• બુધવાર, 30 ઑક્ટોબર, 2024

દેશે ધનતેરસ ઊજવી : 60 હજાર કરોડનો વેપાર

નવી દિલ્હી, તા. 29 : મોંઘવારી, અતિવૃષ્ટિ, અકસ્માતો, હોનારતોની પીડા વચ્ચે વિક્રમ સંવત 2080ના અસ્ત અને નવાં વર્ષના ઉદય વચ્ચે આવી રહેલા દિવાળી પર્વોની ધનતેરસ સાથે દેશમાં ઉલ્લાસમય ઉજવણી શરૂ થઇ ચૂકી છે અને દેશભરમાં ધનતેરસે ઊંચા ભાવની રાડ છતાં સુવર્ણ અને રજત સહિતની ખરીદી માટે લોકોએ ઊમટી પડી ધૂમ ખરીદી કરી હોવાના અહેવાલ છે. સોનાં-ચાંદી ઉપરાંત વાહનો, તાંબા-પિત્તળના વાસણ સહિતની પણ ભારે ખરીદી કરાઇ હોવા સાથે ધનતેરસે દેશભરમાં 60 હજાર કરોડ રૂપિયાના વ્યાપારનું અનુમાન છે. 20 હજાર કરોડ રૂા.નું સોનું અને 2500 કરોડની ચાંદી ખરીદાઇ હતી. કન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ (કેટ)ના રાષ્ટ્રીય મહામંત્રી અને દિલ્હીના ચાંદનીચોકના સાંસદ પ્રવીણ ખંડેલવાલે જણાવ્યું હતું કે, ધનતેરસના પ્રસંગે દેશભરમાં આશરે 60 હજાર કરોડના વેપારનું અનુમાન છે. બીજી તરફ દિવાળી તહેવારોમાં `વોકલ ફોર લોકલ'નાં દર્શન બજારોમાં સંપૂર્ણ રીતે જોવા મળી રહ્યા છે. કેમ કે, લગભગ તમામ ખરીદારી ભારતીય સામાનોની જોવા મળી રહી છે. અન્ય એક અનુમાન અનુસાર દિવાળીથી જોડાયેલા ચીની સામાનનું વેચાણ ન થવાથી ચીનને આશરે એક લાખ પચ્ચીસ હજાર કરોડનો ફટકો લાગ્યો છે. ખંડેલવાલ આવતીકાલે ભાજપ કાર્યકર્તાઓ અને વ્યાપારી નેતાઓની સાથે ચાંદનીચોકમાં કુંભારો પાસેથી માટીના દીવડા અને માટીથી બનેલા સુશોભન સામાનોની ખરીદી કરી `વોકલ ફોર લોકલ' ઝુંબેશમાં જોડાશે. કેટના દિલ્હી સહિત તમામ રાજ્યના વ્યાપારી પદાધિકારી પણ પોતપોતાના શહેરમાં કુંભારો અને સ્થાનિક કારીગરો દ્વારા બનાવાયેલી વસ્તુઓની ખરીદી કરશે. દરમ્યાન, ધનતેરસે દેશમાં આશરે 20 હજાર કરોડનું સોનું અને અંદાજે 2500 કરોડની ચાંદીની ખરીદી કરવામાં આવી હતી. ઝવેરાત ક્ષેત્રના કેટના સંગઠન ઓલ ઇન્ડિયા જ્વેલર્સ એન્ડ ગોલ્ડ સ્મિથ ફેડરેશન (એઆઇજેજીએફ)ના રાષ્ટ્રીય અધ્યક્ષ પંકજ અરોરાએ જણાવ્યું હતું કે, ધનતેરસના અવસરે આખા દેશમાં સોનાં અને ચાંદીનું ભારે વેચાણ નોંધાયું હતું. તેમણે એમ પણ કહ્યંy કે, આ વર્ષે ધનતેરસે સોનાં અને ચાંદીના વેચાણમાં વધારો થયો છે. દેશભરમાં આશરે ચાલ લાખ નાના-મોટા જ્વેલર્સ કાર્યરત છે. ભારતીય માનક બ્યૂરોમાં નોંધાયેલા બે લાખ જ્વેલર્સે આજે આશરે પચ્ચીસ ટન સોનાંનું વેચાણ કર્યું હતું, જેનું મૂલ્ય વીસ હજાર કરોડ રૂપિયા અને 250 ટન ચાંદીનું વેચાણ કર્યું, જેનું મૂલ્ય આશરે 2500 કરોડ રૂા. થવા જાય છે. ગયા વર્ષે સોનાંનો ભાવ 60 હજાર રૂા. પ્રતિ દસ ગ્રામ હતો જે હવે 80 હજારથી વધુ છે, જ્યારે ચાંદીનો ભાવ ગયા વર્ષે 70 હજાર તો જે હવે એક લાખે પહોંચ્યો છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang