જમ્મુ, તા. 7 : પવિત્ર
અમરનાથ યાત્રાના પહેલાં ચાર દિવસમાં 50 હજારથી વધુ શ્રદ્ધાળુઓએ પવિત્ર
ગુફામાં બરફના શિવાલિંગનાં દર્શન કર્યાં છે. આ વાર્ષિક યાત્રા ત્રીજી જુલાઈથી શરૂ
થઈ હતી. ચોથા દિવસે, રવિવારે 21,512 શ્રદ્ધાળુઓ દર્શન માટે પહોંચ્યા
હતા. બીજી તરફ વરસાદ વચ્ચે 7502 યાત્રિકોની પાંચમી ટુકડી જમ્મુથી
પહેલગામના નુનવાન અને કાશ્મીરના ગાંદરબલના બાલતાલ બેઝ કેમ્પ માટે રવાના થઈ હતી. આ
ટુકડીમાં 5,973 પુરુષો, 1,169 મહિલાઓ, 34 બાળકો, 310 સાધુઓ અને 16 સાધ્વીઓનો
સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે,
38 દિવસની
આ યાત્રા પહેલગામ અને બાલતાલ બંને રૂટ પરથી ચાલુ છે. 9મી
ઓગસ્ટના રક્ષાબંધનના દિવસે આ યાત્રાનું સમાપન થશે. ગયા વર્ષે આ યાત્રા બાવન દિવસ
ચાલી હતી અને પાંચ લાખ શ્રદ્ધાળુઓએ પવિત્ર ગુફાનાં દર્શન કર્યાં હતાં. અત્યાર
સુધીમાં 3.5 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ નોંધણી કરાવી છે.
નોંધણી માટે, જમ્મુમાં સરસ્વતી ધામ, વૈષ્ણવી ધામ, પંચાયત ભવન અને મહાજન સભામાં કેન્દ્રો ખોલવામાં આવ્યાં છે. અહીં દરરોજ 2000 શ્રદ્ધાળુની
નોંધણી ચાલુ રહે છે.