• મંગળવાર, 08 જુલાઈ, 2025

ભુજવાસીઓએ માણી મોજીલી મેઘસવારી

ભુજ, તા. 7 : અત્યાર સુધી ત્રુટક-ત્રુટક મેઘકૃપા પામેલા ભુજમાં ગત રાતથી લઈ આજે સવાર સુધી વરસેલી મોજીલી મેઘકૃપાએ મેઘોત્સવનો માહોલ સર્જ્યે હતો. રાત્રિ દરમિયાન સાડા ત્રણ ઈંચ સાથે જિલ્લા મથકે 24 કલાકમાં સાડા પાંચ ઈંચ જેટલા ભારે વરસાદે જળ બંબાકારની સ્થિતિ સર્જી હતી. સાડા પાંચ ઈંચની મેઘમહેર સાથે મોસમના કુલ વરસાદનો આંક 13 ઈંચને પાર થયો છે. હમીરસર તળાવમાં ઠલવાયેલી જલરાશિને નિહાળવા શહેરીજનો ઊમટયા હતા.

આખી રાત વરસી મેઘકૃપા

રવિવારે રાત્રે આઠ વાગ્યાથી ક્યારેક ધીમી, તો ક્યારેક ધોધમાર અંદાજમાં આખી રાત મેઘસવારીનો આનંદ ભુજવાસીઓએ માણ્યો હતો. ગત રાત્રે બાર વાગ્યા સુધી બે ઈંચ વરસાદ બાદ રાત્રિના એકથી લઈ પરોઢે પાંચ વાગ્યા સુધી એકધારો ધોધમાર વરસાદ વરસતાં વધુ ત્રણ ઈંચની મહેર થઈ હતી, તો આજે દિવસ દરમિયાન વધુ અડધા ઈંચ સાથે 24 કલાકમાં સાડા પાંચ ઈંચ વરસાદ નોંધાયો હતો.

ઠેર ઠેર જળ ભરાયાં

ભારે વરસાદનાં પગલે ભુજમાં બસ સ્ટેશન રોડ, જ્યુબિલી સર્કલ, વાણિયાવાડ, મહેરઅલી ચોક, કોલેજ રોડ, જયનગર ત્રણ રસ્તા સહિતના વિસ્તારમાં ઘૂંટણ સુધી પાણી ભરાયાં હતાં. નગરપાલિકાની ટીમ પાણી નિકાલ માટે કામે લાગી હતી. વરસાદનાં કારણે સવારના ભાગે શાળામાં બાળકોની હાજરી ઓછી જોવા મળી હતી. કેટલીક શાળાઓ દ્વારા રજા જાહેર કરાઇ હતી.

હમીરસરમાં પાણીની મબલક આવક

શહેરની શોભા સમાન હમીરસર તળાવમાં ઉપરવાસમાં વરસતા ભારે વરસાદથી પાણીની મબલખ આવક થઇ હતી. છતરડીવાળું તળાવ ભરાઇ જવા સાથે હવે આ તળાવ કયારે ઓગનશે તેની ઉત્સુકતા લોકોમાં જોવા મળી હતી. હમીરસર અને મોટો બંધ નિહાળવા લોકો ઊમટયા હતા.

રેલવે સ્ટેશન પાસે હાલાકી યથાવત્

ભારે વરસાદનાં કારણે રેલવે સ્ટેશન વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા યથાવત્ રહી હતી. પાણીના પ્રવાહમાં વાહનો ફસાઇ જવાના બનાવ બન્યા હતા. એક માર્ગ પર અવરજવર બંધ કરી પાણી નિકાલની કામગીરી કરવી પડી હતી. દરમ્યાન સાર્વત્રિક વરસાદના પગલે ધુનારાજા ડેમ પણ ઓવરફલો થયો હતો.

પચ્છમમાં કાચું સોનું વરસ્યું

ગઈ રાત્રે  પરછમ વિસ્તારમાં પુન: એકવાર મેઘરાજાનું આગમન થતાં મુખ્ય મથક ખાવડામાં બે ઇંચ, આજે સવારથી બપોર સુધી અડધો ઇંચ, જુણા, જામ કુનરિયા, તુગા વગેરે ગામોમાં લગભગ દોઢેક ઇંચ વરસાદ વરસ્યો હતો, તો પાસી વિસ્તારના ખારી, ગોળપર, અંધવ, દદ્ધર, સાધારા વગેરે ગામોમાં પણ દોઢેક ઇંચ વરસાદ થયો છે. કાળા ડુંગર પર પણ ગઈ રાત્રે લગભગ દોઢેક ઇંચ  વરસાદના સમાચાર દત્ત મંદિરના રણજિતાસિંહએ આપ્યા જ્યારે કુરન, ધ્રોબાણા, મોટા, વગેરે ગામોમાં એકાદ ઇંચ વરસાદ હોવાનું અગ્રણી શરૂપાજી સોઢાએ જણાવ્યું હતું, જ્યારે આજે સવારથી આકાશમાં વાદળછાયાં વાતાવરણમાં અંધકાર છવાયેલો છે અને આખા વિસ્તારમાં લગભગ ઝરમર ઝરમર છાંટા ચાલુ હોવાનું જાણવા મળ્યું હતું. હાલમાં જેટલો વરસાદ  ગાજવીજ વગર બિલકુલ સૌમ્ય સ્વરૂપે  પડ્યો છે અને બધો જ જમીનમાં ઉતર્યો છે તે કાચા સોના સમાન ગણાય. નેસ-નવાણે નવાં નીરથી માલધારીઓ અને ખેડૂતો ખુશખુશાલ થઇ ગયા હોવાનું હીરાલાલ રાજદેએ યાદીમાં જણાવ્યું હતું.

કુકમાનું તળાવ ઓગનતાં ખુશીની લહેર

ગઇકાલે રાત્રિના ધીમા, શાંત પણ સતત વરસતા વરસાદ બાદ કુકમા ગામનું તળાવ ઓગનતાં ગામલોકોમાં ખુશીની લહેર છવાઇ હતી. આવતીકાલે સવારે શુભમુહૂર્તે તળાવ શાત્રોક્ત વિધિથી વધાવાશે તેવું જણાવાયું હતું. ઉપસરપંચ ભરતસિંહ સોઢા, ઉત્તમ રાઠોડ વિ. અગ્રણીઓ દ્વારા ઓગનનું નિરીક્ષણ કરાયું હતું.

પાલારાનો સીમાડો પાલર પાણીથી તરબતર

સોમવારે રાત્રે આઠેક વાગ્યાની આસપાસ શરૂ થયેલી મેઘવર્ષા આખી રાત રોકાઇ જતાં ભુજની ભાગોળે આવેલો પાલારાનો સીમાડો પાલર પાણીથી તરબોળ થઇ ગયો હતો. પાંચેક ઇંચ પડેલા વરસાદથી સીમના મોટા જળાશયો રામેશ્વર, ઝૈફપીર, ચાંદારાદાદા અને પ્રિન્સ ઓગની જતાં ખેડૂતો, માલધારીઓ અને શિવભક્તોમાં ખુશી છવાઇ ગઇ છે. ઉપરવાસમાં વરસાદનાં કારણે અહીં પસાર થતી બે ખારી નદીમાંથી પણ જોશભેર પાલર પાણી રુદ્રમાતા ડેમ તરફ વહ્યાં હતાં. સીમાડાના ખેતરોમાં પાલર પાણી ભરાઇ ગયાં છે. અષાઢ મહિનામાં રામેશ્વર તળાવ ઓગની જતાં શ્રાવણ મહિનામાં શિવજીને અભિષેક કરવા આવતા દર્શનાર્થીઓમાં વિશેષ આનંદની લાગણી વ્યાપી ગઇ હતી. જ્યાં નજર પડે ત્યાં પાલર પાણીના દર્શન થઇ રહ્યાં હોવાનું વસંત અજાણીએ યાદીમાં જણાવ્યું હતું.

દહીંસરા પંથકમાં મેઘવૃષ્ટિ

આ વિસ્તારમાં દિવસ દરમ્યાન દોઢ ઇંચ તેમજ રાત્રે સાડા ત્રણ ઇંચ જેટલો વરસાદ વરસતાં પંથકના લોકોમાં ખુશી છવાઇ હતી. સવારથી ભારે વરસાદ બાદ હળવો વરસાદ ચાલુ રહ્યો હતો. આભમાંથી છ ઇંચ જેટલું પાણી વરસતાં ચુનડી રસ્તા પર આવેલ નાનજી તલાવડી, નામોરાઇ તળાવ ઓગની જતાં આનંદ ફેલાયો હતો. ગામના મુખ્ય હરિ સરોવરમાં નવાં નીર આવ્યાં હતાં. ચુનડીનું રામસાગર ઓગનવાની તૈયારીમાં હોવાનું નરેન્દ્ર ચૌહાણે જણાવ્યું હતું.

Panchang

dd