ભુજ, તા. 3 : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે રાજ્યવ્યાપી
આંગણવાડી કેન્દ્રોના ઈ-લોકાર્પણ અને ઈ-ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો. જેના ભાગરૂપે કચ્છ
જિલ્લામાં 19 આંગણવાડી કેન્દ્રોનું લોકાર્પણ અને 111 કેન્દ્રોનું ખાતમુહૂર્ત કરાયું હતું. ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ અંતર્ગત
રાજ્યભરમાં પરંપરાગત,
થ્રીડી મોનોલિથિક તથા એલજીએસએફ બાંધકામ પદ્ધતિથી નિર્માણ પામનાર કુલ
4,362 આંગણવાડી કેન્દ્રોના ઈ-લોકાર્પણ અને ઈ-ખાતમુહૂર્તનો
રાજ્યકક્ષાનો કાર્યક્રમ વડાપ્રધાન મોદીના હસ્તે યોજાયો હતો. આ કાર્યક્રમ અંતર્ગત રાજ્યભરમાં
આશરે રૂ.750 કરોડના ખર્ચે આંગણવાડી કેન્દ્રોના નિર્માણની
કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. કચ્છ જિલ્લામાં કુલ 99 આંગણવાડી કેન્દ્રોના ખાતમુહૂર્ત કરવામાં આવ્યા
હતા. જ્યારે નવનિર્મિત 19 આંગણવાડી
કેન્દ્રોનું લોકાર્પણ કરાયું હતું. આ ઉપરાંત, જીએસડીસી દ્વારા સીએસઆર અંતર્ગત રાજ્ય સરકારના સહયોગથી નિર્માણ
પામનાર વધુ 12 આંગણવાડી
કેન્દ્રોનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ કામગીરીથી જિલ્લામાં આંગણવાડી કેન્દ્રોની
માળખાકીય સુવિધાઓના વિસ્તરણ અને વિકાસને નવી દિશા મળશે. કચ્છ જિલ્લાના વિવિધ તાલુકાઓમાં
પણ કાર્યક્રમના જીવંત પ્રસારણનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સ્થાનિક પદાધિકારીઓ, ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ,
લાભાર્થીઓ, આંગણવાડી કાર્યકર, તેડાગર તેમજ સંબંધિત વિભાગના અધિકારીઓ અને કર્મચારી સહભાગી બની આ પહેલને આવકારી
હતી. આંગણવાડી
કેન્દ્રો એ બાળકોના સર્વાંગી વિકાસ, પોષણ અને પૂર્વ પ્રાથમિક શિક્ષણનું પાયાનું કેન્દ્ર છે. આ
કેન્દ્રોની માળખાકીય સુવિધાઓમાં વધારો થવાથી આંગણવાડીમાં આવતા ભૂલકાંઓને વધુ સુરક્ષિત,
સ્વચ્છ અને સુવિધાયુક્ત વાતાવરણ મળી રહેશે. સાથે જ મહિલા અને બાળ વિકાસ
વિભાગ દ્વારા પૂરી પાડવામાં આવતી પોષણ, આરોગ્ય અને શિક્ષણલક્ષી
સેવાઓ વધુ અસરકારક રીતે ઉપલબ્ધ બનશે.