• બુધવાર, 30 ઑક્ટોબર, 2024

મંદી-મોંઘવારીના માર વચ્ચે ગઢશીશાની બજારમાં મિશ્ર માહોલ

જિજ્ઞેશ આચાર્ય દ્વારા : ગઢશીશા, તા. 29 : મંદી અને મોંઘવારીના માર  વચ્ચે ગઢશીશા પંથકમાં  હજુ જોઇએ તેવી ઘરાકી ન જામતાં દિવાળી પર્વે બજારમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે. પંથકમાં બજારનો દિવાળી માહોલ મિશ્ર જોવા મળી રહ્યો છે.?ખેડૂતો વાડી-ખેતરોમાં ખેતીકામમાં વ્યસ્ત છે. સતત પડતા વરસાદ વચ્ચે પાક  લણે છે. હલર મશીનો ચાલુ છે, પરંતુ સમયસર રૂપિયા હાથમાં ન આવતાં બજારમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. તો અમુક લોકો સતત દિવાળી વગર પણ ઇલેકટ્રોનિક  વસ્તુ કે દ્વિચક્રી કે ફોર વ્હીલરની લોનના હપ્તા અને મોંઘવારીના માર વચ્ચે આર્થિક તંગી અનુભવતા બજારમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળે છે. ભુજ-માંડવી બાદ સમગ્ર પંથકની સૌથી મોટી બજાર ગઢશીશાની ગણાય છે. અહીં તમામ વસ્તુ ઉપલબ્ધ છે, પરંતુ મીઠાઇ, ફટાકડા, કાપડ, ફૂટવેર, કટલેરી, ઇલેકટ્રોનિક વસ્તુ કે અન્ય વેપારી ગ્રાહકોની રાહમાં છે, તો સોનાં-ચાંદીમાં આવેલા વૈશ્વિક ભાવવધારાનાં કારણે ગ્રાહકોની આંખો પહોળી થઇ ગઇ છે. સરકારી કર્મચારી વર્ગ બોનસ મેળવી વતન તરફ પ્રયાણ કરતાં બજારમાં તેમની ખોટ પણ વર્તાય છે. સામાજિક ધોરણે મીઠાઇ... લોકોને સસ્તી અને સારી ગુણવત્તાવાળી મીઠાઇ આપવાના હેતુસર ગઢશીશા પંથકના મોટાભાગનાં ગામોમાં સામાજિક ધોરણે મીઠાઇ-ફરસાણનું ન નફો - ન નુકસાનના ધોરણે વેચાણ કરાતાં મીઠાઇના વ્યવસાય પર પણ અસર જોવા મળી રહી છે. તો, ગઢશીશા હાઇસ્કૂલમાં એક જ જગ્યાએ સુરક્ષાને ધ્યાનમાં રાખી?ફટાકડા બજારનું નિર્માણ કરાયું છે, તો પંથકનાં નાનાં-નાનાં ગામડાંઓમાં પણ ફટાકડાનું વેચાણ જોવા મળી રહ્યું છે. મગફળીનો ભાવ ઘટતાં ખેડૂતો ચિંતિત ખેતીવાડીનો મુખ્ય વ્યવસાય ધરાવતા આ પંથકમાં નવરાત્રિ સુધી વરસાદ પડયો અને મગફળી કાઢ્યા બાદ પણ વરસાદ પડતાં ખેડૂતવર્ગ નુકસાનીમાં હતો, ત્યાં મગફળીનો ધાર્યો ભાવ ન આવતાં ખેડૂતવર્ગ ચિંતામાં છે. દિવાળી ઉંબરે ઊભી છે. કદાચ બે દિવસમાં બજારમાં ભીડ જોવા મળે તેવી વેપારીઓ આશા રાખી રહ્યા છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang