• રવિવાર, 01 માર્ચ, 2026

`ખાખી વર્ધીથી ગુનેગાર ડરવા જોઈએ ; આમ નાગરિક નહીં...'

કચ્છ એટલે કચ્છ : દીપક માંકડ : લગભગ સાડા પાંચ દાયકા પહેલાં સૌરાષ્ટ્રના વિખ્યાત શારદાગ્રામ શાળામાં ભણતા બાળકને પૂછવામાં આવે છે... મોટા થઇને શું બનવું છે ? એ બાળકને મનમાં જવાબ સ્ફૂર્યો... ને કહી દીધું, પોલીસ. પરિવારથી માંડીને ગુરુજનોને પણ નવાઇ નીપજી કે પોલીસમાં જવાનું કોઇનું સપનું હોઇ શકે ? આંખોમાં ખાખી રંગ અંજાઇ ગયો હતો. વિચાર દૃઢ બન્યો, સાકાર થયો ને નાનકડા દિલીપે મોટા થઇને 1981માં ખરેખર ખાખી વરધી ધારણ કરી... એ પણ રૂઆબદાર રીતે... પીએસઆઇ બનીને. સપનું સાકાર થયા પછી મહેનતકશ કારકિર્દીની સફળતાની ચરમસીમા આવી. 2009માં સીમાવર્તી કચ્છ જિલ્લામાં શ્રેષ્ઠ કામગીરી બદલ રાષ્ટ્રપતિ ચંદ્રક મળ્યો. દિલીપ અગ્રાવતની કચ્છની ધરતી પરના અનેક ખુફિયા ઓપરેશન, દિલધડક-દિલેર કાર્યવાહીનું આનાથી બીજું કોઇ મોટું પ્રમાણપત્ર ન હોઇ શકે. નિવૃત્તિ પછી પણ સુપરકોપની જેમ ફીટ એવા આ અફસર કહે છે, ગુજરાત સરકાર કે કેન્દ્ર સરકાર સારી કામગીરીનું સન્માન કરે એથી વિશેષ કોઇ આનંદ ન હોય પણ... પીએસઆઇ અને પીઆઇ તરીકેની કામગીરી દરમ્યાન કેટલાય દેશવિરોધી તત્ત્વોને જેર કર્યા. કચ્છ-ગુજરાત કે રાષ્ટ્રને ષડયંત્રમાંથી ઉગારી લીધું એનો સંતોષ જીવનમાં મુઠ્ઠીઊંચેરો જ રહેવાનો. કચ્છને લેન્ડ ઓફ અપોર્ચ્યુનિટી કહેવાય છે. આ એવી ધરતી છે જ્યાં કામગીરી કરી દેખાડવાની અઢળક તક કે પરિસ્થિતિ મળે છે. હા, તમારામાં એ ઝડપી લેવાની, સમય સાથે તાલ મિલાવીને જોતરાઇ જવાની તૈયારી હોવી જોઇએ. દિલીપ અગ્રાવતે કારકિર્દી દરમ્યાન હંમેશાં આવી તત્પરતા દર્શાવી છે. આધુનિક ટેક્નોલોજી સાથે આજે કચ્છના સુરક્ષાના પરિમાણ બદલાઇ ચૂક્યા છે. અદ્યતન ટેક્નોલોજી અને સાધન સરંજામ થકી સુરક્ષાદળોની કામગીરી ઉત્તરદાયિત્વસભર હોવા છતાં પ્રમાણમાં સરળ બની છે. કચ્છના એક સમયના જાંબાઝ પોલીસ અધિકારીની કેફિયત માંડવાનું નિમિત્ત પૂરું પાડયું છે પુસ્તકે `સરહદનો સુપરકોપ.' પ્રફુલ્લ શાહ દ્વારા લિખિત આ ડોક્યુ નોવેલના નાયક જ અગ્રાવત છે. એક અફસરના ઉદય, સંઘર્ષ અને દિલધડક કાર્યવાહી આવરી લેતી નોવેલ ઘટનાસભર છે. મહત્ત્વની વાત એ છે કે, તેની ગુજરાતી, અંગ્રેજી પછી હિન્દી આવૃત્તિ પ્રસિદ્ધ થઇ રહી છે. આ લખનાર સાથેની વાતચીતમાં શ્રી અગ્રાવત કહે છે કે, કચ્છભૂમિએ તેમને ઘણું આપ્યું છે. પોલીસ અધિકારી બન્યા પછી 10 વર્ષ વડોદરા, પાંચ વર્ષ વેરાવળમાં કામ કર્યું. સિનિયર અધિકારીઓ પાસે પોલીસિંગના પાઠ ભણ્યા... પણ ખરો સંતોષ અને સફળતા કચ્છમાં જ મળી... `કચ્છ પડકારભર્યો પ્રદેશ છે. 45,652 ચો. કિ.