ભુજ, તા. 29 : ધનતેરસની પૂર્વ સંધ્યાએ જ છ હજારનાં ભાવે સસ્તાં સોનાંની લાલચ આપી `િશકાર'ની તલાશમાં નીકળેલા મૂળ કોટડા (જ.)
હાલે માધાપર રહેતા અમિતકુમાર અમૃતલાલ સોનીને ભુજના મોટાપીર દરગાહ રોડ પાસેથી નકલી સોનાંનાં
16 બિસ્કિટ સાથે એલસીબીએ ઝડપી પાડયો હતો. અમિતકુમાર વિરુદ્ધ અગાઉ પણ આવી જ રીતે નકલી
સોનું પધરાવી દેવાના બે કેસ પોલીસ મથકે નોંધાઇ ચૂક્યા છે. એલસીબીના પીઆઇ એસ.એન. ચૂડાસમા
તથા પીએસઆઇ ટી.બી. રબારીનાં માર્ગદર્શન હેઠળ સ્ટાફના હે.કો. મયૂરધ્વજસિંહ જાડેજા, રણજિતસિંહ
જાડેજા, મહિપાલસિંહ રાજપુરોહિત તથા સુનીલભાઇ પરમાર
ગઇકાલે પેટ્રોલિંગમાં હતા, ત્યારે રણજિતસિંહ તથા મહિપાલસિંહને સંયુક્ત ખાનગી બાતમી
મળી હતી કે, અમિતકુમાર અમૃતલાલ સોની (રહે. મૂળ શાત્રીનગર કોટડા-જ. હાલે માધાપર) ભુજમાં
એરપોર્ટ રિંગરોડથી મોટાપીર દરગાહ રોડ તરફ સસ્તું સોનું વેચાણે આપવાની લાલચ આપી કોઇને
છેતરવાના ઇરાદેથી પીત્તળ જેવી ધાતુના લંબચોરસ બિસ્કિટને અસલ સોનાંનાં બિસ્કિટ તરીકે
ખપાવી છેતરપિંડીના ઇરાદાથી સ્વિફ્ટ કાર નં. જી.જે. 12 એ.ઇ. 4303વાળીથી આવે છે. આ બાતમીના
આધારે આરોપી અમિતકુમારને પીત્તળ જેવી ધાતુનાં નકલી સોનાંનાં બિસ્કિટ નંગ-16 જેના ઉપર
100 ગ્રામ સ્વિત્ઝરલેન્ડ લખેલું હતું. આરોપી અમિતકુમારની પ્રાથમિક પૂછતાછમાં તે છ હજાર
રૂપિયાના ભાવે કોઇ ગ્રાહક મળે તો આ બિસ્કિટ પધરાવી દેવાની ફિરાકમાં હતો, પરંતુ તેનો
મનસૂબો પાર પડે તે પહેલાં જ એલસીબીએ ઝડપી પાડયો હતો. કાર, મોબાઇલ અને નકલી સોનાંનાં
બિસ્કિટનો મુદ્દામાલ જપ્ત કરી અમિતકુમાર વિરુદ્ધ
એ-ડિવિઝન પોલીસ મથકે વિવિધ કલમો તળે
ગુનો દાખલ કરાયો છે. નોંધનીય છે કે, આ આરોપી અમિતકુમાર છેતરપિંડીનો રીઢો ગુનેગાર છે.
ત્રણ વર્ષ પૂર્વે તેની વિરુદ્ધ ભુજ એ-ડિવિઝનમાં
અને મહેસાણાના વિસનગરમાં નકલી સોનાંનાં બિસ્કિટ ધાબડી ઠગાઇ કર્યાના ગુના નોંધાયેલા
છે. આ ઉપરાંત અંતરંગ વર્તુળો પાસેથી મળેલી જાણકારી મુજબ અગાઉ નખત્રાણા બાજુ નકલી નોટોના
કાંડમાં પણ તેની સંડોવણીના વાવડ આવ્યા હતા.