ભુજ, તા. 29 : ગોવામાં દેશ-વિદેશના ખેલાડીઓ માટે યોજાતી
70.3 માઇલની અત્યંત કઠિન, આયર્નમેન સ્પર્ધાનું તાજેતરમાં ગોવામાં સમાપન થયું હતું,
જેમાં દેશ-વિદેશના 1100 કરતાં પણ વધારે હરીફો સાથે કચ્છના એક અને એકમાત્ર અક્ષત મહેતા
જોડાયા હતા અને પ્રથમ પ્રયત્ને નિયત સમય કરતાં 50 મિનિટ વહેલું લક્ષ્ય પૂર્ણ કરી કચ્છનું
ગૌરવ વધાર્યું હતું. તાજેતરમાં ગોવામાં પડકારરૂપ વાતાવરણ અને રસ્તામાં યોજાયેલ આ અત્યંત
કઠિન 70.3 માઇલની આ સ્પર્ધામાં 1.90 કિ.મી. સમુદ્રમાં તરવું, 90 કિ.મી. સાઇકલિંગ અને
21 કિ.મી. દોડ બધું જ એક પછી એક ઉપરા-ઉપરી કરવાનું હોય છે. આ સ્પર્ધામાં દેશ-વિદેશના
1100 કરતાં પણ વધારે હરીફો જોડાયા હતા, જેમાં કચ્છના એકમાત્ર અક્ષત મહેતાએ જોડાઇ આ
સ્પર્ધા 8.30 કલાકના બદલે 7.40 કલાકમાં એટલે કે, 50 મિનિટ વહેલા પૂર્ણ કરી ઝળહળતી સફળતા
સાથે કચ્છનું નામ રોશન કર્યું હતું. અક્ષત મહેતા નાનપણથી જ રમત-ગમતમાં વિશેષ રસ ધરાવે છે. લોન ટેનિસ તેમની
મુખ્ય પસંદ છે. તાજેતરની સ્પર્ધા માટે તેમણે સતત ત્રણ માસ કરેલી સખત મહેનતના ફળ સ્વરૂપે
પ્રથમ ટ્રાયલમાં જ સમયમર્યાદાથી 50 મિનિટ વહેલી સ્પર્ધા પૂર્ણ કરી સફળતા મેળવી હતી.
તરણની તાલીમ આપનારા જયેન્દુ શુક્લ, ટેનિસ કોચ એલેકસ ગોમ્સ અને માસ્ટર ટેનિસ એકેડેમીના
યોગેશ જોશીએ અક્ષતને અભિનંદન આપ્યા હતા. અક્ષત મહેતા ભુજના જૈન અગ્રણી દલીચંદભાઇ મહેતાના
પૌત્ર તથા કે.ડી. ગ્રુપના માલિક કૈલાસ મહેતાના પુત્ર છે. કે.ડી. મોટર્સનો વ્યાપાર સંભાળે
છે.