ઉભરી આવી છે. વરુણ ચક્રવર્તી ઝુડાયો
છે. મેચવિજેતા કુલદીપ યાદવને તક મળતી નથી. ત્યારે વિન્ડિઝ સામે બોલીંગમાં વધુ સુધારાની
જરૂર જોઈ શકાય છે. સંજુ સેમસન જળવાઈ રહે તેવી શક્યતા છે. પિતાના નિધન બાદ રિન્કુ સિંહ
ભારતીય ટીમ સાથે જોડાઈ ગયો છે. ભારતે વિન્ડિઝના મારફાડ બેટધરોથી સાવધ રહેવું પડશે.
સૌથી ચર્ચિત મુકાબલો 2016મા મુંબઈમાં
રમાયો હતો. ભારતે ટોસ હારીને પહેલા બેટિંગ કરતા 192 રન કર્યા હતા જ્યારે ચેઝમાં વિન્ડિઝ તરફથી સિમંસે 82 રનની ઈનિંગ રમીને મેચનું વલણ
બદલી નાખ્યું હતું. આ મેચ વિન્ડિઝે સાત વિકેટે જીત્યો હતો. બાદમાં ઈંગ્લેન્ડને હરાવીને
વિન્ડિઝે ખિતાબ જીત્યો હતો. ચાર મેચમાં ત્રણ
હારનો રેકોર્ડ બતાવે છે કે ટી20 વિશ્વકપમાં વેસ્ટ ઈન્ડિઝે ઘણી
વખત ભારતનો રસ્તો રોક્યો છે. તેવામાં આ વખતે ભારતીય ટીમ વધારે સચેત થઈને વેસ્ટ ઈન્ડિઝનો
સામનો કરશે અને ઈતિહાસ ભૂલીને સેમિફાઈનલમાં પહોંચવાના લક્ષ્ય માટે પુરતી કવાયત કરશે.