વિશ્વનાથ જોશી દ્વારા : દયાપર (તા. લખપત), તા. 7 : લખપત તાલુકામાં સતત બે દિવસથી મેઘરાજાની હાજરી રહેતાં લિગ્નાઈટ ખાણોમાં કાદવ-કીચડ થતાં માતાના મઢ અને ઉમરસર ખાણમાં લિગ્નાઈટ લોડિંગ બંધ થયું હતું. જો આજે પણ વરસાદ રહેશે તો લોડિંગ કામ થઈ શકશે નહીં, જેથી ટ્રકચાલકોને વધુ એક દિવસ ખાણ પર જ રહેવું પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. આજે તો તાલુકામાં અડધો ઈંચ (13 મિ.મી.) વરસાદ પડયો છે. પરંતુ ગઈકાલે પણ વરસાદ પડતાં લિગ્નાઈટ ખાણમાં મુશ્કેલી પડી રહી છે. માતાના મઢ લિગ્નાઈટ પ્રોજેક્ટ મેનેજર શ્રી ભાયલએ કહ્યું હતું કે, આજે (મંગળવારે) લિગ્નાઈટ લોડિંગ ચાલુ કરાશે પણ વરસાદ પડશે તો શક્ય નથી. સોમવારે લાઈનની ગાડી ભરાઈ નથી. બીજીબાજુ ઉમરસર લિગ્નાઈટ ખાણના પ્રોજેક્ટ મેનેજર શ્રી મુકસવારનો સંપર્ક કરતાં તેમણે પણ વરસાદના કારણે લિગ્નાઈટ લોડિંગ બંધ હોવાનું જણાવ્યું હતું. આજે ખાણના રસ્તાઓ મરંમત કરી દેવાયા છે. જો મંગળવારે વરસાદ ન પડે તો લિગ્નાઈટ લોડિંગ ચાલુ કરી નાખશું તેવું જણાવ્યું હતું. કન્ટ્રોલ રૂમનો સંપર્ક કરતાં ગઈકાલ સુધી 154 મિ.મી. અને આજના 13 મિ.મી. જોડાતાં મોસમનો કુલ્લ વરસાદ 167 મિ.મી. થયો છે. આકાશ ગોરંભાયેલું હોવાથી હજુ વધુ વરસાદ પડી શકે તેવી આશા છે. દયાપરના ઐતિહાસિક બાયાંસર તળાવમાં નવાં નીર આવ્યાં છે. કાળી નદીનો પાણી પ્રવાહ પણ ચાલુ થઈ ગયો છે. તાલુકાના મોટા ભાગના તળાવ -ડેમમાં નવાં નીરની આવક શરૂ થઈ ગઈ છે. આખો દિવસ ઝરમર ઝાપટાં સ્વરૂપે ચાલુ રહેલ. વરસાદ દયાપર, વિરાણી, ઘડુલી, માતાનામઢ, દોલતપર, મેઘપર, નરા વિસ્તારમાં અડધો ઈંચ થયો હતો. પાનધ્રો વિસ્તારમાં વરસાદનું પ્રમાણ વધારે હોવાનું ખેડૂતોએ જણાવ્યું હતું.