ભુજ, તા. 7 : માંડવી
તાલુકાના શિરવામાં પડોશમાં રહેતા સગા મામા ફરિયાદીના ઘરના રસોડા પાસે કચરો ફેંકવા મુદ્દે
થયેલી બોલાચાલી બાદ જમાતખાનામાં સમાધાન માટે ભેગા થયા હતા. જ્યાં મામલો બિચકતાં મામા
અને તેના બે પુત્રોએ માથાંમાં લાકડાં ફટકારી હેમરેજ જેવી ગંભીર ઇજા પહોંચાડયાની ફરિયાદ
નોંધાઇ છે. આ અંગે માંડવી પોલીસ મથકે અબ્દુલ ઓસમાણ શિરૂ (રહે. મફતનગર શિરવા)એ નોંધાવેલી
ફરિયાદ મુજબ તેમના પિતા ઓસમાણના સગા મામા ઇબ્રાહીમ અબ્દુલા શિરૂ અને તેના બન્ને દીકરા
મામદ ઇશાક અને કાદર સાથે રહે છે. જેઓ ફરિયાદીના રસોડાની બારી પાસે અવારનવાર કચરો ફેંકે
છે. અગાઉ ઘણીવાર બોલાચાલી થઇ હતી. ગઇકાલે સવારે બસ સ્ટેશન પાસે ઝઘડો થયા બાદ સમાધાન
અર્થે ગામના જમાતખાનામાં ભેગા થયા હતા, જ્યાં આ ત્રણે આરોપીઓએ ઝઘડો કરી ત્યાં
બાળવા માટે લાકડાંથી ફરિયાદીના પિતા ઓસમાણભાઇને માથાંમાં મારી ઇજા પહોંચાડી હતી,
માથાંમાં આઠ ટાંકા તથા હેમરાજ જેવી ગંભીર ઇજા પહોંચાડયાનું ફરિયાદમાં
લખાવાયું છે. પોલીસે ફરિયાદ નોંધી કાર્યવાહી આદરી છે.