ભુજ, તા. 7 : આજે
બપોરે મિત્ર સાથે રુદ્રમાતા ડેમમાં માછલી પકડવા ગયેલા ભુજના 42 વર્ષીય યુવાન ભૂપેન્દ્રસિંહ ઉર્ફે સોનું ધુરેસિંહ કુશ્વાહનો
પગ લપસતાં તે ડેમનાં પાણીમાં ડૂબીને મોતના મુખમાં ધકેલાયો હતો. આ અંગે માધાપર પોલીસ
મથકે જાહેર થયેલી વિગતો મુજબ ભુજના મહિલાશ્રમ પાસેના ગીતા કોટેજિસમાં રહેતા ભૂપેન્દ્રસિંહ
તેના મિત્ર કુમારસિંહ સાથે આજે બપોરે રુદ્રમાતા ડેમમાં માછલી પકડવા ગયો હતો. ત્યાં
માછલી પકડવા દરમ્યાન ભૂપેન્દ્રસિંહનો પગ લપસતાં તે ડેમનાં પાણીમાં ડૂબી ગયો હતો. તેને
પાણીમાંથી બહાર કાઢી સારવાર અર્થે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં લઇ અવાતાં ફરજ પરના
તબીબે મૃત જાહેર કર્યો હતો. માધાપર પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી કાર્યવાહી આદરી
છે.