• મંગળવાર, 08 જુલાઈ, 2025

જોકોવિચ-અલ્કરાઝ ક્વાર્ટર ફાઈનલમાં

લંડન, તા. 7 : ડિફેન્ડિગ ચેમ્પિયન કાર્લોસ અલ્કારાઝે વિમ્બલ્ડન 2025માં પોતાની જીતનો સિલસિલો ચાલુ રાખતાં  રશિયાના આન્દ્રે રુબલેવને હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. બીજા ક્રમાંકિત અલ્કારાઝે 6-7(5), 6-3, 6-4, 6-4થી જીત મેળવીને સતત ત્રીજા વિમ્બલ્ડન ટાઇટલની નજીક પહોંચી ગયો છે. અલ્કરાઝે પહેલા ત્રણ રાઉન્ડમાં થોડો સંઘર્ષ કર્યા પછી રવિવારે રાત્રે સેન્ટર કોર્ટ પર પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું. જ્યારે નોવાક જોકોવિચ પોતાની કારકિર્દીમાં 16મી વખત વિમ્બલ્ડનની ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યો છે. સર્બિયન ખેલાડીએ એલેક્સ ડી મિનોરને ચાર સેટમાં હરાવ્યો હતો. સાત વખતના ચેમ્પિયને એક સેટ ગુમાવ્યા બાદ વાપસી કરીને શાનદાર પ્રદર્શન કર્યું હતું અને ચોથા સેટમાં તે 1-4થી પાછળ હતો, પરંતુ ત્યારબાદ તેણે શાનદાર વાપસી કરીને ડી મિનોરને હરાવી દીધો હતો, જે તેના માટે એક મુશ્કેલ હાર હતી. એલેક્સ ડી મિનોર સામે સેટ ગુમાવ્યા પછી, જોકોવિચે ઓસ્ટ્રેલિયન સામે 1-6, 6-4, 6-4, 6-4થી જીત મેળવી અને તેના 16મા વિમ્બલ્ડન ક્વાર્ટર-ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. દિવસની શરૂઆતમાં, 23 વર્ષીય ફ્લાવિયો કોબોલીએ મારિન સિલિકને હરાવીને પોતાની કારકિર્દીમાં પહેલીવાર ગ્રાન્ડ સ્લેમની ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. બીજી તરફ સોમવારે મેન્સ ડબલ્સના ત્રીજા રાઉન્ડમાં ભારતના યુકી ભાંબરી અને તેના અમેરિકન પાર્ટનર રોબર્ટ ગેલોવેને સ્પેનિશ જોડી માર્સેલ ગ્રાનોલર્સ અને આર્જેન્ટિનાના હોરાસિયો ઝેબાલોસ સામે કઠિન હારનો સામનો કરવો પડ્યો હતો. યુકી અને ગેલોવેની 16મી ક્રમાંકિત જોડીએ તેમના ચોથા ક્રમાંકિત પ્રતિસ્પર્ધીઓને સખત લડાઈ આપી હતી, પરંતુ પરિણામ તેમના પક્ષમાં નહોતું આવ્યું. તેઓ બે કલાક અને નવ મિનિટ ચાલેલા રોમાંચક મુકાબલામાં 4-6, 6-3, 6-7 (10)થી હારી ગયા હતા. યુકીના બહાર થવા સાથે વિમ્બલ્ડનમાં ભારતીય પડકારનો અંત આવ્યો હતો.

Panchang

dd