• રવિવાર, 01 માર્ચ, 2026

યુદ્ધ વહેલી તકે નહીં રોકાય તો ભયાનક ખાનાખરાબી

તંત્રી સ્થાનેથી.. :  દીપક માંકડ : લાંબા સમયથી જેનો ભય સેવાયો હતો એ થઈને રહ્યું. ટ્રમ્મ-ખોમેની વચ્ચેના હાકલા પડકારા વચ્ચે ઈઝરાયલે ઈરાન પર ભીષણ હવાઈ હુમલા કર્યા અને વળતા વારમાં ઈરાને મધ્ય-પૂર્વમાં અનેક દેશેને નિશાન બનાવીને મિસાઈલો દાગતાં ચોમેર વ્યાપક વિનાશ વેરાયો છે. યુદ્ધની અગનજ્વાળા ઈરાન-અમેરિકા-ઈઝરાયલથી આગળ ખાડી દેશોમાં લંબાતાં વૈશ્વિક શાંતિ જોખમમાં આવી પડી છે. વૈશ્વિક રાજનીતિના વિશેષજ્ઞો સવાલ કરી રહ્યા છે કે, આ જ ટ્રમ્પ શાંતિના નોબેલનો દાવો કરે છે ? વૈશ્વિક મુત્સદીગીરી ક્યાં ખોવાઈ ગઈ ? સંયુક્ત રાષ્ટ્રસંઘની કોઈ આણ જ નથી રહી ? આનો જવાબ ટ્રમ્પના યુદ્ધ ઉન્માદમાં વિલાઈ ગયો છે. આ લખાય છે ત્યારે તેહરાન અને બીજા ઈરાની શહેરો ભડકે બળી રહ્યાં છે, 200થી વધુ મોત અને 800થી વધુ ઘાયલ થયા છે. ભારત અને ગુજરાતનું બીજું ઘર એવું દુબઈ પણ મિસાઈલો  ખાબકતાં ફફડી રહ્યું છે.  કતરની રૂપકડી રાજધાની દોહામાંય સળગતી ગગનચૂંબી ઈમારતો અને અસ્તવ્યસ્ત માળખાંના ડરામણાં દૃશ્યો આવી રહ્યાં છે. ટૂરિસ્ટ અને કારોબારી વિશ્વનું ચહીતું દુબઈ-અબુધાબીએ લપેટમાં આવ્યા એ મોટી ચિંતાની વાત છે. ઈન્ડિયન એરલાઈન્સ સહિતના ભારત અને અખાતી દેશોની 260 જેટલી વિમાની સેવા સ્થગિત કરી દેવાઈ છે. ઈરાનમાં ફસાયેલા ભારતીયોને જોર્ડનના રસ્તે રેસ્ક્યૂ કરવાનું આયોજન થઈ રહ્યું છે. અબુધાબીમાં બીએપીએસ મંદિર બંધ કરી દેવાયું છે. ચોમેર લોકડાઉન અને ભયનો માહોલ છે. યુદ્ધ કેટલું વકરશે કે અટકશે એની અનિશ્ચિતતા છે. અખાતી દેશો પણ યુદ્ધમાં જોતરાતાં દુનિયાના તેલ-ગેસ પુરવઠા અને જહાજી કારોબારને ગંભીર ફટકો પડવાની વકી છે. શેરબજાર તૂટશે અને તેલના ભાવો વધતાં મોંઘવારી-મંદી બેકાબૂ બની શકે. આ સ્થિતિ ઊભી થવામાં ઈરાનની નાફરમાની કારણભૂત છે જ, તેનો ગુપ્ત પરમાણુ કાર્યક્રમ અમેરિકા-ઈઝરાયલ સહિત દુનિયાના દેશોને ડરાવી રહ્યો છે. એટલે જ ઈઝરાયલ-અમેરિકાએ સંયુક્ત લશ્કરી કાર્યવાહી કરીને વધુ એક યુદ્ધ થોપી દીધું. લક્ષ્ય છે ઈરાનમાં સત્તાપલટાનું. ઉશ્કેરણીખોર પગલું નિવારી શકાયું હોત. સ્પેનના વડાપ્રધાને ટ્રમ્પ-નેતન્યાહુની ટીકા કરી છે. ભારતે શાંતિની અપીલ કરી છે. ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેનુઅલ મેક્રોંએ તત્કાળ યુનોની સલામતી સમિતિની બેઠક બોલાવવા માગણી કરી છે અને કહ્યું છે કે, યુ.એસ.-ઈઝરાયલ-ઈરાન યુદ્ધથી વૈશ્વિક શાંતિ, સ્થિતરતા અને સુરક્ષા પર ગંભીર અસર પડશે. પરિસ્થિતિ વિસ્ફોટક છે. વિકાસનાં સપનાં જોતાં ભારત જેવા અનેક મહેનતકશ દેશોનું ગણિત બગડી શકે છે. કચ્છમિત્રના આજના અંકમાં વેપાર-કારોબાર જગતના વિવિધ નિષ્ણાતોનો અંદેશો એ જ છે કે, કચ્છ-ગુજરાત સહિત ભારતને ગંભીર આર્થિક ફટકો પડશે. પ્રશ્ન એ પણ છે કે, આમ નાગરિકોનો વાંક શો? સેંકડો લોકો મોતને ભેટશે એ કોના વાંકે? ટ્રમ્પના તેવર જોતાં યુદ્ધ ઝડપથી શાંત થાય એમ હાલઘડીએ જણાતું નથી. યુરોપીય દેશો ઉપરાંત ઈરાનના મદદગાર ચીન-રશિયાનાં વલણ પર મીટ મંડાયેલી રહેશે. શાંતિના હિમાયતી એવા ભારત સહિતના દેશોની વિદેશનીતિ, મુત્સદીગીરીની કસોટી છે. અત્યાર સુધી ફક્ત ધમકી આપી રહેલાં ઈરાને યુએઈ, કતર, જોર્ડન, બહેરીન જેવા દેશ સાથે સીધું યુદ્ધ છેડીને આકરો સંદેશ આપ્યો છે. અને છેલ્લે એક જાણીતું વાકય... શાંતિ યુદ્ધ કરતાં અનેકઘણી સારી હોય, પણ એ મેળવવી વધુ કઠિન છે... દુનિયાના સર્વેશક્તિમાન દેશના વડા યુદ્ધખોર હોય ત્યારે શાંતિ, યુદ્ધવિમાનોના તીવ્ર અવાજ, મિસાઈલ-બોમ્બના ધડાકા, મોતના ચિત્કાર, કાટમાળમાંથી ઊઠતા ધૂળના ગોટામાં ગોતી જડે તેમ નથી. 

Panchang

dd