• રવિવાર, 01 માર્ચ, 2026

રેન્જ સ્તરની ટુકડીની કાર્યવાહી બાદ વાગડમાં નશાનાં વાવેતર સામે સ્થાનિક પોલીસ સક્રિય થઈ

ગાંધીધામ, તા. 28 :  રાપર તાલુકાનાં ભીમાસર ભુટકિયાની સીમમાં સરકારી જમીનમાં બે એકર જેટલા વિસ્તારમાં નવ કરોડની કિંમતના  પોષડેડાની ખેતીનો પર્દાફાશ રેન્જ આઈજીની સાયબર સેલ દ્વારા કરાયા બાદ  હવે  વાગડમાં નશીલા પદાર્થનાં વેચાણ સામે સ્થાનિક પોલીસ સફાળી જાગી છે. પોલીસના સત્તાવાર સાધનો પાસેથી મળતી વિગતો મુજબ રાપર તાલુકાનાં પલાંસવામાં ગત તા. 27ના રાત્રિના નવ વાગ્યાના અરસામાં પોલીસે કાર્યવાહી કરી હતી.  બાતમીના આધારે  આડેસર પોલીસે આરોપી ઈશ્વર  ગાભાભાઈ ચૌહાણનાં કબજાનાં મકાનમાંથી લીલા રંગનો સુકો ગાંજો  669.67 ગ્રામ કબજે કર્યો હતો, જેની કિંમત રૂા. 33,483 આંકવામાં આવી છે. આ ઉપરાંત રૂા.254ની કિંમતના વનસ્પતિજન્ય બીજ અને એક સ્ટીલની ધાતુનો  ડબ્બો કબજે કરાયા હતા.  પોલીસે આરોપીની ધરપકડ કરીને બીજ ક્યાંથી લાવ્યો હતો તે સહિતની વિગતો મેળવવા તપાસનાં ચક્રો ગતિમાન કર્યાં છે.  ગાગોદર પોલીસે  પણ ગત બપોરે 1.25ના અરસામાં ઘાણીથર  ગામમાં પઘરોયા વાડી વિસ્તારમાં  આરોપીનાં ખેતરમાં નશીલા પદાર્થની ખેતીનો પર્દાફાશ કર્યો હતો.  આરોપી  હરેશ ખોડા કોલીએ ખેતરમાં ગેરકાયદે ગાંજાના છોડનું વાવેતર કર્યું હતું. આ કાર્યવાહી દરમ્યાન પોલીસે ગાંજાના નાના મોટા લીલા 14 નંગ છોડ કબજે કર્યા હતા, જેની કિંમત રૂા. 37,300 આંકવામાં આવી છે.  આરોપીના કબજામાંથી  મોબાઈલ ફોન, જમીનના 7/12,  8-અના ઉતારા સહિતનો મુદ્દામાલ કબજે કરાયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ વાગડમાં  પ્રાંથળ સહિતના વિસ્તારમાં નશીલા પદાર્થની ખેતી ઝડપાઈ ચૂકી છે. રેન્જ સ્તરે કાર્યવાહી બાદ સ્થાનિક પોલીસે કરેલી કાર્યવાહીથી હજુ પણ વાગડમાં નશીલા પદાર્થની ખેતી થતી હોવાનું સમજાઈ  રહ્યું છે. 

Panchang

dd