મી. જેવડો વિશાળ ફેલાવો. તાલુકાઓ વચ્ચે અને ઘણા તાલુકામાં તો અમુક ગામો વચ્ચે સૌરાષ્ટ્રના બે જિલ્લાનું હોય એટલું લાંબું અંતર... સીમાવર્તી ક્ષેત્ર હોવાના લીધે કાયદો-વ્યવસ્થા જાળવવાનો પડકાર... આજે તો  ઇન્ફ્રાસ્ટ્રકચર ઘણું ડેવલપ થઇ ગયું અને અદ્યતન ટેક્નોલોજી આવી ગઇ છે, પણ એ જમાનો જુદો હતો. લેન્ડલાઇન ટેલિફોન પણ ખૂબ જૂજ... એ સમયે ગુનાના ડિટેક્શનમાં, તપાસમાં ખૂબ રઝળપાટ કરી. બાવજીભા જાડેજા સાથે મિત્રતા થઇ. એનો ઘણો ફાયદો મળ્યો. બાતમીદારોનું નેટવર્ક વિકસ્યું. સીમા વિસ્તારમાં ઘૂસણખોરી કે અપરાધિક પ્રવૃત્તિ સામેની એક એવી કાર્યપદ્ધતિ વિકસી, સંપર્કનો ડેટાબેઝ ઊભો થયો. આ બધું કદાચ એ સમયે પોલીસિંગના પાઠ ભણવામાં પણ આવ્યું નહોતું.' દિલીપ અગ્રાવત કહે છે કે, જે-તે સમયે સિનિયર પોલીસ અધિકારીઓએ ભરોસો મૂક્યો એ તો ખરું, પણ લોકોનો ખૂબ સહકાર મળ્યો. વળી એ સમયનું એકમાત્ર વિશ્વાસપાત્ર અખબાર કચ્છમિત્રનો પણ પૂરો સાથ. આરડીએક્સ કે હથિયારો સાથે પાકિસ્તાનીઓની ઘૂસણખોરી પકડવાનું કામ દિવસો માગી લે... એ બધું કચ્છમિત્ર જાણતું હોય છતાં રાષ્ટ્રહિતમાં-તપાસનાં હિતમાં છાપતું નહીં. ગ્રીન સિગ્નલ મળે એ પછી જ સિલસિલાબંધ વિગતો છપાતી. આ પોલીસ અધિકારીને અશ્વોનો શોખ છે. આજે પણ તેમની પાસે જાતવાન અશ્વો છે. માલધારીઓ માલનાં રક્ષણ માટે સાથે રાખે એ તાજી ડોગ (શિકારી કૂતરા)ના પણ અગ્રાવત જાણકાર.... કદી કોઇ નિર્દોષને ગુનામાં ફીટ નથી કર્યા... ખોટા કેસ કરીને કદી હેરાનગતિ નથી કરી. ઘણા પ્રકરણમાં શંકાના આધારે અંદર કરી દીધા હોય, એમની સંડોવણી ન જણાય કે તુરત છોડી દેતા. આના લીધે સીમાવર્તી ગામડાંમાં છાપ પડી ગઈ કે, `આ સાહેબ કડક છે... સાચા છે.' `સરહદનો સુપરકોપ' પુસ્તકમાં દિલીપ અગ્રાવતના  જીવનકવનની સાથે દિલધડક કાર્યવાહી વિસ્તૃત રીતે આવરી લેવાઇ છે. વર્ષ 2016ના કચ્છમિત્ર દીપોત્સવી અંકમાં નિખિલ પંડયાએ છ પાનાં ભરીને  તેમને `રણના ભોમિયા' હેડિંગ સાથે ઉપસાવ્યા હતા. કચ્છ અને કચ્છનાં રણની કાર્યવાહી કરીને દિલીપ અગ્રાવતે 79 કિલ્લો આરડીએક્સ, 63 પિસ્તોલ અને રિવોલ્વર, 22 ગ્રેનેડ, બે એકે-56 રાયફલ, સેંકડો કારતૂસ અને વિસ્ફોટકો ઝડપ્યા છે. તેમનાં નામે ત્રણ એન્કાઉન્ટર બોલે છે. સૌથી વિશેષ એ કે મોતનો સામાન લાવનાર  બે અપરાધી પકડાઇ ગયા. પછી તેમને મોતની સજા કરાવવામાં ચાવીરૂપ ભૂમિકા ભજવી હતી. અગ્રાવત માને છે કે, આજે પોલીસ અભિગમમાં ઘણા બદલાવની જરૂર છે. પોતાની કામગીરી પ્રતિબદ્ધતાથી કરવી જોઇએ. ખાખી વરધીથી ગુનેગાર ડરવો જોઇએ. સાચો માણસ નહીં. ખાસ તો પીડિત મહિલાઓ પ્રત્યેનો વ્યવહાર સારો, સહાનુભૂતિભર્યો હોવો જોઇએ. ભગવાનને પ્રાર્થના કર્યા પછી ત્રી પોલીસ પાસે આવે ત્યારે તેની શ્રદ્ધા ડગવી ન જોઇએ. પોલીસની એ ફરજ છે. 

Panchang

dd