નવીદિલ્હી, તા.7: ભારત
અને અમેરિકા વચ્ચે વેપાર સમજૂતીની શક્યતાઓ ઓસરતી જાય છે ત્યારે બીજીબાજુ
અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ હવે ટેરિફ લાદવા ધમકી ઉપર ઉતરી આવ્યા
છે. ટ્રમ્પે હવે કહ્યું છે કે, બ્રિક્સ સમૂહની નીતિ
સાથે જોડાતા કોઈપણ દેશો ઉપર 10 ટકા વધારાનો ટેરિફ નાખવામાં
આવશે. ઉલ્લેખનીય છે કે, ભારત પણ બ્રિક્સનો હિસ્સો છે અને વડાપ્રધાન મોદીએ બ્રાઝિલમાં બ્રિક્સ
સંમેલનમાં હાજરી આપી રહ્યા છે. ટ્રમ્પે પોતાનાં સોશિયલ મીડિયા ટ્રૂથ ઉપર લખ્યું
હતું કે, કોઈપણ દેશ બ્રિક્સની અમેરિકા વિરોધી નીતિઓ સાથે જશે
તેનાં ઉપર વધારાનો 10 ટકા ટેરિફ ઝીંકાશે. આ નીતિમાં
કોઈપણ પ્રકારની છૂટ આપવામાં આવશે નહીં.
ટ્રમ્પની આ ચીમકી ભારત માટે ગર્ભિત ધમકીથી જરાય ઓછી નથી. એકબાજુ ભારત અને
અમેરિકા વચ્ચે નવા ટેરિફની અમલવારી પહેલા વચ્ચેનો રસ્તો કાઢવા વેપાર સમજૂતીની
વાટાઘાટો ચાલી રહી છે ત્યારે બીજીબાજુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી બ્રિક્સ પરિષદમાં
હાજરી આપી રહ્યાં છે. જે ટ્રમ્પને ખૂંચ્યું હોઈ શકે છે. અમેરિકા ભારતનાં કૃષિ અને
ડેરી ઉદ્યોગમાં પ્રવેશ માગી રહ્યું છે. જેનાં માટે ભારતે સાફ શબ્દોમાં ઈનકાર કરી
દીધો છે ત્યારે હવે બન્ને દેશ વચ્ચે કોઈપણ પ્રકારની વેપાર ભાગીદારી કરવી
અમેરિકાનાં હાથમાં છે.