• બુધવાર, 30 ઑક્ટોબર, 2024

સોનાં-ચાંદી બજારમાં ઘરાકી ભારે, પણ ખરીદી `હળવી'

ભુજ/ગાંધીધામ, તા. 29 : સોનાં-ચાંદીની સર્વોચ્ચ શિખરે પહોંચી ગયેલી કિંમતો છતાં કચ્છીઓએ આજે બજારોમાં ઉત્સાહભેર નીકળીને ધનતેરસના સપરમા દિવસનું શુકન સાચવી લીધું હતું. આજે બપોર બાદથી જ ભુજ-ગાંધીધામ સહિતના નગરોની બજારમાં સારી ઘરાકી નીકળી હતી. જો કે, લોકોએ વધુ ભાવને લીધે પોતાનું બજેટ જાળવી રાખીને એકંદરે હળવા દાગીનાની ખરીદી કરી હતી, તો સોનાં-ચાંદીના સિક્કા, લગડી વગેરેનું ચલણ યથાવત્ રહ્યું હતું. એક અંદાજ મુજબ આજના દિવસે કચ્છમાં લગભગ 30થી 3પ કિલો સોનાંની ખરીદી થઈ હતી. સુવર્ણ અને રજતની કિંમતો આભને આંબી રહી છે, પણ કચ્છની બજારમાં ગુરુપુષ્ય નક્ષત્ર બાદ આજે લોકો પોતપોતાની ક્ષમતા મુજબ ખરીદી માટે નીકળી પડયા હતા. ધનતેરસના દિવસે જ સ્થાનિક બજારમાં સોનાંના ભાવમાં મોટો ઉછાળો નોંધાયો હતો, ભુજ બુલિયન એસોસીએશનના પ્રમુખ અલંકાર જ્વેલર્સના ભદ્રેશ દોશીના જણાવ્યા અનુસાર આજે ભુજની બજારમાં બહુ સારી ઘરાકી જોવા મળી હતી. લોકોએ ખાસ તો સિક્કા, લગડી, ચાંદીની મૂર્તિ, પોંચી, વીંટી વગેરેની સારી ખરીદી કરી હતી. બજારમાં સોનાં-ચાંદીના પાંચિયા અને કોરીનું પણ સારું  આકર્ષણ રહ્યું હતું. વેલજી આણંદજીની પેઢીના નિમેશભાઈ સોનીના જણાવ્યા અનુસાર એકંદરે ઘરાકી સારી હતી, પણ ધનતેરસના બપોર બાદના મુહૂર્તની અવઢવને લીધે બપોર બાદ લોકો વધુ નીકળ્યા હતા અને ભાવવધારાને લીધે હળવા દાગીના  વીંટી, બુટ્ટી વગેરેની ખરીદી કરી હતી. સિક્કાનું ચલણ યથાવત્ હતું.  નખત્રાણાના અહેવાલ મુજબ સોની બજારના મહેશભાઇ સોની તથા તરુણભાઇ સોનીએ જણાવ્યું હતું કે, સોનાંના ઊંચા ભાવનાં કારણે ઘરાકી નહીંવત હતી, જ્યારે ચાંદીના સિક્કા, નાના ઘરેણાની ઘરાકી ધૂમ રહી હતી. કચ્છના આર્થિક પાટનગર ગાંધીધામની ઝેવરી બજારમાં ધનતેરસની રોનક દેખાઈ હતી. ઉમા જ્વેલર્સના મનસખુભાઈ કોડરાણીએ તમામ દુકાનોમાં સારી ખરીદી હોવાનું અને લોકોએ શુકન સાચવ્યું હોવાનું આનંદની લાગણી સાથે જણાવ્યું હતું. સોના-ચાંદીના સિક્કા, લાઈટ વેઈટ જ્વેલરી સહિતના ઘરેણાનું વેચાણ થયું હોવાનું  તેમણે ઉમેર્યું હતું. ગાંધીધામના   ટાગોર રોડ ઉપર આવેલા કોર્પોરેટ શો-રૂમોમાં પણ લોકોની ભીડ જોવા મળી હતી અને મોટી રકમનાં ઘરેણાની ખરીદી થઈ હોવાના અહેવાલો સાંપડયા હતાં. ઐતિહાસિક અંજાર શહેરની સોની બજારમાં પણ ચમક દેખાઈ હતી. સોના-ચાંદીના ભાવમાં વર્તમાન સમયમાં ખૂબ વધારો થયો છે, જેના કારણે લોકોની ખરીદશક્તિ પર અસર પડતાં દર વર્ષની તુલનાએ આ વર્ષે વેચાણમાં ઘટાડો નોંધાતો જોવા મળ્યો છે. આ અંગે કચ્છ ઇન્ડિયન બુલિયન એન્ડ જ્વેલરી એસોસીએશનના પ્રમુખ ફોરમભાઈ એસ. સોની જણાવે છે કે, સોના-ચાંદીમાં રોકાણ હંમેશાંથી સુરક્ષિત માનવામાં આવે છે, વર્તમાન સમયમાં સોના-ચાંદીના ભાવમાં વધારો થયો હોવા છતાંય આગામી સમયમાં હજુ પણ વધારો જોવા મળશે,  અંજાર મધ્યે આવેલા મે. સોની રમણીકલાલ નાનાલાલ જ્વેલરી શો-રૂમમાં ગ્રાહકોની ભીડ જોવા મળી હતી.  

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang