• ગુરુવાર, 07 નવેમ્બર, 2024

માલવાહક વિમાનોનાં ઉત્પાદનથી ભારતમાં વિકાસનો નવો અધ્યાય

ભારતમાં લશ્કરી શસ્ત્ર સરંજામનાં સ્વદેશી ઉત્પાદન માટે ભારે ક્ષમતા રહેલી છે. આજે તમામ સ્તરે વિકાસ સાધી રહેલા આપણા દેશમાં લશ્કર માટેની ખરીદી મોટાભાગે વિદેશી આયાત પર નિર્ભર રહી છે. આવામાં માલવાહક વિમાનોનાં મેક ઇન ઇન્ડિયાનાં સ્વપ્નને હવે સાકાર કરાઇ રહ્યંy છે. સ્પેનની કંપની એરબસ અને ભારતની ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ લિમિટેડ દ્વારા વડોદરામાં સી-295 પ્રકારનાં આ આધુનિક વિમાનોની ઉત્પાદન સુવિધાનો આરંભ કરાયો છે. સોમવારે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાંચેઝે આ નવાં વિમાન ઉત્પાદન સંકુલનું ઉદ્ઘાટન કર્યું. ભારતે સ્પેન સાથે સી-295 પ્રકારનાં એરબસ 56 માલવાહક વિમાનોની ખરીદીનો કરાર કર્યો છે. આ કરારમાંથી 16 વિમાન સ્પેનમાંથી સીધાં ભારતને મળશે, બાકીનાં 40 વિમાનનું ઉત્પાદન વડોદરામાં થશે. આ વિમાનો વાયુદળમાં સામેલ થતાં ભારતની હવાઇ તાકાતમાં વધારો થશે. આમે પણ વાયુદળને યુદ્ધવિમાનો અને માલવાહક વિમાનોની અછત વર્તાતી હતી. રાફેલ વિમાનોના સોદાથી યુદ્ધવિમાનોની જરૂરત અમુક અંશે પૂરી થઇ છે. જ્યારે સી-295 વિમાનો સામેલ થવાથી આ જરૂરત પણ પૂરી થશે. આ માલવાહક વિમાનો શસ્ત્ર સરંજામ વહન કરવાની સાથોસાથ સૈનિકો અને તેમની માટેની આરોગ્ય સુવિધા પહોંચાડવા માટે ઉપયોગી બની શકશે. આ વિમાનોની ખાસિયત એ છે કે, તેમને ઉડ્ડયન માટે બહુ નાની હવાઇપટ્ટીની જરૂરત રહેશે. જેને લીધે દુર્ગમ વિસ્તારોમાં આ વિમાનો સરળતાથી પહોંચી શકશે. નવ ટન વજન અથવા 73  સૈનિકની સાથે ઉડ્ડયન કરી શકે એવાં આ વિમાનો સતત 11 કલાક સુધી હવામાં રહી શકે છે અને હવામાં જ તેમાં ઇંધણ ભરી શકાશે. આ ઉપરાંત આ વિમાનમાં 800 કિલોગ્રામ વજનનાં હથિયાર પણ લગાવીને કોઇ હુમલાના જવાબ માટે સજ્જ રાખી શકાશે. આ પ્રથમ વખત હશે જ્યારે કોઇ ખાનગી વૈશ્વિક કંપની ભારતમાં વાયુદળ માટે વિમાનો બનાવશે. મેક ઇન ઇન્ડિયાનો વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો મંત્ર હવે સાર્થક બની રહ્યો છે. સ્વદેશી ટેકનોલોજીનો વધુને વધુ ઉપયોગ કરીને શસ્ત્રોનું દેશમાં ઉત્પાદન કરવાના આ આગ્રહથી હવે આવાં વિમાનો અને શસ્ત્રો માટેના સ્પેરપાર્ટ્સ બનાવતા એકમો ઊભા કરવાને મદદ મળશે, જે આનુષંગિક રીતે રોજગારી અને વેપારની તકોને વિકસાવશે. આજકાલ કોઈપણ દેશની સામરિક શક્તિનું મૂલ્યાંકન એ આધાર પર કરવામાં આવે છે કે, તેનાં વાયુદળમાં કેટલાં આધુનિક યુદ્ધવિમાનો છે, કેટલી દૂર સુધી મિસાઈલ્સ ફેંકવા અને દુશ્મનની મિસાઈલોને ભેદવાની તેની ક્ષમતા છે. યુદ્ધનાં મેદાનમાં તે કેટલી ઝડપથી પોતાના સૈનિકોની તહેનાતી કરી શકે છે, હથિયારો અને દારૂગોળાની પહોંચ સુનિશ્ચિત કરી શકે છે. આ દિશામાં ભારતીય વાયુદળનું સામર્થ્ય સતત વધી રહ્યું છે. સી-295 વિમાનોને પોતાના જ દેશમાં તૈયાર કરવાનું સરકારની તૈયારીનું મુખ્ય ચરણ છે. હવાઈદળની લાંબા સમયથી ફરિયાદ રહી છે કે, તેના કાફલામાંનાં યુદ્ધ અને માલવાહક વિમાનો જૂનાં થઈ ગયાં છે, જેના પગલે દુશ્મનોથી ધાર્યો મુકાબલો કરવામાં તકલીફ પડે છે. આ સ્થિતિ લક્ષમાં લઈને રફાલ વિમાનોની ખરીદી કરવામાં આવી હતી. સ્વદેશી ટેકનિકથી હથિયારોનાં નિર્માણ પર ભાર મૂકવામાં આવ્યો હતો. હવે છપ્પન સી-295 વિમાનોનાં નિર્માણથી હવાઈદળને યુદ્ધની સામગ્રી પહોંચાડવા, સૈનિકો અને ચિકિત્સા સુવિધાઓની ત્વરિત વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં ભારે મદદ મળશે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang