છગનલાલ ઠક્કર દ્વારા : નખત્રાણા, તા. 7 : ચોમાસાના પ્રથમ અને શુકનવંતા આર્દ્રા નક્ષત્રએ નખત્રાણા તાલુકાના છેવાડાનાં ગામો સુધી શ્રીકાર વર્ષા વરસાવી વિદાય લેતાં આ નક્ષત્ર સાથે રવિવારે આરંભ થયેલા પુનર્વસુ નક્ષત્રે પ્રથમ દિવસે જ સમગ્ર પંથકમાં પાંચથી છ ઇંચથી વધુ વરસાદથી ચોમેર જળબંબાકારની સ્થિતિ સર્જી હતી. મધ્યમ કદના સિંચાઇ ડેમ-તળાવ, ચેકડેમ, નાના-મોટા જળાશય-તળાવો-આડબંધ છલકાયા છે. યાયાવર પક્ષીઓના તીર્થધામ સમાન પર્યટનધામ છારીઢંઢ ઓવરફલો થયો છે. ભીમસરનું ઐતિહાસિક ભીમાણો તળાવ ઓગની ગયું છે. સીમતળમાં નાના-મોટા જળાશયો છલકાઇ જતાં તથા શ્રીકાર વરસાદથી સીમાડામાં વ્યાપક ઊગેલાં ઘાસથી પશુધન માટે પાણી, ઘાસચારો ધ્રોસઠ થતાં પશુપાલક-માલધારી વર્ગમાં ખુશીની લહેર ફરી વળી છે.
ઓગનનાં
નબળાં કામથી ઉચાટ
ભારે
વરસાદથી નાની-મોટી અરલના ઉપરવાસમાં આવેલ ગડાપુઠા ડેમ જેનાં તાજેતરમાં ઓગનનાં થયેલાં
નબળાં કામથી ગામો-વિસ્તારમાં જાનમાલની નુકસાની થવાની ભીતિથી સરપંચ દિલાવરસિંહ જાડેજાએ
નખત્રાણા પ્રાંત અધિકારી કચેરીએ નાયબ કલેક્ટરને ભયજનક ડેમની સૂચના આપી હતી. નખત્રાણા
તા. મથકથી દક્ષિણે બેરૂ, મોસુણા, નારાણપર,
રામપર (રોહા) સમગ્ર વિસ્તારમાં રાત્રિથી સવારે 8 વાગ્યા સુધી 6 ઇંચથી
વધુ વરસેલા વરસાદથી નદી-નાળાંમાં પૂર આવ્યા હતા. રામપર (રોહા)થી નારાણપર આવતા માર્ગમાં
ખુંઇયા નદી, પીરનાં તળાવની નદી બંને નદીઓમાં બે કાંડે પાણી વહેતાં નખત્રાણા
તરફનો માર્ગ બપોરે 11 વાગ્યાથી
બંધ રહ્યો હતો. બંને નદી ઉપર પુલ બાંધવા સમસ્યાગ્રસ્ત ગામોના ગ્રામજનોએ માંગ કરી છે.
વાડી-ખેતર
સરોવરમાં ફેરવાયા
પિયોણી
મહાદેવની નદી ભયસૂચક સપાટીથી પાણી વધુ ઊંચાઇએ વહી નીકળ્યાં હતાં. રોહા-કોટડા (સુમરી), ગંગોણ, માધાપર, મંજલ, સુખપર, વિભાપર, વેરસલપર,
મંગવાણા, પલીવાડ, યક્ષ-દેવપર
સમગ્ર ગામો-વિસ્તારમાં 6-7 ઇંચ
મુશળધાર વરસાદથી વાડી-ખેતરોમાં સરોવર જેવાં દૃશ્યો સર્જાયાં હતાં તેવા રોહાના વેપારી
અરવિંદભાઇ કોઠારીએ અહેવાલ આપ્યા હતા. માધાપર-મંજલ વચ્ચેની નદીના જોશભેર વહેતાં પાણીમાં
માધાપર ગામે બાઇકથી આવી રહેલા યુવાન બાઇક સાથે તણાતાં સદ્ભાગ્યે નદીપટમાં વૃક્ષ સાથે
અડકાતાં તેઓ બચી ગયા હતા તેવું મેઘજીભાઇ ચારણે જણાવ્યું હતું.
ગામો
સંપર્કવિહોણા બન્યાં
જળેશ્વર
મહાદેવ, મોસુણા પાસેની નદી બે કાંઠે વહેતાં રાત્રિથી આજ બપોર સુધી
અન્ય વિસ્તારોથી ગામ વિખૂટા પડયાં હોવાના રઝાકભાઇ મુસાએ સમાચાર આપ્યા હતા. ઘડાણી,
વાલ્કા વિસ્તારમાં પાંચ ઇંચ વરસાદથી નાનાં-મોટાં જળાશયો છલકાયાં છે.
ઘડાણીનું ખેંગાર તળાવ ઓગની ગયું છે તેવું ઇસ્માઇલભાઇ નોતિયારે જણાવ્યું હતું. વિરાણી મોટી, સુખપર,
દેવીસર, ભારાસર, દેવસર,
ઉલટ,રતામિંયા સમગ્ર પટ્ટીમાં છ ઇંચથી વધુ વરસાદ
થયાનું અદ્રેમાન સમેજાએ (વિરાણી)થી જણાવ્યું હતું.
ઘરોમાં
પાણી ઘૂસ્યાં
વિરાણી, ભૂતરાઇ, મફત નગર વિસ્તારમાં અઢીથી ત્રણ ફૂટ પાણી ભરાયાં
હતાં, જે ઘરોમાં ઘૂસ્યાં હોવાનું આશિષ વાઘેલાએ જણાવ્યું હતું.
મફતનગરના વરસાદી પાણીના વહેણ વચ્ચે મકાનોના થયેલાં બાંધકામથી પાણીનો સ્રાવ થાય છે તે
અંગેની ગ્રામ પંચાયતમાં ફરિયાદ કરી હતી. પાણીના વહેણમાં રિક્ષા ફસાઇ હતી. ઝારા,
ઝુમારા, નરા, હાજીપીર,
લુણા, ભટારા, બુરકલ સહિત
સમગ્ર સરહદી પટ્ટીમાં 6થી
7 ઇંચ વરસાદથી માલધારી વિસ્તારના લુણા, ભિટારાના ઘરોમાં પાણી ઘૂસ્યાં હોવાનું ઉમેશ આચાર્યએ કહ્યું હતું.
નખત્રાણામાં
ચોમેર જળભરાવ
નખત્રાણા
શહેરમાં પાંચથી છ ઇંચ વરસેલા વરસાદથી રામેશ્વર-ધોળો તળાવ ઓગની ગયાં છે. અનરાધાર વરસાદથી
મણિનગર, પ્રાંચી વિસ્તારના રહેવાસીઓનાં મકાનની ચોતરફ પાણી ભરાતાં
ઘર બહાર આવવું-જવું મુશ્કેલ બન્યું હતું. મથલના ધરૂડ નદી પરના મથલ ડેમમાં વધુ ચાર ફૂટ
પાણી આવતાં ઓગનવા માટે વધુ અઢી ફૂટ પાણીની આવકની જરૂર છે તેવું ડેમના ઓપરેટર દિનેશભાઇ
મારવાડાએ ફોનથી વિગત આપી હતી. બુરકલ, લુણા, ભિટારા, બન્ની વિસ્તારમાં ભારે વરસાદથી માલધારી લોકોએ
વરસાદના કારણે દુધાળા ઢોરોની દોહાઇ સમયસર કરી શક્યા ન હતા તેવું માલધારી અગ્રણી મલિક
મુતુવાએ જણાવ્યું હતું. વાંઢાય તીર્થધામનું ઐતિહાસિક ઇશ્વરસાગર સરોવર છલકાઇ જવાનો આનંદ
વ્યક્ત કરતાં ઇશ્વર આશ્રમના અગ્રણી રવિલાલભાઇ રામજિયાણીએ ખુશીના સમાચાર આપ્યા હતા.
હાજીપીરનું સોદ્રાણા તળાવ ઓગની ગયાનું તથા બુરકલનું સૈયા તળાવ ઓગની ગયાનું હાજીપીરના
અબ્દુલા બાવાએ જણાવ્યું હતું. તો ઉમર ખત્રીએ જણાવ્યું હતું કે, ગત રાત્રિના 10 વાગ્યે
આવેલ રાત્રિ મેઘા ટ્રેન આખી રાત રોકાયા બાદ સવારના 10 વાગ્યે
પાછી વળી હતી અને જોતજોતામાં અનરાધાર વરસાદ વરસાવી ગઇ હતી.
મંગવાણામાં
વધુ આઠ ઇંચ
એટીવીટી
નખત્રાણાના સદસ્ય ધર્મેન્દ્રગિરિ ગોસ્વામીએ કહ્યું હતું કે, મંગવાણા વિસ્તારમાં રાત્રિ દરમ્યાન 204 મિ.મી.
- 8 ઇંચ સાંબેલાધાર વરસાદ વરસ્યો હતો. મંગવાણાનો મેઘા સાથે
મનમેળ એવો થઇ ગયો છે કે સોમથી સોમ 8 દિવસમાં
21 ઇંચ અધધધ પાલર પાણીનો ધોધ મંગવાણા વિસ્તારના લોકોએ
માણ્યો છે. કનકાવટી, વિજય સાગર, સોનપરી
નદીમાં ઘોડાપૂર આવ્યા હતા. ભડલી, કૂવાથરા, રાણારા, નથ્થરકુઇ, થરાવડા,
અકાદના વિસ્તારમાં મુશળધાર ત્રણ ઇંચ વરસાદથી તળાવો, ડેમો ઓગની ગયા હતા.
અમરસરમાં
ચાર ઇંચ વરસાદ
ગજણસર
ડેમમાં 8 ફૂટ પાણી આવ્યાનું માજી ઉપસરપંચ
વેરશી આહીરે કહ્યું હતું. દેવીસરના વેપારી શૈલેશ આઇયાએ રાત્રિ દરમ્યાન 3થી ચાર ઇંચ પાણી પડયું હતું. ભીમસર, હીરાપર, ઉલટ, ગોધિયાર પંથકમાં પણ
વરસાદના વાવડ છે. ભૂખી નદીમાં જોરદાર પાણીનો પ્રવાહ બાજુના પુલ પાસેથી ધસમસતો જતો હતો.
લક્ષ્મીપર, બાડિયા, બાડિયારા, ખીરસરા વિસ્તારમાં ગતરાત્રિ દરમ્યાન પાંચ ઇંચ વરસાદના સમાચાર વિજય સીજુએ આપ્યા
હતા.
નદીઓમાં
ઘોડાપૂર
સરપંચ
વાલાભાઇ આહીર, ઉપસરપંચ જગદીશસિંહ સોઢાએ ગતરાત્રિ દરમ્યાન ચાર ઇંચ વરસાદથી
ધામાય નાની-મોટી, ચરાખડા, જતાવીરા વિસ્તાર
તરબોળ થયા હતા. ત્રિવેણી સંગમ ધરાવતી નદીઓ વોરિયાણ, ધામાય,
ચરાખડામાં પૂર આવ્યું હતું. મોટી વિરાણી, નાની
વિરાણી, રામેશ્વર, સુખપર, પખડો વિસ્તારમાં પાંચ ઇંચ વરસાદના વાવડ વર્ષા માપયંત્રને માપીને સદામ સમેજાએ
આપ્યા હતા. છ ઇંચ વરસાદ સાંગનારા, ગોડજીપર, પતરી વિસ્તારમાં પડયાના વાવડ પંચાયતના વરસાદ માપકના આધારે સરપંચ શંકરભાઇ લિંબાણીએ
આપ્યા હતા. ઉગેડીના સરપંચ કરણભાઇ રબારીએ ઉગેડી, મોરાય પંથકમાં
પાંચ ઇંચ પાણી વરસ્યાના અહેવાલ આપ્યા હતા. જિંજાય, ગુંતલી,
ઐયર વિસ્તારમાં ચાર ઇંચ વરસાદ પડયો હતો એવું સરપંચ નારાણભાઇ ચાવડાએ કહ્યું
હતું. ઉખેડા સરપંચ તુષાર ગોસ્વામીએ કહ્યું હતું કે, ઉખેડા પંથકમાં
રાત્રિથી સવાર સુધી 12 કલાકમાં
છ ઇંચ વરસાદ વરસતાં આજુબાજુની નદીઓમાં ઘોડાપૂર આવ્યાં હતાં.
નાની
બન્નીના માલધારીઓ મોજમાં
તલ, લૈયારી, ફુલાય, વેડહાર,
પૈયા વિસ્તારના માલધારીઓ વરસાદની મીઠી મોજ માણી હતી. જારજોકથી શિવુભા
જાડેજાએ કહ્યું હતું કે, જારજોક, દનણા,
ભોજરાજવાંઢ, રોહા, કોટડા,
ભિટારા વિસ્તારમાં સાંબેલાધાર 8 ઇંચ વરસાદ થતાં નદી-વોકળા-છેલામાં પાણી વહી નીકળ્યાં
હતાં. નરેડીથી કોટડા અને ભિટારાથી નરેડી રસ્તામાં ભંગાણ પડયાનું શ્રી જાડેજાએ જણાવ્યું
હતું. મંજલ-તરા-લક્ષ્મીપર વિસ્તારમાં દસ કલાકમાં 9 ઇંચ
વરસાદ વરસતાં તરા ડેમ પોતાના ઓગનની સપાટીથી સાડા ત્રણ ફૂટ ઉપરથી ઓવરફલો થઇ રહ્યો છે
આવું નજીકના સમયમાં જોવા નથી મળ્યું એવા વાવડ મંજલના હકુમતસિંહ જાડેજાએ આપ્યા હતા.
ઢોરો, લુડબાય, મુરૂ, વજીરાવાંઢ, સમેજાવાંઢ, હજીરિયાવાંઢ
વિસ્તારમાં ત્રણ ઇંચ વરસાદના વાવડ અતાઉલ્લાહ મુતવા અને યાકુબ મુતવાએ આપ્યા હતા.
કોટડા
જડોદર વિસ્તારમાં છ ઇંચ
કોટડા
જડોદરમાં કાચા સોના જેવા વરસાદના કારણે ભારે પાણીની આવના કારણે ગામના મુખ્ય માર્ગ પુલિયા
ઉપરથી પાણી વહી નીકળ્યાં હતાં. ગઇરાત્રિએ છ ઇંચ જેટલા પડેલા વરસાદના કારણે અગાઉના 16 ઇંચ અને આજના છ ઇંચ સાથે મોસમનો કુલ વરસાદ 22 ઇંચ જેટલો નોંધાયો હતો. આજે ગામની ત્રણેય શાળાઓમાં
વરસાદના કારણે રજા રાખવામાં આવી હતી. નાના ધંધાર્થીઓ મહદઅંશે બંધ રહ્યા હતા, જેનાથી લોકોની અવરજવર ઓછી જોવા મળી હતી તેવું અશ્વિન ઠક્કરના અહેવાલમાં જણાવાયુ
હતું.
વિથોણ
પંથકમાં સાડા છ ઇંચ
પ્રતિનિધિ
શાંતિલાલ લિંબાણીના અહેવાલ મુજબ વિથોણ પંથકમાં સાડા છ ઇંચ વરસાદથી આખો પંથક જળમગ્ન, ડેમ-તળાવો ઓગની ગયા, ભોયડ નદી જોશભેર વહી નીકળી,
પંથકનો અધોછની ડેમ ઓગની ગયો, વિથોણનું સંત સરોવર
છલકાયું. વરસાદને કારણે જૂના બાંધા તૂટી ગયા હતા જેને કારણે અનેક વાડીઓ તેમજ રસ્તાના
ધોવાણ થયા છે તેવું ખેડૂતોએ જણાવ્યું છે. દેવપરના ખેડૂત દિનેશભાઇ ભીમાણી અને ચાવડકાના
ખેતુભા જાડેજાએ ચાવડકા ડેમ છલકાવવાના આરે હોવાનું કહેતાં ભારે વરસાદને કારણે દિવેલા
અને કપાસના કુમળા છોડ ઉપર માઠી અસર થઇ છે. પુંઅરેશ્વર નજીકની વેદડી નદી પૂરજોશમાં વહી
હતી જેના કારણે પ્રખ્યાત પાલરધુનાનો ધોધ વહી નીકળ્યો હતો. જળબંબોળથી પાતાળી રસાંગથી
બોર-કૂવામાં રિચાર્જ થશે અને પાતાળી જળમાં સુધારો થશે તેવું ખેડૂતો દ્વારા જણાવવામાં
આવ્યું છે. વિથોણ, ભડલી, થરાવડા,
મોરઝર, આણંદસર, રાણારા,
અધોછની, દેવપર, સાંયરા,
સુખસાણ, ધાવડા, ચાવડકા,
લાખિયારવીરા, મોરગર, યક્ષ,
પલીવાડ, આણંદપર, લાખાડી,
આણંદસર (મં.), મણિપર, કલ્યાણપર,
લક્ષ્મીપર વિગેરે વિસ્તારોમાં સચરાચર વરસાદ થયો છે.