• મંગળવાર, 17 સપ્ટેમ્બર, 2024

હોકીમાં હવે કાંસ્યની આશ, ફોગાટનો ચંદ્રક પાક્કો

પેરિસ, તા. 6 : ઓલિમ્પિક ખેલમહાકુંભના 11મો દિવસ ભારત માટે મિશ્ર સાબિત થયો હતો. એક તરફ પુરુષ ટેબલ ટેનિસમાં ચીન સામે હારીને બહાર થઈ હતી, પરંતુ વિનેશ ફોગાટે અભૂતપૂર્વ પ્રદર્શન કરી ફાઈનલમાં સ્થાન મેળવતાં એક ચંદ્રક પાક્કો થયો છે, જ્યારે મોડી રાત્રે આ લખાય છે ત્યારે 12.45 વાગ્યે હોકીની સેમિફાઈનલમાં ભારતે રસાકસી બાદ જર્મની સામે 3-2થી પરાજિત થતાં 44 વર્ષનો વિક્રમ તોડી સુવર્ણ મેળવવાની તક ગુમાવી હતી. જો કે, કાંસ્ય માટે 7મીએ સ્પેન સામે રમશે. જર્મની સામેની મેચમાં પહેલા ક્વાર્ટરમાં ભારતે મજબૂત પ્રદર્શન કર્યું હતું અને 1-0થી આગળ થયું હતું, પરંતુ બીજા કવાર્ટરમાં જર્મનીએ મેદાન માર્યું હતું અને 15 મિનિટમાં 2 ગોલ કર્યા હતા. ભારતને પેનલ્ટી કોર્નર મળવા છતાં ગોલ કરવામાં સફળતા મળી નહોતી. જો કે, ત્રીજા ક્વાર્ટરમાં કેપ્ટન હરમનપ્રીત સિંહે પેનલ્ટી કોર્નરમાં ગોલ કરી મેચને 2-2ની બરાબરી પર લાવી હતી, પણ છેલ્લા કવાર્ટરમાં જર્મનીએ આક્રમક દેખાવ કરી 54મી મિનિટમાં ત્રીજો ગોલ કરી મેચ જીતી લીધી હતી. બીજી તરફ ઓલિમ્પિકમાં ભારતને વધુ એક ચંદ્રક નિશ્ચિત કરતાં મહિલા પહેલવાન વિનેશ ફોગાટ ફાઈનલમાં પહોંચી છે. બુધવારે તે સુવર્ણ ચંદ્રક માટે ફાઈનલ રમશે. મહિલા કુશ્તીના ફાઈનલમાં પહોંચનારી વિનેશ પહેલી ભારતીય મહિલા પહેલવાન બની છે. ઉપરા ઉપરી 3 મુકાબલા જીતીને વિનેશે દેશ માટે પહેલો રજત ચંદ્રક નિશ્ચિત કર્યો છે હવે સુવર્ણ માટે રિંગમાં ઊતરશે. પ0 કિલો ભાર વર્ગની ફ્રી સ્ટાઈલ ઈવેન્ટની સેમિફાઈનલમાં ક્યૂબાની યુસનેઈલિસ ગુજમૈનને 5-0થી હાર આપી હતી. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang