• બુધવાર, 30 ઑક્ટોબર, 2024

35 ગામના મથક કોટડા (ચ.)માં જામ્યો દીપોત્સવનો રંગ

ફકીરમામદ ચાકી દ્વારા : કોટડા (ચ.) (તા. ભુજ), તા. 29 : મોંઘવારી હોય કે આર્થિક તંગી પણ દિવાળીના તહેવારોમાં અમુક ચોક્કસ ખરીદી તો કરવી જ પડે. ત્રીસથી પાંત્રીસેક ગામડાંના પંથક કોટડા (ચ.) વિસ્તારનું ખરીદી સ્થાન `કોટડા ચકાર' છે. અહીં વિવિધ ચીજવસ્તુઓ-જણસો વેચતા દુકાનાદારોથી વાત થઈ તો તેમણે ગામઠીમાડુ દિવાળીના તહેવારોમાં નવાં વત્રો, મીઠાઈ  અને બાળકો માટે ફટાકડા સાથે રંગોળી પૂરવા વિવિધ રંગો અને કુંભાર ચાકડે તૈયાર થયેલા દીવડા (દીવા) તેમજ વિવિધ માટીમાંથી બનેલી પ્રકાશપર્વમાં વપરાતી ચીજવસ્તુઓ તો ખરીદે જ છે.  અધધધ ભાવોનાં કારણે શુકન સાચવવા કઠિન બન્યા છે, તો પણ બેસતા વર્ષના શુભારંભે દોઢ-બે ગ્રામની કોઈ વસ્તુ તેમજ ચાંદીનો સિક્કો તો ખરીદવાનું ચલણ આજે પણ ગામડાંઓના ખેડૂતો, જમીનદારો, વેપારીઓ, ખાધેપીધે સુખી કુટુંબોએ પોતાના પુરખાઓની પરંપરા જાળવી રાખી છે. જાણીતા વિવિધ જાતની મીઠાઈ - પકવાન અને આ વિસ્તાર તેમજ  ત્યાં જાણીતા વડા, ફાફડા, જલેબી તેમજ 30થી 35 જાતની વિવિધ માવા-મલાઈ જેવી મીઠાઈના નિષ્ણાત ભીખાભાઈ પ્રજાપતિ, ભાવેશ પ્રજાપતિ કહે છે કે, દિવાળીના મહાપર્વ પ્રસંગે અરસપરસ બારેમાસ મીઠાશ રહે તે માટે વિવિધ મીઠાઈઓની આપ- લેની સદીઓ જૂની પરંપરા આજે પણ યથાવત્ છે. મીઠાઈનાં પેકેટ-  બોક્સના અગાઉથી ગ્રાહકો ઓર્ડર આપતા હોવાનું ઉદય પ્રજાપતિએ જણાવ્યું હતું. વર્ષો જૂની સોનાં-ચાંદીની દુકાન ધરાવતા આ પંથકના આ ક્ષેત્રના વેપારી મુકેશભાઈ સોની,  કીર્તિભાઈ સોની કહે છે કે, સોનાંના આસમાનને આંબતા ભાવોનાં કારણે ગામડાંઓમાં સોનું કે સોનાંના કોઈ દાગીના ખરીદવા જોઈએ, પણ આ વર્ષે એક-દોઢ કે બે ગ્રામ સોનાંના દાગીના તેમજ દસથી વીસ ચાંદીના સિક્કા લોકો ખરીદે છે. દિવાળીનો તહેવાર હોય ને ઘરની વાનરસેના (બાળકો) ફટાકડા વગર આ મહાતહેવાર ઉત્સવને ઓળખે જ નહીં. વિવિધ જાતના ફટાકડા, ફૂલઝરી, રોકેટ, બોમ્બ, ભીતભડાકા, ટોટી પિસ્તોલ નામના ફટાકડા તો દરેક ઘર-કુટુંબ - પરિવારને જાણે ફરજિયાત ખરીદવા જ પડે, તેમ પ્રકાશ મહેશ્વરી ફટાકડાના વેપારી કહે છે.  હવે વાત નવા રંગબેરંગી વત્રોની. દરેક કુટુંબના નાના- મોટા નવા વર્ષના શુભ દિવસે જેવી જેની આર્થિક શક્તિ તે પ્રમાણે વત્રો તો ખરીદે જ તેમજ રેડીમેડ કપડાંના વેપારી ખુમાનસિંહ જાડેજા સાથે વિશાલ શેઠિયાએ કહ્યું હતું કે, હા, હવે દીવડા ઝગમગ થાય તો ગામઠી કુંભારની હસ્તકળાથી બનેલા વિવિધ પ્રકારના દીવડાઓ-દીપમાલા તેમજ માટીના દિવાળીના વિવિધ હાથલડી તેમજ અન્ય માટીની વેરાઇટીઓ કુંભાર પરિવારની બહેનો તેમના પરંપરાગત ખરીદદાર કુટુંબોને ઘેર ઘેર આપવા જાય અને ચીજવસ્તુઓની કિંમત સાથે દિવાળીની ભેટ પણ લઈ આવે, આવી છે ગામઠી મહાઉત્સવના દિવસોની પરંપરાઓ જે આજે પણ ચાલુ છે.  તૈયાર વત્રોનું ચલણ વધી ગયું હોવાથી ઓનલાઈન મનમાન્યા વત્રો સાથે ચીજવસ્તુઓ મગાવવાનું પણ ચલણ વધ્યું હોવાનું ખુમાનસિંહે કહ્યું હતું. વિવિધ મોડેલોના મોબાઈલ ફોન પણ ઓનલાઈન મગાવવાનું સામાન્ય હોવાનું નૈશદ ઠક્કર તેમજ મનહરસિંહ જાડેજા કહે છે. આ વર્ષે વિવિધ કંપનીઓના નવા ડિઝાઈનના મોબાઈલ ગામઠી લોકો મગાવતા હોય જેથી સ્થાનિક વેપારીઓની ઘરાકી નહીંવત છે.  નવાં વર્ષના દીપોત્સવી તહેવારોમાં નવાં વત્રો, ફટાકડા, મીઠાઈઓ ઉપરાંત રંગોળીના વિવિધ કલરો, નવાં ઘરની શોભા માટેના ફર્નિચરો, કલાસભર દીવડા અને દીપમાલાઓ પણ લોકો મોટેપાયે ખરીદે છે. એ રામ, રામ કહી...! લ્યો દિવાળીની બક્ષિસ, તહેવારોના રાજા એવા પ્રકાશના મહાપર્વોના અવસરે ગામડાંઓમાં ખેતી આધારિત, લુહાર, દરજી, ધોબી, નાઈ, સુથાર, કુંભાર, ખેતીવાડીમાં કામ કરનારા, નોકર-ચાકર, ગાયોના ગોવાળ, ચોકીદાર, ઘરકામ કરતા નોકરો સહિતના કમી-કસબીઓ અને મિત્રો- સંબંધીઓ તમામને આ તહેવારોમાં તેમના વડેરાઓ તરફથી ભેટ-સોગાદમાં રોકડ પૈસા, મીઠાઈ, વત્રો તેમજ ચીજવસ્તુઓની ભેટ મળતી હોય છે. આ વર્ષે સારો અને શ્રીકાર વરસાદ થતાં ખેડૂતો-તેમના ખેતમજૂરો અને ભાગીદારીથી ખેતીકામ કરતા શ્રમજીવી ભાગિયાઓને પણ નવા વર્ષનું વળતર આપતા હોય છે, તો આર્થિક નબળા મિત્રોને પણ મદદરૂપ થવાનો આ ઉત્સવ અવસરમાં પલટી જતો હોય છે.  

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang