નવી દિલ્હી, તા. 28 : મધ્ય એશિયામાં
ફરી એક વખત મોટું યુદ્ધ છેડાઈ ગયું છે. આ યુદ્ધની ભારત પર પણ અસર પડશે. કેમ કે લડનારા
અમેરિકા, ઈઝરાયલ અને ઈરાન ત્રણે દેશ ભારતના મિત્ર છે.
અખાતી દેશોમાં ભારતના આર્થિક અને વ્યૂહાત્મક હિત હોવાથી ત્યાં કોઈ પણ પ્રકારની અશાંતિની
ભારત પર અસર થવાનું નિશ્ચિત છે. ભારત સરકારે ઈઝરાયલ અને ઈરાનમાં રહેનારા પોતાના નાગરિકો
માટે માર્ગદર્શિકા બહાર પાડી છે. ભારતના સંબંધ ઈઝરાયલ અને ઈરાન બંને સાથે સારા છે.
ભારત ઈરાનથી મોટા પ્રમાણમાં તેલની ખરીદી કરે છે અને બંને દેશ વચ્ચે સાંસ્કૃતિક તેમજ
વ્યાપાર સંબંધ પણ સારા છે. મધ્ય-પૂર્વમાં વધતા
પ્રાદેશિક તણાવનાં કારણે ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેના વેપારી સંબંધો પર પણ અસર પડી
શકે છે, જે ચાબહાર મારફતે પસાર થાય છે. ચીન અફઘાનિસ્તાનમાં ભારતની
જગ્યા હડપ કરવા માટે લાંબા સમયથી પાકિસ્તાન-અફઘાનિસ્તાન-ચીન સંવાદ સ્થાપિત કરવાની કોશિશ
કરી રહ્યું છે. ઇરાન-ઇઝરાયલ યુદ્ધથી ભારતની ઊર્જા સુરક્ષા અને અર્થતંત્ર જોખમમાં પડી
શકે છે. ભારતના લગભગ 50 ટકા કરતાં
વધુ ઓઈલ આયાત હોર્મુઝ સ્ટ્રેટ મારફતે પસાર થાય છે,
જે ઇરાનના નિયંત્રણ હેઠળ છે. ઇરાન આ વ્યૂહાત્મક માર્ગ બંધ કરી શકે છે.
ભારતના 80-90 ટકા કાચા તેલની સપ્લાય પશ્ચિમ
એશિયા વિસ્તારમાંથી આવે છે, જેમાં ઇરાન
અને અન્ય ખાડી દેશોનો સમાવેશ થાય છે. સંઘર્ષને
કારણે વૈશ્વિક તેલના ભાવોમાં પહેલેથી જ વધારો થયો છે, જે હુમલા
વધે તો વધુ વધી શકે છે. આ જંગથી ઇઝરાયલ અને ઇરાનમાં રહેતા ભારતીય નાગરિકોની સુરક્ષા
પર પણ જોખમ ઊભું થઈ શકે છે. ઇઝરાયલમાં આશરે 20,000 અને ઇરાનમાં અંદાજે 10,000 ભારતીયો અભ્યાસ, પ્રવાસ અથવા નોકરી માટે રહે છે. ભારતીય વિદેશ મંત્રાલયે પહેલેથી જ ચેતવણી પણ
જાહેર કરી છે અને પરિસ્થિતિ પર કડક નજર રાખી રહ્યું છે. ઇરાન પર ઇઝરાયલ-અમેરિકાના હુમલાથી પાકિસ્તાનનું
વ્યૂહાત્મક મહત્ત્વ વધી શકે છે. નબળું ઇરાન ભારત માટે અનુકૂળ નહીં હોય, પરંતુ તેનાથી વિસ્તારમાં પાકિસ્તાનને વધુ લાભ મળી શકે છે. ઇસ્લામિક દેશ હોવા
છતાં ઇરાનના પાકિસ્તાન સાથે મજબૂત સંબંધો નથી.
તાજેતરના વર્ષોમાં ઇરાન અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો બગડયા છે અને જાન્યુઆરી
2024માં બન્ને દેશોએ સીમાપાર આતંકી
જૂથોને આશ્રય આપવાના આરોપોને લઈને સીમાપાર હુમલાઓ પણ કર્યા હતા. એક અખબારી અહેવાલ મુજબ
ભારત પર ગંભીર અસર એટલા માટે પણ પડી શકે છે કેમ કે ભારત ઈરાનના રસ્તે જ મધ્ય એશિયાથી
જોડાયેલું છે. ચાબહાર બંદર ચીન અને પાકિસ્તાનને જવાબ આપવા માટે પણ મહત્ત્વનું છે. ભારતની
પકડ મધ્ય એશિયા પર ઢીલી થાય એમ ચીન અને પાકિસ્તાન પણ ઈચ્છે છે. જો ચાબહારનો રસ્તો બાધિત
થાય તો ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેના વ્યાપારિક સંબંધ પણ પ્રભાવિત થાય તેમ છે અને તેનો
ફાયદો ઉઠાવવા ચીન પ્રયાસ કરશે.