જમ્મુ અને કાશ્મીરમાં
વિધાનસભાની ચૂંટણીમાં સ્થાનિક લોકોના ઉત્સાહભર્યા પ્રતિસાદ બાદ હવે કેન્દ્ર સરકાર આ
કેન્દ્રશાસિત પ્રદેશને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવા સક્રિય રીતે વિચારી રહી છે. અશાંત
રાજ્યમાં લોકશાહીની પ્રક્રિયા મજબૂત બની રહી હોવાના આવકાર્ય માહોલને ડહોળવા આંતકવાદીઓ
ફરી માથું ઊંચકી રહ્યા છે. લોકોના લોકશાહીના વિશ્વાસને ડગાવી મૂકવા આંતકીઓએ જે રીતે
આયોજનબદ્ધ હુમલા શરૂ કર્યા છે, તેનાથી કેન્દ્ર અને રાજ્ય બન્ને સરકારની સામે ગંભીર
પડકાર ખડો થઇ રહ્યો છે. આમ તો કાશ્મીરમાં આતંકી હુમલાના બનાવમાં સમયાંતરે વધારો કે
ઘટાડો થતો રહ્યો છે, પણ આ વખતે જે રીતે સલામતી દળો પર હુમલાથી માંડીને નિર્દોષ લોકોને
નિશાન બનાવવાના વધી રહેલા બનાવો બતાવે છે કે, આતંકીઓ હવે હતાશામાં અટવાઇ ગયા છે અને
હિંસા વાટે પોતાનું પ્રભુત્વ બતાવવા મરણિયા બન્યા છે. ઉલ્લેખનીય છે કે, ગયા સપ્તાહે
આતંકીઓએ લશ્કરના એક વાહન પર હુમલો કરતાં બે જવાન શહિદ થયા હતા અને ટુકડી સાથે જોડાયેલા
બે કુલી પણ માર્યા ગયા હતા. હુમલામાં સંખ્યાબંધ લોકો ઘવાયા હતા અને તેમને સારવાર માટે
હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. આ અગાઉ ગંદરબલ અને શોપિયામાં આતંકીઓએ સાત જણની હત્યા કરી
નાખી હતી. સ્વાભાવિક રીતે આ હુમલાના વધેલા
બનાવો નવરચિત રાજ્ય સરકાર માટે મોટો પડકાર બની રહ્યા છે. આ સરકારે સત્તા સંભાળી છે,
ત્યારથી આતંકીઓએ બારાતુ મજૂરોને નિશાન બનાવતા હુમલા કર્યા છે, તેની સાથોસાથ સલામતી
દળો અને સ્થાનિક લોકોની ઉપર પણ હુમલા વધારી નાખ્યા છે. આંતકીઓનો ઇરાદો એવો જણાય છે કે, રાજ્યમાં લોકશાહીની
પ્રક્રિયા સફળ રહી હોવા છતાં ત્યાં હજી આતંકવાદનો પ્રભાવ યથાવત્ છે તથા ત્યાંના નિવાસીઓની
માથે જોખમ જેમનું તેમ છે. ચોંકાવનારી બાબત એ છે કે, સ્થાનિક લોકોનાં
હિતમાં લડાઇ લડવાના દાવા કરતા આતંકી સંગઠનો અને તેમના સભ્યો હવે તેમને ડરાવવા હુમલા
વધારી રહ્યા છે. સાથોસાથ અન્ય રાજ્યોમાંથી રોજીરોટી માટે મજૂરી કરવા આવતા શ્રમજીવીઓ
અને સલામતી દળોની ઉપર હુમલા કરીને દેશ અને દુનિયાને પોતાની લોહિયાળ હાજરી બતાવી રહ્યા
છે. સૌ કોઇ જાણે અને સમજે છે કે, વિધાનસભાની ચૂંટણીઓમાં સ્થાનિક લોકોએ લોકશાહીની પ્રક્રિયામાં
ઉત્સાહભેર ભાગ લઇને આતંકીઓના ડરને પરાસ્ત કર્યો છે. હવે લોકોને એવી અપેક્ષા છે કે, નવી સરકાર ડરના ઓછાયાથી
મુક્તિ અપાવશે. આગામી દિવસોમાં જમ્મુ અને કાશ્મીરને પૂર્ણકક્ષાના રાજ્યનો દરજ્જો મળે
તે સાથે આતંકીઓ તેમના હુમલા વધારી મૂકે એવી શક્યતા વ્યક્ત થઇ રહી છે. કેન્દ્ર અને રાજ્ય
સરકારે સમન્વયને વધુ મજબૂત કરીને પૂર્ણ રાજ્યના દરજ્જાને ખરા અર્થમાં યથાર્થ કરવા સલામતીનો
સંયુક્ત અને અસરકાર વ્યૂહ તૈયાર કરવાને પણ અગ્રતા આપવાની ખાસ જરૂરત રહેશે. આવનારો સમય આતંક સામેના જંગમાં ખરાખરીનો બની રહે
તેમ છે. લોકશાહીની તરફેણમાં રહેલા સમાન્ય લોકોની આ જંગમાં સામેલગીરીનો કોઇપણ વ્યૂહ
સફળતા અપાવી શકે તેમ છે.