નવી દિલ્હી, તા. 29 : કેરળના એક મંદિરમાં ઉત્સવ દરમ્યાન ફટાકડાનો
ભંડાર સળગતાં લાગેલી આગમાં ઓછામાં ઓછા 150થી વધુ લોકો દાઝી ગયા હતા, જેમાંથી આઠની સ્થિતિ
ગંભીર ગણાવાઇ રહી છે. આ ઘટના સોમવારે મધ્યરાત્રિના કેરળના કાસરગોડની નજીક આવેલા નીલસ્વરમ્
સ્થિત વીરારકાવુ મંદિર પાસે બની હતી. હેવાલ મુજબ વીરારકાવુ મંદિર પાસે ફટાકડાને જમા
કરીને રાખવામાં આવ્યા હતા, જેમાં આગના પરિણામે ઘટના બની હોવાની આશંકા વ્યક્ત કરવામાં
આવી છે. નજરે જોનારાઓ અનુસાર એક ફટાકડો ફૂટયા બાદ જમા કરાયેલા ફટાકડાના ભંડારમાં પડયો
હતો, જેને કારણે થોડી જ વારમાં પ્રચંડ ધડાકાઓ સાથે આગ ફાટી નીકળી હતી. ઉપસ્થિત ભાવિકોમાં
ભય સાથે નાસભાગ મચી હતી. ઘાયલ થનારાઓમાં બાળકો અને મહિલાઓ પણ હતાં. અહેવાલ મુજબ મંદિરમાં
થેય્યમની પ્રસ્તુતિ જોવા ભાવિકો ઊમટયા હતા. ઘટનાની જાણકારી મળ્યા બાદ જિલ્લા વહીવટીતંત્ર,
જિલ્લા કલેક્ટર, પોલીસના અધિકારીઓનો કાફલો દોડી આવ્યો હતો. અધિકારીઓએ ઘટનાનાં કારણો
જાણવા તપાસ આરંભી હતી. દરમ્યાન, દાઝેલા અને ઘાયલ લોકો અને તેમના પરિવારને સ્થાનિકો
મદદરૂપ બન્યા હતા. સ્થાનિક મીડિયાએ જણાવ્યું હતું કે, કાન્હાગઢ જિલ્લા હોસ્પિટલમાં
દાખલ કરવામાં આવેલા પૈકી પાંચની હાલત અતિ ગંભીર ગણાવાઇ રહી છે. આ હોસ્પિટલમાં 33 લોકોને
દાખલ કરવામાં આવ્યા છે. બાકીના લોકોને જુદી-જુદી હોસ્પિટલમાં દાખલ કરી સારવાર અપાઇ
રહી છે.