• રવિવાર, 01 માર્ચ, 2026

મહાયુદ્ધનાં મંડાણ ; દહેશતમાં દુનિયા

તેલ અવીવ / દુબઈ, તા. 28 : વધુ એક મોરચે મહાયુદ્ધનો આરંભ થઈ ગયો છે. અમેરિકા અને ઈઝરાયલે આજે ઈરાન પર ભીષણ હુમલો કરી દીધો હતો. ઈરાનના રાષ્ટ્રપતિ ભવનથી માંડીને સર્વોચ્ચ નેતા આયાતોલ્લાહ ખોમેનીના કાર્યાલય પર આક્રમણ કરાયું હતું, જેમાં એક શાળામાં 87 વિદ્યાર્થિની સહિત 200થી વધુ જણ માર્યા ગયા હતા, તો 800થી વધારે લોકો ઘાયલ થયા હતા. તો ઈરાને પણ વળતા પ્રહારમાં દુબઈ સહિત યુએઈ, બહેરીન, સાઉદી અરેબિયા, કતર સહિત આઠ દેશમાં અમેરિકી મથકોને નિશાન બનાવીને 400થી વધુ મિસાઈલો છોડી હતી. એક પછી એક હુમલાથી દુબઈ ધ્રૂજ્યું હતું અને કેટલાક લોકો ઘવાયા હોવાના અહેવાલ છે. મીડિયા અહેવાલોમાં દાવો કરાયો છે કે, ઈઝરાયલના હુમલામાં ઈરાનના સંરક્ષણમંત્રી અમીર નસીર જાવેદ અને રિવોલ્યુશનરી ગાર્ડ્સના કમાન્ડન્ટ મોહમ્મદ પકપૂટનાં મોત થયાં છે. જો કે, ઈરાને સત્તાવાર પુષ્ટિ આપી નથી. આ યુદ્ધને પગલે વિશ્વ એક ખતરનાક વળાંક પર આવીને ઊભું છે. ભારતે શાંતિ જાળવવાની અપીલ કરી છે, તો ચીન અને રશિયાએ ઈરાનનું સમર્થન કર્યું છે. ઈઝરાયલે ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતોલ્લાહ અલી ખોમેનીના નિવાસ અને કાર્યાલયને નિશાન બનાવીને હુમલા કર્યા હતા, પરંતુ ખોમેની સુરક્ષિત છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાની નાગરિકોને કહ્યું કે, આગળ આવો અને સત્તા હાથમાં લઈ લો. ચિંતામાં મુકાયેલા યુરોપીય રાષ્ટ્રોના વડાઓ સ્થિતિ પર નજર રાખી રહ્યા છે. ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોંએ યુનોની શાંતિ સમિતિની બેઠક તાત્કાલિક બોલાવવાની કરેલી માગણીને અનુસંધાને તેની હિલચાલ શરૂ થઈ છે. દરમ્યાન રશિયા પણ તૈયારી કરી રહ્યાના ચિંતાજનક વાવડ છે.  ઈઝરાયલ અને અમેરિકાએ મળીને આજે રાજધાની તેહરાન સહિત ઈરાનનાં અનેક શહેરોને ખળભળાવી મૂકતાં ભયાનક મિસાઈલ હુમલો બોલાવી દીધો હતો, જેમાં ઈરાનના રાષ્ટ્રપતિ ભવનથી માંડીને ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતોલ્લાહ અલી ખોમેનીનાં કાર્યાલયને પણ નિશાન બનાવીને ખુડદો બોલાવી નાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ ઘાતક પ્રહાર પછી ઈઝરાયલ અને અમેરિકાએ ઈરાનમાં સત્તાપરિવર્તન માટે ખોમેનીને નિશાન બનાવવા માટે હુમલો કર્યો હોવાનું જાહેર કર્યું હતું. બીજીબાજુ વાટાઘાટ ચાલુ હતી, ત્યારે અધવચ્ચેથી જ થયેલા આ હુમલાથી ભડકી ગયેલા ઈરાને પોતાનાં અસ્તિત્વનો સવાલ માથે આવીને ઊભો હોય તેવી રીતે જવાબી કાર્યવાહી શરૂ કરી નાખી હતી. ઈરાને પહેલાં તો ઈઝરાયલ ઉપર 125 મિસાઈલ દાગીને ભીષણ જવાબી કાર્યવાહી કરી હતી, જેમાં તેલ અવીવ, જેરુસલેમ, હાઈફા અને શેફલ્લાહ જેવાં શહેરોને ટાર્ગેટ કરવામાં આવ્યાં હતાં. ઈઝરાયલને ત્રણ મોરચેથી ઘેરીને કરવામાં આવેલા આ હુમલામાં હુથી અને હિઝબુલ્લાહ પણ ઈરાનના ટેકામાં ઈઝરાયલ ઉપર ત્રાટક્યા હતા. જો કે, આ હુમલા પછી મધ્ય-પૂર્વની હાલત બદથી બદતર બનવા તરફ ધસી ગઈ હતી. ઈરાને ઈઝરાયલને જ નિશાન બનાવીને અટકી જવાને બદલે એક ડગલું આગળ વધીને ખાડી દેશોમાં અમેરિકી સૈન્ય ઠેકાણાઓ ઉપર હલ્લો બોલાવી દીધો હતો. બહેરીન, યુએઈમાં અબુધાબી, કતરમાં દોહા, સાઉદી અરબના રિયાદ, જોર્ડન અને કુવૈતમાં અમેરિકી સૈન્ય મથકો ઉપર શ્રેણીબદ્ધ મિસાઈલમારો ચલાવીને હાહાકાર મચાવી દીધો હતો. આમ, હવે આ યુદ્ધ અમેરિકા, ઈઝરાયલ અને ઈરાન વચ્ચેનું યુદ્ધ નહીં રહેતાં ખાડી યુદ્ધમાં ફેરાવાઈ ગયું છે. મધ્ય-પૂર્વના દેશોએ ધડાધડ પોતાનાં હવાઈ ક્ષેત્રોને બંધ કરી નાખ્યાં હતાં અને પોતાના નાગરિકોને સાવધાની વર્તવાની ચેતવણીઓ જારી કરી દેવામાં આવી હતી.  - અમેરિકા-ઈઝરાયલ ક્યાં ત્રાટક્યા? : આજે યુદ્ધની શરૂઆત કરતાં ઈઝરાયલ અને અમેરિકાએ ઈરાનમાં રાષ્ટ્રપતિ ભવન, ખોમેનીનું કાર્યાલય, ઈરાનની ગુપ્તચર એજન્સીનાં વડામથક, ઈરાની સરકારનાં મહત્ત્વનાં ભવનો, અણુ ઊર્જા મથક અને પરચીનને ટાર્ગેટ કરીને રાજધાનીને ખળભળાળી નાખવામાં આવી હતી. આશરે 30 જેટલા મહત્ત્વનાં ઠેકાણાઓને આ હુમલામાં નિશાન બનાવવામાં આવ્યા હતા. રાષ્ટ્રપતિ ભવન પાસે કમસેકમ સાત મિસાઈલના ધડાકા થયા હતા.  ઈરાનમાં તેહરાન, કોમ, તબરેઝ, કરમનશાહ, કરાઝ, ઈસ્ફહાન શહેરો ઉપર અમેરિકા અને ઈઝરાયલની મિસાઈલો ત્રાટકી હતી અને ધોળા દિવસે ઈરાનમાં ચોતરફ મિસાઈલના ધડાકાઓથી ધૂળ અને ધુમાડાના ગોટા છવાઈ ગયા હતા. ઈઝરાયલના મિસાઈલ હુમલા સાથોસાથ અમેરિકાના યુદ્ધજહાજ અબ્રાહમ લિંકન ઉપરથી પણ આ ઘાતકી પ્રહારો ચાલ્યા હતા. આ હુમલામાં અમેરિકી નૌસેના અને વાયુસેનાએ પણ ઈરાનને ઘેરીને હુમલો બોલાવ્યો હતો.  - ઈરાને આખી ખાડીને બનાવી નાખી યુદ્ધનું મેદાન : ઈઝરાયલ અને અમેરિકાના આ હુમલા બાદ જીવ ઉપર આવી ગયેલા ઈરાને ઈઝરાયલ ઉપર ખાડી દેશોમાં સ્થિત અમેરિકાનાં સૈન્ય મથકો ઉપર હુમલો બોલાવીને ઘાણ કાઢી નાખ્યો હતો. સૌપ્રથમ ઈઝરાયલમાં મિસાઈલ અને ડ્રોનનો મારો ચલાવીને હુમલો કરવામાં આવ્યો હતો. ત્યારબાદ બહેરીનમાં અમેરિકી નૌસેનાનાં પાંચમા બેડાંનાં વડામથક સહિત કુવૈત, કતર, યુએઈમાં અમેરિકી સૈન્ય અડ્ડાઓ ઉપર પણ ઈરાન ત્રાટક્યું હતું. અબુધાબી, કતરમાં દોહા અને સાઉદીમાં રિયાદ પણ ધડાકાથી ગુંજી ઊઠયા હતા. ઈરાને આ યુદ્ધનો વ્યાપ વિસ્તારી નાખતાં ખાડી દેશો પણ ભડકી ઊઠયા હતા. યુએઈ અને બહેરીન સહિતના દેશોએ ઈરાનની આ હરકતને પોતાની સંપ્રભુતા ઉપર હુમલો ગણાવ્યો હતો અને જવાબી કાર્યવાહી માટે પોતાના અધિકારની ગર્જનાઓ કરી હતી. આમ, આ યુદ્ધે વિકરાળ આકાર ધારણ કરી લીધો છે. - ઈઝરાયલનું રોરિંગ લાયન, અમેરિકાનું એપિક ફ્યૂરી અને  ઈરાનનું ઓપરેશન ફતહ-એ-ખૈબર  :   ઈઝરાયલે આજે ઈરાન ઉપર હુમલા બાદ આ સૈન્ય કાર્યવાહીને ઓપરેશન રોરિંગ લાયન નામ આપ્યું હતું. એટલે કે સાવજની ગર્જના. બીજીબાજુ અમેરિકાનાં મુખ્ય સંરક્ષણ મથક પેંગાગોન દ્વારા આ ઓપરેશનને એપિક ફ્યૂરી નામ આપવામાં આવ્યું હતું. જેનો અર્થ અતિશય આક્રોશ થાય છે. જવાબી કાર્યવાહીમાં ઈરાને બોલાવેલા હુમલાને ઓપરેશન ફતહ-એ-ખૈબર નામ આપવામાં આવ્યું હતું. 7મી સદીમાં શિયા ધર્મના ઈમામ હઝરત અલીએ મદીનાં પાસે સ્થિત ખૈબરમાં લોખંડી દરવાજાને ઉખાડીને ફતેહ હાંસલ કરી હતી, જેનાં આધારે આ નામકરણ કરવામાં આવેલું છે.  

Panchang

dd